News of Monday, 24th November 2025
ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડીનો પ્રકોપ: કાશ્મીરમાં પારો શૂન્યથી નીચે, જ્યારે દક્ષિણના ૬ રાજ્યોમાં ભરે વરસાદનું સંકટ: પહાડો પર બરફવર્ષા અને મેદાનોમાં કોલ્ડ વેવ
એક તરફ ઉત્તર ભારતના રાજ્યો હાડ થીજવતી ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યા છે: બીજી તરફ દક્ષિણ અને પૂર્વ ભારતના રાજ્યોમાં મેઘરાજાનું તોફાન જોવા મળી રહ્યું છે: હવામાન વિભાગના છેલ્લા અહેવાલ મુજબ, આગામી દિવસોમાં દેશના હવામાનમાં મોટા ફેરફારો જોવા મળશે

મુંબઈ: દેશભરમાં હવામાનનો મિજાજ બદલાયો છે. કાશ્મીર અને હિમાચલ જેવા પહાડી વિસ્તારોમાં તાપમાન શૂન્યથી નીચે જતાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. દિલ્હી, યુપી અને બિહારમાં ઠંડીની સાથે પ્રદૂષણની સમસ્યા યથાવત છે. બીજી તરફ, હવામાન વિભાગે તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ સહિત ૬ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.
દેશના હવામાનમાં એક સાથે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. એક તરફ ઉત્તર ભારતના રાજ્યો હાડ થીજવતી ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યા છે, તો બીજી તરફ દક્ષિણ અને પૂર્વ ભારતના રાજ્યોમાં મેઘરાજાનું તોફાન જોવા મળી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગના તાજા અહેવાલ મુજબ, આગામી દિવસોમાં દેશના હવામાનમાં મોટા ફેરફારો જોવા મળશે.
*પહાડો પર બરફવર્ષા અને મેદાનોમાં શીતલહેર*
પહાડી રાજ્યોમાં હિમવર્ષાને કારણે તાપમાનમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. કાશ્મીર ખીણમાં રાત્રિનું તાપમાન જમાવ બિંદુથી નીચે પહોંચી ગયું છે. શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન માઈનસ ૨.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે આ સિઝનની સૌથી ઠંડી રાતોમાંની એક છે. હિમાચલ પ્રદેશના ૧૩ જેટલા સ્થળોએ તાપમાન ૫ ડિગ્રી સેલ્સિયસથી નીચે ગબડ્યું છે. ઉત્તરાખંડમાં પણ સવાર-સાંજની કાતિલ ઠંડી અને ધુમ્મસે જનજીવન પ્રભાવિત કર્યું છે.
*દિલ્હી, યુપી અને બિહારની સ્થિતિ*
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં લઘુત્તમ તાપમાન ગગડીને ૧૦ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા છે. જોકે, અહીં ઠંડીની સાથે પ્રદૂષણની સમસ્યા પણ યથાવત રહે તેવી વકી છે. ઉત્તર પ્રદેશના આગ્રા, કાનપુર, ગોરખપુર, પ્રયાગરાજ અને વારાણસી જેવા શહેરોમાં ૨૪ નવેમ્બરથી તાપમાનમાં મોટો ઘટાડો જોવા મળશે. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં શીતલહેરનો પ્રકોપ જોવા મળી શકે છે. બિહારના મોટાભાગના જિલ્લાઓમાં પણ કડકડતી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે, જ્યાં ૧૫ થી ૨૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા ઠંડા પવનોએ લોકોની મુશ્કેલી વધારી છે.
*૬ રાજ્યોમાં વરસાદનું એલર્ટ*
એક તરફ ઉત્તર ભારત ઠંડીમાં છે, ત્યારે બીજી તરફ દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી માહોલ છે. હવામાન વિભાગે તમિલનાડુ, કેરળ, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને અંદમાન-નિકોબાર ટાપુઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ રાજ્યોમાં દરિયાકાંઠે રહેતા માછીમારોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
