<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th November 2025

જામનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જામનગર ખાતે સ્વચ્છતા પ્રોજેક્ટનો પ્રારંભ;૨૬૮ કરોડના ખર્ચે ગાર્બેજ કલેક્શનના ૨૧૬ વાહનોને પ્રસ્થાન કરાવાયું

જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા સહિતના ઉપસ્થિત

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૩ : ​ગુજરાતને સ્વચ્છ અને સુદૃઢ બનાવવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાને આગળ ધપાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે જામનગર શહેરની સ્વચ્છતા વ્યવસ્થાને નવું પરિમાણ આપતા મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટનો પ્રારંભ કરાવ્યો હતો.

 

મુખ્યમંત્રીશ્રીએ જામનગર મહાનગરપાલિકા દ્વારા અંદાજિત રૂ.૨૬૮ કરોડના ખર્ચે હસ્તગત કરાયેલા કુલ ૨૧૬ ગાર્બેજ કલેક્શન વાહનોનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ વાહનો જામનગર શહેરના ૧ થી ૧૬ વોર્ડમાં કચરો એકઠો કરવાની કામગીરી કરશે. આ વાહનો દ્વારા ડોર-ટુ-ડોર કલેક્શન ઉપરાંત શહેરના ઓપન પોઈન્ટ્સ અને સિલ્વર બીન્સમાંથી કચરો એકઠો કરવામાં આવશે જે કચરાના વૈજ્ઞાનિક પદ્ધતિથી કલેક્શન અને નિકાલની પ્રક્રિયાને વધુ ઝડપી અને અસરકારક બનાવશે. મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકાર્પિત કરાયેલ આ ૨૬૮ કરોડ રૂપિયાનો પ્રકલ્પ જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા ક્ષેત્રે એક સીમાચિહ્નરૂપ વિકાસ છે અને તે જામનગર શહેરને સ્વચ્છતા સર્વેક્ષણમાં ઉત્કૃષ્ટ દેખાવ કરવામાં મદદરૂપ થશે. સાથે જ નાગરિકોના જાહેર સ્વાસ્થ્યને પણ સુધારશે. મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીના 'સ્વચ્છ ભારત અભિયાન'ને વધુ વેગ આપવા બદલ જામનગર મહાનગરપાલિકાના પ્રયાસોને બિરદાવ્યા હતા.

 

આ પ્રસંગે જિલ્લાના પ્રભારી મંત્રી  અર્જુનભાઈ મોઢવાડિયા, શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, જિલ્લા પંચાયત પ્રમુખ મયબેન ગરસર, ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, જિલ્લા કલેકટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, આગેવાનો બીનાબેન કોઠારી, પ્રકાશભાઈ બાંભણીયા, મેરામણ ભાટુ, વિજયસિંહ જેઠવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

 

(1:50 PM IST)