<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th November 2025

રાજીખુશીથી ફેરા લઈ રહ્યો હતો વરરાજો, ત્‍યારે ગર્લફ્રેન્‍ડ આવીઃ બધાની વચ્‍ચે એવી વસ્‍તુ બતાવી લગ્ન તૂટી ગયા

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાંથી એક વિચિત્ર કિસ્‍સોઃ વરરાજાની પ્રેમિકાએ આવીને આખો ખેલ બગાડી નાખ્‍યો

શાહજહાંપુર તા.૨૬:  ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્‍યાં લગ્ન દરમિયાન વરરાજાની પ્રેમિકાએ આવીને ભારે હોબાળો મચાવ્‍યો હતો. હોબાળો એટલો વધી ગયો કે દુલ્‍હને લગ્ન કરવાની ના પાડી દીધી. ત્‍યાર બાદ જાન પરણ્‍યા વિના પાછી ગઈ. તો વળી દુલ્‍હન પક્ષના લોકોએ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી દહેજમાં આપેલા ૧૪ લાખ રોકડા પાછા આપવા માટે કહ્યું. બાદમાં વર પક્ષે બધો સામાન અને રોકડા રૂપિયા પાછા આપી દીધા.

પ્રાપ્ત જાણકારી અનુસાર, દીકરીના લગ્ન માટે છોકરી પક્ષવાળાઓએ ધૂમધામથી તૈયારી કરી હતી. લગ્ન મંડપમાં જ્‍યારે જાન આવી તો ખૂબ આગતાસ્‍વાગતા થઈ. વરમાળા થઈ રહી હતી, ત્‍યારે વરરાજાનો ફોન વાગ્‍યો. વરરાજો વારંવાર ખુરશી પરથી ઉઠીને આમતેમ ભાગી રહ્યો હતો. જ્‍યારે લોકોએ તેની તકલીફ પૂછી તો વાત ટાળતો રહ્યો. ત્‍યારે એ જ સમયે એક છોકરી એટલે કે વરરાજાની પ્રેમિકા લગ્નના મંડપમાં આવી ચડી. તે ચીસો પાડીને દાવો કરવા લાગી કે તેના લગ્ન આ વરરાજા સાથે પહેલા થઈ ચૂક્‍યા છે.

યુવતીએ વરરાજા સાથેના ફોટો પણ બતાવ્‍યા. હોબાળો થતો જોઈ છોકરીએ લગ્ન કરવાની ના પાડી દીધી. વરરાજાએ ખૂબ જ સમજાવી પણ દુલ્‍હન માની નહીં. પછી જાન પરણ્‍યા વિના પાછી ગઈ. ચર્ચા એવી પણ છે કે કન્‍યા પક્ષના લોકોએ તિલકમાં આપેલા ૧૪ લાખ રૂપિયા અને અન્‍ય સામાન પણ પાછો લેવા માટે પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસે બંને પક્ષને બોલાવી પૂછપરછ કરી. જાણવા મળ્‍યું છે કે દહેજમાં આપેલો સામાન અને ૧૪ લાખ રૂપિયા પાછા આપી દીધા છે. ત્‍યાર બાદ છોકરી પક્ષના લોકોએ કોઈ કાર્યવાહી નથી કરી. હવે આ ઘટનાની ચારેતરફ ચર્ચા થઈ રહી છે

 

(10:37 AM IST)