<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th November 2025

વેનેઝુએલામાં તણાવ ચરમસીમાએ: અમેરિકી સેનાનો જમાવડો: અમેરિકાએ વેનેઝુએલાના પ્રમુખ માદુરો સાથે સંકળાયેલા સંગઠનને 'આતંકવાદી' જાહેર કર્યા બાદ ત્યાં બી-૫૨ બોમ્બર્સ અને લડાકુ વિમાનો દ્વારા શક્તિ પ્રદર્શન કર્યું: વેનેઝુએલામાં છુપાયેલા ક્યુબાના જાસૂસો પ્રેસિડેન્ટ માદુરોની હત્યા કરે તેવી સંભાવના: ટ્રમ્પની માદુરો સાથે સીધી વાતચીત કરીને શાંતિપૂર્ણ ઉકેલ લાવવા વિચારણા

અમેરિકાદ્વારા વેનેઝુએલાના 'કાર્ટેલ ડી લોસ સોલ્સ' (કાર્ટેલ ઓફ સન્સ) સંગઠનને સત્તાવાર રીતે 'વિદેશી આતંકવાદી સંગઠન' તરીકે જાહેર કરાયું: આ સંગઠનનું નેતૃત્વ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને ત્યાંના લશ્કરી અધિકારીઓ કરી રહ્યા છે

નવીદિલ્હી: વૈશ્વિક રાજકારણમાં ૨૪ નવેમ્બરના રોજ મોટી ઉથલપાથલ જોવા મળી છે. અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા વેનેઝુએલાના 'કાર્ટેલ ડી લોસ સોલ્સ' (કાર્ટેલ ઓફ સન્સ) સંગઠનને સત્તાવાર રીતે 'વિદેશી આતંકવાદી સંગઠન' તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ સંગઠનનું નેતૃત્વ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને ત્યાંના લશ્કરી અધિકારીઓ કરતા હોવાનો આરોપ છે. આ જાહેરાત બાદ અમેરિકા હવે આ સંગઠન સાથે સંકળાયેલા સ્થળો પર કાયદેસર રીતે લશ્કરી કાર્યવાહી કરી શકે છે.

આ જાહેરાતના પગલે કેરેબિયન સમુદ્રમાં હલચલ તેજ બની છે. અમેરિકી વાયુસેનાના બી-બાવનએચ 'સ્ટ્રેટોફોર્ટ્રેસ' બોમ્બર વિમાનો (કોલસાઈન: પેપી ૧૧) અને યુએસએસ જેરાલ્ડ આર. ફોર્ડ યુદ્ધજહાજ પરથી ઉડેલા એફ/એ-૧૮ સુપર હોર્નેટ લડાકુ વિમાનોએ વેનેઝુએલાના દરિયાકાંઠે ઉડાન ભરીને જબ્બર મોટું શક્તિ પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત નોર્થ્રોપ ગ્રુમન ઈ-૨ડી હોકઆઈ જેવા સર્વેલન્સ વિમાનો પણ આ વિસ્તારમાં સતત નજર રાખી રહ્યા છે.

 

જોકે, આ તણાવ વચ્ચે એક આશ્ચર્યજનક વળાંક પણ આવ્યો છે. વ્હાઈટ હાઉસના સૂત્રોના જણાવ્યા મુજબ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ યુદ્ધના બદલે કૂટનીતિક ઉકેલ લાવવાના પક્ષમાં છે. તેઓ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો સાથે સીધી ટેલિફોનિક વાતચીત કરવાની યોજના બનાવી રહ્યા છે. ટ્રમ્પ વહીવટીતંત્રનું માનવું છે કે બોમ્બમારા કરતા વાતચીત દ્વારા રસ્તો નીકળવાની શક્યતાઓ વધુ છે.

 

બીજી તરફ, ગુપ્તચર અહેવાલો મુજબ વેનેઝુએલામાં છુપાયેલા ક્યુબાના જાસૂસો માદુરો માટે જોખમ બની શકે છે. જો માદુરો રાજીનામું આપે અથવા અમેરિકાના દબાણને વશ થઈ જાય, તો આ ક્યુબન ઓપરેટિવ્સ તેમની હત્યા કરી શકે છે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે. 

 

આ તણાવને કારણે વેનેઝુએલાની એસ્ટેલર એરલાઈન્સે ૨૪, ૨૬ અને ૨૮ નવેમ્બરની મેડ્રિડ અને કારાકાસ વચ્ચેની તમામ ફ્લાઈટ્સ રદ કરી દીધી છે.

(9:42 AM IST)