<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st November 2025

ભુજમાં અમિતભાઈની ગર્જના: એક એક ઘૂસણખોરને બહાર કાઢીશું,બીએસએફ છે ત્યાં સુધી દુશ્મન દેશ એક ઇંચ પણ જમીન લઈ શકે એમ નથી

બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)ના ૧૯૬૫ થી ૨૦૨૫ સુધીની સફરના ૬૦ વર્ષ પૂર્ણ થયા એ પ્રસંગે સ્થાપના દિનને અનુલક્ષીને ભુજમાં આવેલા બીએસએફના હરિપર કેમ્પ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય કક્ષાનો હીરક જયંતી કાર્યક્રમ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૧ : કચ્છમાં બીએસએફના ૬૦ માં સ્થાપના વર્ષ અને હીરક જયંતીના ૬૧ માં વર્ષ પ્રવેશની રાષ્ટ્રીય સ્તરની ઉજવણી કરાઈ હતી. દેશના ગૃહમંત્રી અમિત શાહે સંબોધન કરતા જણાવ્યું હતું કે, બીએસએફ દેશની બધી જ સરહદો ઉપર ઘૂસણખોરોને રોકવા તૈનાત છે. અમે એક-એક ઘૂસણખોરને શોધી શોધીને દેશમાંથી બહાર કાઢીશું. જ્યાં સુધી દેશની સરહદો ઉપર બીએસએફનો ચોકી પહેરો છે ત્યાં સુધી દુશ્મન દેશ આપણી સીમાએ એક ઈંચ પણ આગળ વધી શકે તેમ નથી. 

બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)ના ૧૯૬૫ થી ૨૦૨૫ સુધીની સફરના ૬૦ વર્ષ પૂર્ણ થયા એ પ્રસંગે સ્થાપના દિનને અનુલક્ષીને આજે ભુજમાં આવેલા બીએસએફના હરિપર કેમ્પ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય કક્ષાના હીરક જયંતી કાર્યક્રમનું આયોજન કરાયું હતું. બીએસએફના ડી.જી. દલજિતસિંહ ચૌધરીના માર્ગદર્શન તળે જવાનો દ્વારા વિવિધ પરેડ સાથેનો ભવ્ય સમારોહ યોજાયો હતો.

(2:46 PM IST)