News of Monday, 24th November 2025
કાશ્મીરમાં તાપમાન શૂન્યથી નિચેઃ ઉત્તર ભારતમાં ઠંડી વધીઃ ૬ રાજયોમાં અતિ ભારે વરસાદની આગાહી
દક્ષિણ ભારતના અનેક વિસ્તારોમાં સતત વરસાદથી જનજીવન પ્રભાવિત

નવી દિલ્હી તા. ર૪ :.. ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારોમાં તાપમાન શૂન્યથી નીચે છે. હવામાન વિભાગે ૬ રાજયોમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યુ છે. દિલ્હીમાં તાપમાનમાં ઘટાડાની સંભાવના છે. જયારે યુપી-બિહારમાં પણ ઠંડી વધવાની છે. દક્ષિણ ભારતમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
જયારે બીજી તરફ મેદાની વિસ્તારોમાં તાપમાન સતત ઘટી રહ્યું છે. દક્ષિણ ભારતમાં સતત વરસાદથી જનજીવન પૂરી રીતે પ્રભાવીત બન્યું છે. હવામાન વિભાગ મુજબ ઉત્તર ભારતમાં એક-બે દિવસમાં શીતલહેરનો પ્રકોપ જોવા મળી શકે છે.
રાજધાની દિલ્હીમાં આજે તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે. હવામાન ખાતા મુજબ આજે લઘુતમ તાપમાન ઘટીને ૧૦ ડીગ્રી સુધી પહોંચવાની શકયતા છે. જયારે ગુરૂતમ તાપમાન રપ ડીગ્રી રહી શકે છે. સવારે અને સાંજે ર૦ થી રપ કિ. મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઇ શકે છે. જો કે, તેનાથી પ્રદુષણમાં રાહત મળવાની સંભાવના નથી.
ઉંચાઇવાળા પર્વતીય ક્ષેત્રો અને કાશ્મીર ખીણ પ્રદેશમાં રાતનું તાપમાન શૂન્યથી નિચે જવા લાગ્યુ છે. શ્રીનગરમાં શનિવારે રાત્રે લઘુતમ તાપમાન માઇનસ ર.૮ ડીગ્રી નોંધાયેલ. જે આ સીઝનની સૌથી ઠંડી રાત્રી હતી. હિમાચલમાં પણ ૧૩ શહેરોમાં લઘુતમ તાપમાન પ ડીગ્રી ગગડયું હતું.
હવામાન ખાતાના પૂર્વાનુમાન મુજબ આજે તામિલનાડુ, કેરળ, આંધ્ર પ્રદેશ, બંગાળ, ઓડીશા તથા અંદમાન ટાપુના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના દર્શાવી છે. માછીમારોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
