News of Sunday, 23rd November 2025
પંજાબી સિંગર હરમન સિદ્ધુનું માર્ગ અકસ્માતમાં નિધન, સંગીત જગતમાં શોકનો માહોલ
આ દુઃખદ સમાચાર બાદ સોશિયલ મીડિયા પર દેશભરના ચાહકો અને કલાકારો દ્વારા હરમન સિદ્ધુને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે

માણસા, પંજાબ: પંજાબી સંગીત જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જાણીતા પંજાબી ગાયક હરમન સિદ્ધુનું માનસા-પટિયાલા રોડ પર થયેલા એક ભયાનક માર્ગ અકસ્માતમાં દુઃખદ અવસાન થયું છે. આ સમાચાર મળતાની સાથે જ સમગ્ર સંગીત જગતમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. શનિવારે તેમની કાર એક કેન્ટર ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેમાં 37 વર્ષીય હરમન સિદ્ધુનું ઘટનાસ્થળે જ નિધન થયું હતું. પોલીસ દ્વારા ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે.
હરમન સિદ્ધુ, જેઓ પંજાબના માનસા જિલ્લાના ખયાલા ગામના વતની હતા, તેમણે 'પેપર તે પ્યાર', 'મેલા', 'સારી રાત પરહાડી' અને 'ઠાકેવાં જટ્ટન દા' જેવા અનેક લોકપ્રિય ગીતોથી ચાહકોના દિલમાં સ્થાન બનાવ્યું હતું. ખાસ કરીને મિસ પૂજા સાથેનું તેમનું ગીત "પેપર જા પ્યાર" તેમને રાતોરાત સ્ટાર બનાવી ગયું હતું. તેમની સરળતા, મધુર અવાજ અને લોક શૈલી તેમની આગવી ઓળખ હતી, જેને કારણે તેઓ યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય હતા.
આ દુર્ઘટનાએ સિદ્ધુ પરિવારને પણ હચમચાવી દીધો છે. હરમન પોતાની પત્ની અને નાની પુત્રીને પાછળ છોડી ગયા છે. દોઢ વર્ષ પહેલાં જ હરમનના પિતાનું અવસાન થયું હતું, અને હવે આ બીજી મોટી ખોટથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. સ્થાનિક લોકોમાં પણ આ ઘટનાને લઈને ભારે વેદના અને શોક પ્રવર્તી રહ્યો છે. આ અકસ્માત ફરી એકવાર માર્ગ સલામતીના મહત્વ પર ભાર મૂકે છે.
આ દુઃખદ સમાચાર બાદ સોશિયલ મીડિયા પર દેશભરના ચાહકો અને કલાકારો દ્વારા હરમન સિદ્ધુને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. એક પ્રતિભાશાળી કલાકારનું આ રીતે અચાનક વિદાય લેવું પંજાબી સંગીત જગત માટે ક્યારેય ન પુરાય તેવી ખોટ છે.
(11:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
