<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th November 2025

યુક્રેન-રશિયા યુદ્ધનો અંત: શાંતિ કરારના મુખ્ય મુદ્દાઓ પર ઐતિહાસિક સમજૂતિ: ઝેલેન્સ્કી નવેમ્બરના અંતમાં અમેરિકા જઈને ટ્રમ્પને મળશે: યુરોપિયન દેશોએ પણ આ કરારને સમર્થન આપ્યું: ઝેલેન્સ્કીએ કહ્યું કે આ કરાર યુક્રેનની સ્વતંત્રતા અને આજીવિકા માટે મહત્વપૂર્ણ

રશિયાની ફ્રોઝન એસેટ્સમાંથી યુક્રેનને પુનઃ બેઠું કરવા માટે ૧૦૦ અબજ ડોલર અપાશે: સેના ઘટાડવાની શરત રદ: ઝાપોરિઝિયા અણુ પ્લાન્ટને વિશેષ દરજ્જો: વિશ્વના અર્થતંત્ર અને ભારતને મોટી રાહત મળવાની આશા

વોશિંગ્ટન: યુક્રેન અને અમેરિકાએ રશિયા સાથેના લાંબા યુદ્ધને પૂર્ણ કરવા માટે શાંતિ કરારના મુખ્ય મુદ્દાઓ પર ઐતિહાસિક સમજૂતિ સાધી લીધી છે. અમેરિકન અધિકારીઓના જણાવ્યા મુજબ હવે માત્ર અમુક નાની વિગતો જ બાકી છે. 

 

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી ચાલુ નવેમ્બર મહિનાના અંતમાં અમેરિકા જઈને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે અને આ શાંતિ કરારને આખરી ઓપ આપશે. આ કરારથી છેલ્લા ચાર વર્ષથી ચાલતા યુદ્ધનો અંત આવવાની પ્રબળ શક્યતાઓ સર્જાઈ છે.

 

*૧૦૦ અબજ ડોલરનું પેકેજ: ૨૮ માંથી ૧૯ મુદ્દા મંજૂર: વૈશ્વિક અર્થતંત્રને રાહત*

 

અમેરિકામાં રશિયાની જપ્ત થયેલી ૩૦૦ અબજ ડોલરની સંપત્તિમાંથી ૧૦૦ અબજ ડોલર યુક્રેનના પુનર્નિર્માણ માટે વાપરવામાં આવશે. 

 

જીનેવા મંત્રણામાં યુક્રેનની સુરક્ષા અને હિતોને ધ્યાનમાં રાખીને યોજનાના ૨૮ મુદ્દા ઘટાડીને ૧૯ કરવામાં આવ્યા છે. 

 

યુદ્ધવિરામથી ક્રૂડ ઓઈલ અને ગેસના ભાવ ઘટશે, જેનાથી ભારત સહિતના દેશોને મોટી આર્થિક રાહત થશે. 

 

જીનેવા અને અબુધાબીમાં ચાલેલી ગુપ્ત બેઠકોમાં અમેરિકા, યુરોપ અને યુક્રેનના અધિકારીઓએ શાંતિ યોજનાની મુખ્ય શરતો નક્કી કરી છે. આ કરાર મુજબ યુક્રેનની સેનાનું કદ ૫૦ ટકા ઘટાડવાની અગાઉની શરતને રદ કરવામાં આવી છે, જે યુક્રેન માટે મોટી જીત સમાન છે. 

 

આ ઉપરાંત, ઝાપોરિઝિયા અણુ શક્તિ પ્લાન્ટને વિશેષ દરજ્જો આપીને ત્યાં રશિયા અને યુક્રેન વચ્ચે સહયોગ સાધવામાં આવશે અને પ્લાન્ટની અડધી વીજળી રશિયાને આપવામાં આવશે.

 

આ શાંતિ કરાર હેઠળ યુક્રેનની નાણાકીય સુરક્ષા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. રશિયાની ફ્રોઝન એસેટ્સ (સ્થગિત સંપત્તિ) માંથી ૧૦૦ અબજ ડોલર યુક્રેનને મળશે, જેનો ઉપયોગ યુદ્ધમાં નાશ પામેલા શહેરો, ગેસ પાઈપલાઈન અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરના પુનર્નિર્માણ માટે થશે. વર્લ્ડ બેંક પણ આમાં વિશેષ ફંડિંગ પેકેજ દ્વારા મદદ કરશે.

 

આ કરારની વૈશ્વિક અસરો પણ ખૂબ વ્યાપક રહેશે. યુદ્ધવિરામ થવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં તેલ અને ગેસના ભાવોમાં ઘટાડો થવાની સંભાવના છે, જેનાથી ભારત જેવા તેલ આયાત કરતા દેશોને વાર્ષિક અબજો રૂપિયાની બચત થશે. 

 

યુક્રેન નાટો સંગઠનમાં જોડાશે નહીં પરંતુ તેને મજબૂત સુરક્ષા ગેરંટી આપવામાં આવશે. યુરોપિયન દેશોએ પણ આ કરારને સમર્થન આપ્યું છે. 

 

ઝેલેન્સ્કીએ જણાવ્યું છે કે આ કરાર યુક્રેનની સ્વતંત્રતા અને આજીવિકા માટે મહત્વપૂર્ણ છે.

 

(10:22 PM IST)