<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st November 2025

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, બીએસએફના ડીજી દલજીતસિંહ ચૌધરીની ઉપસ્થિતિમાં ભુજમાં બીએસએફ ના ૬૦ માં સ્થાપના વર્ષની ઉજવણી : બીએસએફ સ્થાપનામાં કચ્છ બન્યું હતું નિમિત્ત: આજે ભુજમાં ૬૦ માં સ્થાપના વર્ષની ઉજવણી કચ્છ માટે ઐતિહાસિક પ્રસંગ

કચ્છ સરહદે ૧૯૬૫ના ભારત પાકિસ્તાન યુદ્ધ સમયે સંરક્ષણ હરોળમાં રહેલ ત્રુટિઓ નિવારી દેશની સરહદો ઉપર સુરક્ષા મજબૂત બનાવવા તત્કાલીન વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ ખાસ કમિટી રચી અને ૧૯૬૫ માં બીએસએફની રચના થઈ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૧ : આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, બીએસએફના ડીજી દલજીતસિંહ ચૌધરીની ઉપસ્થિતિમાં ભુજમાં બીએસએફ ના ૬૦ માં સ્થાપના વર્ષની ઉજવણી થઈ રહી છે.

          કચ્છ જિલ્લા માટે આ બેવડો ઐતિહાસિક અવસર છે. તેનું કારણ પ્રથમ જ વખત કચ્છમાં રાષ્ટ્રીય સ્તરની સ્થાપના દિવસની ઉજવણી થઈ રહી છે એ સાથે જ એ હકીકતનો ઉલ્લેખ કરી લઈએ કે બીએસએફની સ્થાપના પાછળ ૧૯૬૫ માં ભારત પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ નિમિત્ત બન્યું હતું. આજે બીએસએફ અર્ધ લશ્કરી દળ દેશની દરેક સરહદે ભારતની સુરક્ષાનું અભિન્ન સુરક્ષા કવચ છે. ત્યારે એ જાણીએ કે, કઈ રીતે બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે બીએસએફની રચના થઈ. 

              ૧૯૬૫ માં ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન, રાજ્ય સશસ્ત્ર પોલીસ બટાલિયન સરહદ સુરક્ષાની જવાબદારી સંભાળતી હતી. યુદ્ધ દરમ્યાન ૯ એપ્રિલ ૧૯૬૫ ના રોજ પાકિસ્તાને કચ્છ સરહદે સરદાર ચોકી, બેરિયા બેટ અને છાડ બેટ પર અચાનક હુમલો કર્યો. આ હુમલા દરમ્યાન અન્ય બાબતોની સાથે રાજ્ય સશસ્ત્ર પોલીસ દળની યુદ્ધ સમયની તાલીમમાં ત્રુટીઓ જોવા મળી હતી. 

           હુમલાના કારણોની સમીક્ષા દરમિયાન, તે ધ્યાને આવ્યું કે, સરહદની સુરક્ષા માટે સશસ્ત્ર અને પ્રશિક્ષિત સમર્પિત સુરક્ષા દળોને તૈનાત કરવા જોઈએ. આ માટે સચિવોની સમિતિની રચના કરવામાં આવી હતી અને પોલીસ, આર્મી, નેવી, એરફોર્સ માંથી ચુનંદા જવાનોની પસંદગી સાથે બીએસએફની રચના કરાઈ. બીએસએફના પ્રથમ ડીજી કે.એફ. રૂસ્તમજી હતા. 

        એ સમયે સરહદ ઉપર સુરક્ષાની જવાબદારી સંભાળનાર બીએસએફ હવે જરૂરત પડયે દેશના આંતરિક ભાગોમાં પણ સુરક્ષા વ્યવસ્થા સાથે આપત્તિના સમયે પણ કામગીરી કરે છે. આજે બીએસએફના વર્તમાન ડીજી તરીકેની જવાબદારી દલજીતસિંહ ચૌધરી સંભાળી રહ્યા છે.

(9:27 AM IST)