News of Monday, 24th November 2025
ભાજપનો 'બંગાળ' પ્રહાર: TMC નેતાના 'બાબરી મસ્જિદ' નિવેદનથી રાજકારણ ગરમાયું
ટીએમસી ધારાસભ્ય હુમાયૂન કબીરે મુર્શિદાબાદના બેલડાંગામાં ૬ ડિસેમ્બરના રોજ 'બાબરી મસ્જિદ'નો શિલાન્યાસ કરવાની જાહેરાત કરી કહ્યું કે પ્રોજેક્ટ પૂર્ણ થવામાં ત્રણ વર્ષ લાગશે: અનેક મુસ્લિમ નેતા ભાગ લેશે: ૬ ડિસેમ્બરના રોજ અયોધ્યામાં બાબરી ધ્વંસની ૩૩મી વરસી છે : તુષ્ટિકરણની પરાકાષ્ઠા': સુધાંશુ ત્રિવેદીએ મમતા બેનર્જીના ભૂતકાળ અને વર્તમાન પર સવાલ ઉઠાવ્યા; 'ઈન્ડિયા' ગઠબંધન પર પણ સાધ્યું નિશાન

નવી દિલ્હી/કોલકાતા: પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના ધારાસભ્ય હુમાયૂન કબીરના 'બાબરી મસ્જિદ' ફરી બનાવવાની જાહેરાતથી દેશના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. ભાજપે આ નિવેદનને આકરા શબ્દોમાં વખોડી કાઢ્યું છે. ભાજપના સાંસદ અને રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ ટીએમસી અને તેના નેતાઓના નિવેદનને "તુષ્ટિકરણની રાજનીતિની પરાકાષ્ઠા" ગણાવીને મુખ્યમંત્રી મમતા બેનર્જી પર તીખો પ્રહાર કર્યો છે.
મુર્શિદાબાદના નેતાનું વિવાદાસ્પદ નિવેદન
* ટીએમસી ધારાસભ્ય હુમાયૂન કબીરની જાહેરાત: ટીએમસીના ધારાસભ્ય હુમાયૂન કબીરે મુર્શિદાબાદના બેલડાંગામાં ૬ ડિસેમ્બરના રોજ 'બાબરી મસ્જિદ'નો શિલાન્યાસ કરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટને પૂર્ણ થવામાં ત્રણ વર્ષ લાગશે અને તેમાં અનેક મુસ્લિમ નેતાઓ ભાગ લેશે. ૬ ડિસેમ્બરના રોજ અયોધ્યામાં બાબરી ધ્વંસની ૩૩મી વરસી છે, અને આ સમયની પસંદગીને પગલે વિવાદ વધુ ઉગ્ર બન્યો છે.
ટીએમસી ધારાસભ્ય હુમાયુ કબીરે જાહેર કર્યું છે કે ૬ ડિસેમ્બરના રોજ મુર્શિદાબાદના બેલડાંગામાં 'બાબરી મસ્જિદ'નો શિલાન્યાસ કરવામાં આવશે. આ તારીખ અયોધ્યામાં બાબરી ધ્વંસની ૩૩ મી વરસી છે.
અંદાજિત સમય અને ખર્ચ: કબીરના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટને પૂર્ણ થવામાં ત્રણ વર્ષ લાગશે. અહેવાલો મુજબ, આ પ્રોજેક્ટમાં મસ્જિદ, કોલેજ, હોસ્પિટલ અને છ માળનું ગેસ્ટ હાઉસ સામેલ છે, જે આશરે ૨૦ વીઘા જમીન પર રૂપિયા ૧૨૫ કરોડના ખર્ચે બનશે.
*ભાજપનો આક્રોશ: ભાજપના નેતાઓએ આ જાહેરાતને 'ગુનાહિત રાજનીતિ' અને 'ધાર્મિક ધ્રુવીકરણ'નો પ્રયાસ ગણાવ્યો છે. ભાજપના પ્રવક્તાઓએ આ પગલાને 'મમતા બેનર્જીની ઈચ્છા મુજબનું' ગણાવ્યું છે અને આરોપ લગાવ્યો છે કે ટીએમસી આગામી વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યમાં સાંપ્રદાયિક તણાવ ભડકાવવાનો પ્રયાસ કરી રહી છે.
મમતા બેનર્જીને ભાજપના સાંસદનો સીધો સવાલ
ભાજપના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ આ મુદ્દાને અગાઉના એક વિવાદ સાથે જોડીને મમતા બેનર્જી પર સણસણતા સવાલો ઉઠાવ્યા.
*૨૦૦૫ની ઘટનાની યાદ: સુધાંશુ ત્રિવેદીએ ૨૦૦૫ની ઘટનાનો ઉલ્લેખ કર્યો, જ્યારે મમતા બેનર્જીએ બાંગ્લાદેશી ઘૂસણખોરીના મુદ્દા પર ચર્ચાની પરવાનગી ન મળતાં ગુસ્સે થઈને લોકસભાના તત્કાલિન ડેપ્યુટી સ્પીકરની પીઠ પર કાગળો ફેંક્યા હતા અને સંસદીય આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું તથા રાજીનામું આપેલ જોકે યોગ્ય ફોર્મેટમાં ન હોવાથી તેમનું રાજીનામું સ્વીકારાયું ન હતું.
*સુધાંશુ ત્રિવેદીનો પ્રહાર: સાંસદ ત્રિવેદીએ પૂછ્યું કે, "હું ટીએમસીને પૂછવા માંગુ છું કે, શું મમતાજી ત્યારે (૨૦૦૫માં) સાચા હતા કે આજે (હુમાયૂન કબીરના નિવેદનને સમર્થન આપતી વખતે) સાચા છે? આ કેવો પરિવર્તન છે કે એક સમયે તેઓ એટલા ગુસ્સે હતા કે સંસદીય આચારસંહિતા તોડી નાખી, અને આજે તેઓ તેનું સમર્થન કરી રહ્યા છે. આ માત્ર બંધારણના ઘડવૈયાઓનો જ નહીં, પણ તેમનો પોતાનો જ અસ્વીકાર છે."
'ઈન્ડિયા' ગઠબંધન પર પણ સવાલો
ભાજપે 'ઈન્ડિયા' (ઇન્ડી) ગઠબંધનની અન્ય પાર્ટીઓ પર પણ નિશાન સાધ્યું છે. સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે, "ઈન્ડિયા ગઠબંધનના નેતાઓ કાં તો આ બાબતે મૌન છે અથવા તેનું સમર્થન કરી રહ્યા છે. ટીએમસી અને કોંગ્રેસ ચૂંટણી સમયે કેવું વાતાવરણ ઊભું કરવા માગે છે?"
કોંગ્રેસના કેટલાક નેતાઓએ આ મુદ્દે તટસ્થતા દાખવવાનો પ્રયાસ કર્યો છે, જ્યારે અન્ય એક નેતા ઉદિત રાજે મસ્જિદના નિર્માણનો વિરોધ કરનારાઓને 'અર્થહીન અટકળો' કરનારા ગણાવ્યા છે. જોકે, ટીએમસીએ આ મામલાથી પોતાને દૂર રાખતા કહ્યું છે કે હુમાયૂન કબીરનું નિવેદન તેમનો વ્યક્તિગત અભિપ્રાય છે.
(9:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
