<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th November 2025

ચૂંટણી પહેલા ભાજપ એક્શન મોડમાં: રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષની ગુજરાત મુલાકાત અને રૂપાણી પરિવાર સાથેની ગુપ્ત બેઠકથી રાજકારણ ગરમાયું

ગ્રાઉન્ડ લેવલ પર કાર્યકરો અને સંગઠનની સક્રિયતા ચકાસવા બેઠકોનો ધમધમાટ: સૌરાષ્ટ્ર કચ્છ પછી આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાજપ હોદ્દેદારોને મળી રહ્યા છે

ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવ્યા છે. આગામી ચૂંટણીઓને અનુલક્ષીને તેઓ સંગઠનની સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. ખાસ કરીને રાજકોટમાં તેમણે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની અંજલીબેન અને તેમના પુત્ર સાથે બંધ બારણે બેઠક યોજતા રાજકીય વર્તુળોમાં અનેક તર્કવિતર્કો શરૂ થયા છે.

 

ગુજરાતમાં આગામી સમયમાં આવી રહેલી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ તૈયારીઓ તેજ કરી દીધી છે. ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષે ગુજરાતની મુલાકાત લીધી છે અને તેઓ રાજ્યના અલગ-અલગ ઝોનમાં પક્ષની સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રાઉન્ડ લેવલ પર કાર્યકરો અને સંગઠનની સક્રિયતા ચકાસવાનો છે.

 

ગઈકાલે તેમણે સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનની મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. ત્યારબાદ આજે તેઓ ગાંધીનગર સ્થિત પ્રદેશ કાર્યાલય 'કમલમ' ખાતે ઉત્તર ગુજરાતના હોદ્દેદારો સાથે અને ત્યારબાદ વડોદરામાં મધ્ય ગુજરાતના સંગઠનની સમીક્ષા કરી રહ્યા છે. 

 

જોકે, આ પ્રવાસ દરમિયાન સૌથી વધુ ચર્ચાનો વિષય રાજકોટની તેમની મુલાકાત બની છે. રાજકોટમાં બી.એલ. સંતોષે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિવાસસ્થાને જઈને તેમના પત્ની અંજલીબેન રૂપાણી અને પુત્ર વૃષભ રૂપાણી સાથે બંધ બારણે ગુપ્ત ચર્ચા કરી હતી. ચૂંટણી પહેલા હાઈકમાન્ડના દૂત મનાતા બી.એલ. સંતોષે રૂપાણી પરિવાર સાથે શું ચર્ચા કરી તે અંગે અનેક અટકળો સેવાઈ રહી છે. 

 

રાજકીય વિશ્લેષકોના મતે, પક્ષ જૂના જોગીઓને ફરી સક્રિય કરવા અથવા કોઈ નવી જવાબદારી સોંપવા અંગે વિચારી રહ્યો હોઈ શકે છે. આ બેઠકને કારણે સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

(9:51 AM IST)