News of Sunday, 23rd November 2025
મૈત્રી અમર રહે: PM મોદી અને પ્રેસિડેન્ટ મેક્રોન વચ્ચે G20 માં બેઠક: ભારત-ફ્રાન્સ સંબંધોને વિશ્વ માટે 'સકારાત્મક શક્તિ' ગણાવ્યા
વૈશ્વિક દ્રષ્ટિકોણથી G20 દેશોની સ્પેસ એજન્સીઓ પાસેથી સેટેલાઇટ ડેટા શેર કરવા માટે G20 ઓપન સેટેલાઇટ ડેટા પાર્ટનરશીપ બનાવવાનું સૂચન પણ કર્યું હતું તેમનો આ પ્રસ્તાવ ગ્લોબલ સાઉથ (વિકાસશીલ દેશો)ને કુદરતી આફતો સામે લડવામાં અત્યંત મદદરૂપ સાબિત થશે

જોહાનિસબર્ગ: દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં ચાલી રહેલી G20 સમિટ દરમિયાન ભારત અને ફ્રાન્સ વચ્ચેની ગાઢ મિત્રતા વધુ મજબૂત બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન વચ્ચેની મુલાકાત દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈએ લઈ ગઈ છે. મુલાકાત બાદ બંને નેતાઓએ સોશિયલ મીડિયા પર એકબીજાનો આભાર વ્યક્ત કર્યો હતો. રાષ્ટ્રપતિ મેક્રોને ટ્વીટ કર્યું કે, "આભાર મારા મિત્ર નરેન્દ્ર મોદી. દેશ ત્યારે મજબૂત થાય છે, જ્યારે તેઓ સાથે મળીને આગળ વધે છે. ભારત અને ફ્રાન્સ વચ્ચેની મિત્રતા અમર રહે."
વડાપ્રધાન મોદીએ પણ આ મુલાકાતને 'અદ્ભુત વાતચીત' ગણાવી હતી. તેમણે કહ્યું કે, રાષ્ટ્રપતિ મેક્રોનને મળીને આનંદ થયો અને ઘણા મુદ્દાઓ પર ઉપયોગી ચર્ચા થઈ. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, "ભારત-ફ્રાન્સ સંબંધો વિશ્વ માટે એક સકારાત્મક શક્તિ છે." આ બેઠક બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી, સંરક્ષણ સહયોગ અને વૈશ્વિક મુદ્દાઓ પરના સમાન મંતવ્યોને વધુ મજબૂત કરવાના સંકેત આપે છે.
આ દ્વિપક્ષીય મુલાકાત ઉપરાંત, G20 સમિટના બીજા સત્રમાં વડાપ્રધાન મોદીએ એક મહત્ત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે વધતી જતી કુદરતી આફતોની સંખ્યા અને તેમની અસર પર ઊંડી ચિંતા વ્યક્ત કરી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, આ આફતો માનવતા માટે એક મોટો પડકાર છે. આ મુદ્દાને પ્રાથમિકતા આપતા ભારતે 2023માં G20ની અધ્યક્ષતા દરમિયાન ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન વર્કિંગ ગ્રુપની રચના કરી હતી, જેનો ઉદ્દેશ આપત્તિ વ્યવસ્થાપનમાં વૈશ્વિક સહયોગ વધારવાનો છે.
વડાપ્રધાન મોદીએ પ્રસ્તાવ મૂક્યો કે, હવે માત્ર આપત્તિ પછીના 'રિસ્પોન્સ' (પ્રતિભાવ) પર ધ્યાન આપવાને બદલે 'ડેવલપમેન્ટ-સેન્ટ્રીક' (વિકાસ-કેન્દ્રિત) અભિગમ અપનાવવાનો સમય છે, જેથી આપત્તિઓ આવે તે પહેલાં જ મજબૂત તૈયારીઓ કરી શકાય. આ ઉપરાંત, તેમણે વૈશ્વિક દ્રષ્ટિકોણથી G20 દેશોની સ્પેસ એજન્સીઓ પાસેથી સેટેલાઇટ ડેટા શેર કરવા માટે G20 ઓપન સેટેલાઇટ ડેટા પાર્ટનરશીપ બનાવવાનું સૂચન પણ કર્યું હતું. તેમનો આ પ્રસ્તાવ ગ્લોબલ સાઉથ (વિકાસશીલ દેશો)ને કુદરતી આફતો સામે લડવામાં અત્યંત મદદરૂપ સાબિત થશે.
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
