<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th November 2025

ગજબ કેવાય! એક વાર માથામાં વાગ્‍યું તો બધું ભૂલી ગયો, ૪૫ વર્ષ પછી ફરી માથામાં વાગ્‍યું તો બધું યાદ આવ્‍યું

બોલિવૂડની જૂની ફિલ્‍મોમાં તમે હંમેશા જોયું હશે એક બાળક પોતાના પરિવારથી નાનપણમાં વિખૂટું પડી જાય છે અને પછી વર્ષો બાદ ફરી ક્‍યાંક મેળા અથવા રેલવે સ્‍ટેશન પર પોતાના પરિવાર સાથે મળે છેઃ આવી જ એક અસલી કહાની સામે આવી : ઓળખ વિના તે મુંબઈમાં ભટકવા લાગ્‍યો. નાના મોટા કામ કર્યાઃ પછી મહારાષ્ટ્રના નાંદેડમાં રહેવા લાગ્‍યોઃ ત્‍યાં એક કોલેજમાં નોકરી મળી સંતોષી સાથે લગ્ન કર્યા અને ત્રણ બાળકો પણ થયા

સિરમૌર તા.૨૬: બોલિવૂડની જૂની ફિલ્‍મોમાં તમે હંમેશા જોયું હશે એક બાળક પોતાના પરિવારથી નાનપણમાં વિખૂટું પડી જાય છે અને પછી વર્ષો બાદ ફરી ક્‍યાંક મેળા અથવા રેલવે સ્‍ટેશન પર પોતાના પરિવાર સાથે મળે છે. આવી જ એક અસલી કહાની હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્‍લામાંથી સામે આવી છે. જેને સાંભળીને તમે પણ ઇમોશનલ થઈ જશો. આ શખ્‍સ દાયકાઓ પહેલા રવિ ચૌધરીના નામથી ઓળખાતો હતો, તે અચાનક રિખી નામ ધારણ કરીને પોતાના ઘરે પાછો આવ્‍યો, આ એ જ રિખી હતો જે ૧૬ વર્ષની ઉંમરમાં ૧૯૮૦માં ગાયબ થઈ ગયો હતો. રિખી એટલે કે રવિ જ્‍યારે પોતાના ગામડે પરત ફર્યો તો લોકો એવી રીતે ઝૂમવા લાગ્‍યા જાણે કોઈ તહેવાર હોય. ઘરની બહાર ઢોલ નગારા વાગ્‍યા, ફૂલ વરસાવ્‍યા અને સૌની આંખોમાં આંસૂ હતા.

હિન્‍દુસ્‍તાન ટાઈમ્‍સના રિપોર્ટ અનુસાર, રવિના ભાઈ-બહેન દુર્ગા રામ, ચંદર મોહન, ચંદ્રમણિ, કૌશલ્‍યા દેવી, કલા દેવી અને સુમિત્રા દેવી તેને છાતીએ લગાવી પોક મૂકીને રડવા લાગ્‍યા. પિતરાઈ ભાઈ રૂદ્ર શર્માની આંખો પણ ભરાઈ ગઈ. તેમણે જણાવ્‍યું કે, આવું ભાગ્‍યે જ થાય છે. આજે પરિવાર અને આખા ગામમાં ખુશીનો માહોલ છે. ૧૯૮૦માં હરિયાણાના યમુનાનગરમાં એક હોટલમાં કામ કરતી વખતે રિખી અંબાલા જઈ રહ્યો હતો. રસ્‍તામાં ભયાનક અકસ્‍માત થયો. માથામાં ગંભીર ઈજા થઈ અને તેની યાદશક્‍તિ જતી રહી. તે પોતાનું નામ, ઘર, ગામ અને બધું જ ભૂલી ગયો. પછી તેના નવા મિત્રોએ તેને નવું નામ આપી દીધું.

ઓળખ વિના તે મુંબઈમાં ભટકવા લાગ્‍યો. નાના મોટા કામ કર્યા. પછી મહારાષ્ટ્રના નાંદેડમાં રહેવા લાગ્‍યો. ત્‍યાં એક કોલેજમાં નોકરી મળી સંતોષી સાથે લગ્ન કર્યા અને ત્રણ બાળકો પણ થયા. જિદગી ફરી પાટા પર આવી ગઈ. પણ કંઈક ખૂટતું હતું. થોડા મહિના પહેલા તેની સાથે એક દુર્ઘટના થઈ, બીજી વાર માથામાં ઈજા થઈ અને અચાનક સપનામાં જૂની તસવીરો આંખો સામે તરવરવા લાગી. એક આંબાનું ઝાડ, પાતળી ગામડાની શેરીઓ, કોઈના ઘરનું આંગણું. ધીમે ધીમે સમજાયું કે આ સપનું નથી, આતો તેનું ખોવાયેલું બાળપણ છે. રિકીએ કોલેજના એક છોકરાની મદદ માગી. ગૂગલ પર નદી ગામ અને સતૌન સર્ચ કર્યું તો એક કેફેનો નંબર મળ્‍યો. તેમણે નંબર લગાવ્‍યો તો બીજી તરફથી ગામના વૃદ્ધ રુદ્ર પ્રકાશ બોલ્‍યા.

વાત થઈ, થોડી જૂની યાદોના એક એક ટુકડા જોડ્‍યા અને સંબંધી એમ. કે. ચૌબેને જ્‍યારે ખબર પડી તો તેમણે તરત ઓળખી લીધો. ૧૫ નવેમ્‍બરનો દિવસ હતો અને ૪૫ વર્ષ પછી નદી ગામનો ખોવાયેલો દીકરો પોતાની માતાના ખોળામાં પાછો આવ્‍યો. માનસિક સ્‍વાસ્‍થ્‍ય નિષ્‍ણાત ડો. આદિત્‍ય શર્મા કહે છે કે, આવા કિસ્‍સા ખૂબ જ દુર્લભ હોય છે. ઈજા થવાથી યાદો પાછી આવવી શક્‍ય છે. પણ તેની પાછળ ઠોસ કારણ ખાલી બ્રેન સ્‍કેન અને તપાસ બાદ જ ખબર પડી શકશે.

(10:32 AM IST)