News of Monday, 24th November 2025
ભારતમાં આતંકી હેન્ડલર્સોની નવી ચાલ: વ્યક્તિઓને કટ્ટરપંથી બનાવી સેલ્ફ્સ્ટાયલ - આપમેળે આતંક હુમલા કરવા માટે પ્રોત્સાહિત કરવાનું વલણ વધ્યું
આતંકી હેન્ડલર્સ હવે પરંપરાગત વ્યૂહરચનાથી આગળ વધીને વ્યક્તિઓને રેડિકલાઈઝ - કટ્ટરપંથી બનાવીને સેલ્ફ સ્ટાઈલ હુમલાઓ માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે: આ વલણ જમ્મુ-કાશ્મીરની બહાર પણ ફેલાઈ રહ્યું છે અને આખા દેશમાં હુમલાઓનું જોખમ વધારી રહ્યું છે

ગુપ્તચર એજન્સીઓએ ચેતવણી આપી છે કે આતંકી હેન્ડલર્સ હવે જમ્મુ-કાશ્મીરની બહાર પણ વ્યક્તિઓને રેડિકલાઈઝ કરીને લોન વુલ્ફ અને સેલ્ફ સ્ટાઈલ - આપમેળે હુમલા કરાવી રહ્યા છે. ઓનલાઈન પ્લેટફોર્મ અને એન્ક્રિપ્ટેડ એપ્સનો ઉપયોગ કરીને શિક્ષિત વ્યાવસાયિકોને નિશાન બનાવવામાં આવે છે, જેમાં દિલ્હીના રેડ ફોર્ટ વિસ્ફોટ જેવા કેસોમાં ડોક્ટર્સ પણ સામેલ છે. આ નવી વ્યૂહરચના સુરક્ષા એજન્સીઓ માટે પડકારરૂપ છે.
વિગતે જોઈએ તો ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓએ ભારતમાં આતંકી હેન્ડલર્સની નવી ધમકી વિશે ચેતવણી જારી કરી છે. આ હેન્ડલર્સ હવે પરંપરાગત વ્યૂહરચનાથી આગળ વધીને વ્યક્તિઓને રેડિકલાઈઝ - કટ્ટરપંથી (હિંસક કે આતંકવાદી વિચારો તરફ દોરવી કરીને) બનાવીને સ્વ-શૈલી - સેલ્ફ સ્ટાઈલ પ્રકારના હુમલા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. આ વલણ જમ્મુ-કાશ્મીરની બહાર પણ ફેલાઈ રહ્યું છે અને આખા દેશમાં હુમલાઓનું જોખમ વધારી રહ્યું છે. ઝી ન્યૂઝ અને ધ હિન્દુ જેવા અખબારોમાં પ્રકાશિત અહેવાલો અનુસાર, આતંકીઓ ઓનલાઈન પ્લેટફોર્મ અને એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ્સનો ઉપયોગ કરીને સ્થાનિક યુવાનો અને વ્યાવસાયિકોને નિશાન બનાવે છે, જેઓ અગાઉ કોઈ અલગાવવાદી કે અપરાધિક પૃષ્ઠભૂમિ ધરાવતા નથી.
અલગ-અલગ મીડિયા પ્લેટફોર્મ પરથી મળેલી માહિતી અનુસાર, આતંકી હેન્ડલર્સનું મોડસ ઓપરાન્ડી બદલાઈ ગયું છે. તેઓ મોટા જૂથોને બદલે વ્યક્તિગત અથવા નાના મોડ્યુલમાં કામ કરે છે. તાજેતરમાં જમ્મુ-કાશ્મીર પોલીસે એક વ્હાઈટ-કોલર આતંકી નેટવર્કને તોડી પાડ્યું છે, જેમાં ડોક્ટર્સ અને એક પૂર્વ પેરામેડિક-ટર્ન્ડ-ઈમામ સામેલ હતા. આ નેટવર્ક પાન-ઈન્ડિયા સ્તરે કામ કરતું હતું અને તેમની પાસે કોઈ અગાઉનો આતંકી રેકોર્ડ નહોતો.
એક વરિષ્ઠ ગુપ્તચર અધિકારીએ જણાવ્યું કે હેન્ડલર્સ પુરાણા આતંકીઓને ફરીથી ઉપયોગમાં લેવાનું ટાળે છે કારણ કે તેઓ નિરીક્ષણ હેઠળ હોય છે. તેના બદલે તેઓ નવા વ્યક્તિઓને નિશાન બનાવે છે જેઓ કોઈ અપરાધિક પાસ્ટ ધરાવતા નથી. આ રેડિકલાઈઝ્ડ વ્યક્તિઓનું લક્ષ્ય દેશભરમાં હુમલા કરવાનું છે, જેમ કે તાજેતરના દિલ્હી કાર વિસ્ફોટમાં વિસ્ફોટકોથી ભરેલી કારના મોડ્યુલ સાથે જોડાયેલું છે.
૧૦ નવેમ્બર ૨૦૨૫ના રોજ દિલ્હીના રેડ ફોર્ટ પાસે થયેલા વિસ્ફોટમાં ૧૫થી વધુ લોકો માર્યા ગયા અને ૩૦થી વધુ ઘાયલ થયા. આ કેસમાં જૈશ-એ-મોહમ્મદ (જેઈએમ) અથવા તેનાથી પ્રેરિત મોડ્યુલની શંકા છે.
કેટલાક પ્રકાશિત અહેવાલ અનુસાર, આતંકી ડો. ઉમર ઉન નબીને અંકારાથી આદેશો મળતા હતા અને તેના પરિવારને તેની કટ્ટરતા વિશે જાણ હતી. તેનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં તે આત્મઘાતી હુમલાને યોગ્ય ગણાવે છે. આ નેટવર્કમાં અન્ય ડોક્ટર્સ જેમ કે મુઝમ્મિલ ગનાઈ અને શાહીન શાહીદ પણ સામેલ છે, જેઓ થ્રીમા એપ અને ડેડ-ડ્રોપ ઈમેઈલ્સનો ઉપયોગ કરીને સંચાર કરતા હતા.
એક્સ (ટ્વિટર) અને યુટ્યુબ પરથી મળેલી માહિતી અનુસાર, પાકિસ્તાન-આધારિત જેઈએમ અને અલ-કાયદા ઈન ઈન્ડિયન સબકોન્ટિનેન્ટ (એક્યુઆઈએસ) જેવા જૂથો લોન વુલ્ફ હુમલાઓ માટે કોલ કરી રહ્યા છે. કેરળ અને પુણે જેવા વિસ્તારોમાં રેડિકલાઈઝેશનના કેસો વધ્યા છે, જ્યાં શિક્ષિત વ્યક્તિઓને નિશાન બનાવવામાં આવે છે. મેજર જનરલ સુધાકર જીએ જેવા અધિકારીઓએ ચેતવણી આપી છે કે આ હોમગ્રોન નેટવર્ક્સ અર્થતંત્ર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચાડી શકે છે.આ વ્યક્તિઓ ઘણીવાર ઉચ્ચ વેતનવાળી નોકરીઓ ધરાવે છે અને પોતાના નાણાંથી હુમલા કરે છે, જેથી કોઈ નાણાકીય ટ્રેલ ન મળે. હુમલા ઓછા અદ્યતન હોઈ શકે છે પરંતુ તેમનું માનસિક અને શારીરિક અસર મોટી હોય છે. જો પકડાઈ જાય તો તેઓ વ્યાપક નેટવર્ક વિશે ઓછી માહિતી આપે છે.
સુરક્ષા એજન્સીઓ માટે આ નવો પડકાર છે કારણ કે પરંપરાગત ગુપ્તચર પદ્ધતિઓ જેમ કે માનવીય માહિતીદારો અને કોમ્યુનિકેશન અટકાવવું અસરકારક નથી. આતંકીઓ ઈન્ટરનેટ, સોશિયલ મીડિયા અને એન્ક્રિપ્ટેડ એપ્સનો ઉપયોગ કરીને ઝડપથી રેડિકલાઈઝેશન કરે છે, જેમાં પ્રારંભિક સંપર્કથી હુમલા સુધીનો સમય મહિનાઓથી ઘટીને અઠવાડિયા થઈ ગયો છે.
ભારતીય એજન્સીઓ આને આતંકી વ્યૂહરચનાના વિકાસ તરીકે જુએ છે જેમાં અદ્યતન સાઈબર-ફોરેન્સિક્સ, ગુપ્તચર વહેંચણી, વિચારધારાત્મક વિરોધ અને સમુદાય-આધારિત પ્રતિસાદની જરૂર છે. કાઉન્ટર એક્સ્ટ્રીમિઝમ પ્રોજેક્ટ જેવા સ્ત્રોતો અનુસાર, તાજેતરના વર્ષોમાં જમ્મુ-કાશ્મીરમાં લક્ષિત હત્યાઓ અને હુમલાઓ વધ્યા છે, જેમાં ટીઆરએફ અને જેઈએમ જેવા જૂથો સામેલ છે.આ વલણને રોકવા માટે સુરક્ષા એજન્સીઓને વધુ અદ્યતન અભિગમ અપનાવવો પડશે અને નાગરિકોને પણ સતર્ક રહેવું પડશે.
(8:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
