News of Tuesday, 25th November 2025
દિલ્હીમાં ૫૦ ટકા કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમના આદેશ
વધતા વાયુ પ્રદૂષણથી મુશ્કેલી વધીઃ વાહનોના પ્રદૂષણને ઘટાડવા માટે આ પગલું જરૂરીઃ ઘરેથી કામ કરવાના નિર્દેશોનું કડક પાલન ફરજિયાત

નવી દિલ્હી,તા.૨૫: દિલ્હીના સતત વધી રહેલા પ્રદૂષણના લીધે મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. દિલ્હીમાં AQI સતત ૪૦૦ થી ઉપર રહે છે, જેનો અર્થ એ થાય કે પ્રદૂષણનું સ્તર ગંભીર શ્રેણીમાં છે. તેથી દિલ્હી સરકારે કડક પગલાં લીધાં છે. જે મુજબ હવે તમામ સરકારી અને ખાનગી કચેરીઓને હવે ફક્ત ૫૦ ટકા કર્મચારીઓને ઓફિસ બોલાવી શકાશે. જ્યારે બાકીના ૫૦ ટકા કર્મચારીઓને ઘરેથી કામ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
દિલ્હીની હવાની ખરાબ ગુણવત્તાને ધ્યાનમાં રાખીને કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ દ્વારા એ ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન(GRAP)ના સ્ટેજ III હેઠળ કાર્યવાહીનો નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટની સુનાવણી અને એડવાઈઝરી સાથે ચર્ચા બાદ સમયપત્રકમાં સુધારો કર્યો છે. વાહનોના પ્રદૂષણને ઘટાડવા માટે આ પગલું જરૂરી છે.
જેમાં પર્યાવરણ (સુરક્ષા) અધિનિયમ, ૧૯૮૬ ની કલમ ૫ હેઠળ જાહેર કરાયેલા આ નિર્દેશોનો દિલ્હીની તમામ સરકારી અને તમામ ખાનગી કચેરીઓ દ્વારા અમલ કરવો ફરજિયાત છે. સરકારી કચેરીઓમાં વહીવટી સચિવો અને વિભાગોના વડાઓ તેમના ૫૦ ટકાથી વધુ કર્મચારીઓએ ઓફીસથી કામ કરવાનું રહેશે જયારે બાકીના ૫૦ ટકા કર્મચારીઓને ઘરેથી કામ કરાવવા સુચના આપવામાં આવી છે.
આ આદેશ મુજબ બધી ખાનગી સંસ્થાઓને શક્ય હોય ત્યાં તબક્કાવાર કામના કલાકો લાગુ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આનો અર્થ એ છે કે કર્મચારીઓનો આવવા જવાનો સમય તબક્કાવાર રહેશે. આ ઉપરાંત, તેઓએ ઘરેથી કામ કરવાના નિર્દેશોનું કડક પાલન ફરજિયાત છે. તેમજ ઓફિસની મુસાફરી સાથે સંકળાયેલા વાહનોની અવરજવરને ઓછી કરવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. પરિવહન અને ઓફિસ સંબંધિત પ્રવૃત્તિઓમાંથી ઉત્સર્જન ઘટાડવા માટે આ પગલાં લેવામાં આવ્યા છ.
(10:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
