<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th November 2025

જ્‍યાં-જ્‍યાં ૫૦ ટકાથી વધારે અનામત આપી છે, ત્‍યાંની ચૂંટણીમાં હાર-જીત અમે નક્કી કરીશું

જ્‍યાં જ્‍યાં પણ ૫૦ ટકા અનામતની મર્યાદાનું ઉલ્‍લંઘન થયું છે, ત્‍યાંના ચૂંટણી પરિણામો અમારા ચુકાદા પર નિર્ભર કરશેઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્‍હી તા.૨૬: રાજકીય પાર્ટીઓ મનમાની રીતે અનામત તો આપી શકે છે, પણ સુપ્રીમ કોર્ટમાં તે ટકતું નથી. કંઈક આવું જ મહારાષ્ટ્રમાં થયું છે. મહારાષ્ટ્રની સરકારે તમામ આદેશોને નજરઅંદાજ કરતા લોકલ બોડી ઇલેક્‍શનમાં ૫૦ ટકાથી વધારે અનામત આપી દીધું. તેના પર સુપ્રીમ કોર્ટે વાંધો ઉઠાવ્‍યો. મુખ્‍ય ન્‍યાયાધીશ જાસ્‍ટિસ સૂર્યકાંત અને જાસ્‍ટિસ જોયમાલ્‍યા બાગચીની પીઠે સ્‍પષ્ટ કહી દીધું કે જ્‍યાં જ્‍યાં પણ ૫૦ ટકા અનામતની મર્યાદાનું ઉલ્‍લંઘન થયું છે, ત્‍યાંના ચૂંટણી પરિણામો અમારા ચુકાદા પર નિર્ભર કરશે.

સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી થઈ હતી. જો સુપ્રીમ કોર્ટે નક્કી કરી લીધું કે અનામત ૫૦ ટકાથી વધારે ન હોઈ શકે, તો જીત્‍યા બાદ પણ આ ચૂંટણી રદ કરી શકાય છે. સુપ્રીમ કોર્ટનું આ કડક વલણ જોઈ મહારાષ્ટ્ર સરકારે રાજ્‍ય ચૂંટણી પંચ પાસેથી સલાહ લેવાની વાત કહી છે અને કોર્ટ પાસેથી સમય માગ્‍યો છે. ત્‍યાર બાદ સુનાવણી ૨૮ નવેમ્‍બર સુધી ટાળી દીધી છે. આ અગાઉ ૧૯ નવેમ્‍બરના રોજ કોર્ટે રાજ્‍ય સરકારને કહ્યું હતું કે તે સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણી માટે નામાંકન પ્રક્રિયાને સ્‍થગિત કરવા પર વિચાર કરે, જ્‍યાં સુધી અન્‍ય પછાત વર્ગને ૨૭ ટકા અનામત આપવાના મુદ્દાનું કોર્ટમાંથી નિવારણ ન આવી જાય.

સિનિયર એડવોકેટ બલબીર સિહે કોર્ટને જણાવ્‍યું કે, ૨૪૨ નગર પરિષદો અને ૪૨ નગર પંચાયતો એટલે કે કુલ ૨૮૮ નિગમની ચૂંટણી ૨ ડિસેમ્‍બરના રોજ થવાની હતી. પણ આ ૨૮૮માંથી ૫૭ નિગમમાં ૫૦ ટકા અનામત મર્યાદાનું ઉલ્‍લંઘન થયું છે. ત્‍યાર બાદ કોર્ટે તરત આદેશ આપ્‍યો કે જે ૫૭ નિગમમાં ૫૦ ટકાથી વધારે અનામત આપ્‍યું છે, ત્‍યાં કોઈ પણ ઉમેદવારની જીત હાર કોર્ટના નિર્ણય પર નિર્ભર રહેશે.

શરૂઆતમાં મહારાષ્ટ્ર સરકાર તરફથી હાજર સોલિસિટર જનરલે કહ્યું કે, અમે રાજ્‍ય ચૂંટણી પંચ પાસેથી આ અંગે સલાહ લેવી છે. એટલા માટે થોડો સમય આપો. સિનિયર એડવોકેટ વિક્રમ સિહે તર્ક આપ્‍યો કે પહેલાના આદેશોથી અમુક ભ્રમની સ્‍થિતિ ઊભી થઈ છે. સિનિયર એડવોકેટ ઈંદિરા જયસિંહે સ્‍થગનનો વિરોધ ન કરતા જણાવ્‍યું કે અમુક અરજીકર્તાઓએ અવમાનના અરજી પણ દાખલ કરી છે, જે મૂળ મે ૨૦૨૫ના આદેશને પડકાર આપે છે. એટલા માટે ચૂંટણીને રદ કરવી જોઈએ. તેના પર સીજેઆઈએ કહ્યું કે જો ચૂંટણી ગેરકાયદેસર થશે તો કોર્ટ પાસે તેને રદ કરવાની શક્‍તિ છે. તેને તરત રદ કરી દેવામાં આવશે. જો કે વિક્રમ સિહે તર્ક આપ્‍યો કે આવી રીતે રદ કરવું સાર્વજાનિક ધનની બર્બાદી હશે

(10:36 AM IST)