<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st November 2025

પ્રશાંત કિશોર ૯૦% સંપત્તિ દાન કરશેઃ ફક્‍ત દિલ્‍હીનું ઘર રાખશે

મૌન ઉપવાસ પછી પ્રશાંત કિશોરે એક મોટી જાહેરાત કરી : બિહાર ચૂંટણીમાં તેમની હાર બાદ, પ્રશાંત કિશોરે જનતા સુધી પહોંચવાનો અને બિહાર સંકલ્‍પ યાત્રા શરૂ કરવાનો નિર્ણય લીધો છે, ૧૫ જાન્‍યુઆરીથી શરૂ થતી આ યાત્રામાં રાજ્‍યભરના ૧૧૮ વોર્ડની મહિલાઓ જોવા મળશે અને તેમને ફોર્મ ભરવા માટે પ્રેરિત કરવામાં આવશે, પ્રશાંત કિશોરે જન સૂરજ સાથે સંકળાયેલા લોકોને ૧,૦૦૦ રૂપિયાનું યોગદાન આપવાની અપીલ કરી

પટના, તા.૨૧: બિહાર વિધાનસભા ચૂંટણીમાં મળેલી કારમી હારથી પ્રશાંત કિશોર હજુ પણ અવિચલિત છે. તેમણે ફરી એકવાર જનતા સુધી પહોંચવાનો નિર્ણય લીધો છે. ભીતિહરવા ગાંધી આશ્રમમાં એક દિવસના મૌન ઉપવાસ બાદ, જન સૂરજના સ્‍થાપક પ્રશાંત કિશોરે એક મોટી જાહેરાત કરી છે. જન સૂરજના સ્‍થાપક પ્રશાંત કિશોરે જાહેરાત કરી છે કે તેઓ ૧૫ જાન્‍યુઆરીથી બિહાર સંકલ્‍પ યાત્રા શરૂ કરશે. આ યાત્રા દરમિયાન, તેઓ રાજ્‍યભરના ૧૧૮,૦૦૦ વોર્ડમાં એવી મહિલાઓની મુલાકાત લેશે જેમને સરકાર તરફથી રૂ.૧૦,૦૦૦ મળ્‍યા છે. તેઓ તેમને બિહાર સરકાર દ્વારા આપવામાં આવતા રૂ.૨ લાખના લાભ માટે ફોર્મ ભરવામાં પણ મદદ કરશે. પ્રશાંત કિશોરે એવી પણ જાહેરાત કરી છે કે તેઓ તેમની સંપત્તિનો ૯૦% દાન કરશે.

ગયા વર્ષે નવેમ્‍બરની શરૂઆતમાં, પ્રશાંત કિશોરે ખુલાસો કર્યો હતો કે તેમણે ત્રણ વર્ષમાં આશરે રૂ.૨૪૧ કરોડ કમાયા હતા, જેમાંથી રૂ.૯૯ કરોડ જન સૂરજ પાર્ટીને દાન કર્યા હતા. તેમણે પોતાની આવક પર રૂ.૩૧ કરોડનો GST અને રૂ.૨૦ કરોડનો આવકવેરો પણ ચૂકવ્‍યો છે. મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર, તેમની વર્તમાન સંપત્તિ આશરે રૂ.૫૫ થી રૂ.૬૦ કરોડ હોવાનો અંદાજ છે.નીતીશ કુમાર મંત્રીમંડળ પર હુમલો કરતા કિશોરે કહ્યું, આ બિહારના લોકોના મોઢા પર થપ્‍પડ છે, જેમ કે ઘા પર મીઠું છાંટવું. કેટલાક લોકોને ફક્‍ત એટલા માટે મંત્રી બનાવવામાં આવ્‍યા કારણ કે તેમના પિતા રાજકારણમાં છે. ભ્રષ્ટ અને ગુનાહિત પળષ્ઠભૂમિ ધરાવતા લોકો પણ તેમાં સામેલ હતા. તેમણે આરોપ લગાવ્‍યો કે વડા પ્રધાન નરેન્‍દ્ર મોદી, કેન્‍દ્રીય પ્રધાન અમિત શાહ અને મુખ્‍ય પ્રધાન નીતિશ કુમાર હવે બિહારની પરવા કરતા નથી કારણ કે ચૂંટણીમાં મત ખરીદવામાં આવ્‍યા હતા અને તેઓ હવે લોકોની પરવા કરતા નથી.

(3:38 PM IST)