News of Wednesday, 26th November 2025
મધ્યપ્રદેશના વીઆઇટી કેમ્પસમાં વિદ્યાર્થીઓનો હિંસક વિરોધ: વાહનો અને ઇમારતોને આગચંપી
હિંસા દરમિયાન એક બસ, બે ફોર વ્હીલ વાહનો, એક એમ્બ્યુલન્સ, છાત્રાલયની બારીના કાચ, એક આરો પ્લાન્ટ અને કેમ્પસના અન્ય ભાગોને નુકસાન પહોંચાડવામાં આવ્યું ચારેક હજાર વિદ્યાર્થીઓએ સિહોર કેમ્પસમાં જોરદાર દેખાવુ કર્યા

ભોપાલ: મધ્ય પ્રદેશના સિહોર જિલ્લામાં આવેલી વેલ્લોર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (વીઆઇટી) ના કેમ્પસમાં વિદ્યાર્થીઓએ ખરાબ ખોરાક અને પાણીની ગુણવત્તાના આક્ષેપોને લઈને હિંસક વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો હતો કે નબળી ગુણવત્તાને કારણે તેઓ કમળાનો ભોગ બની રહ્યા છે.
મંગળવારે મોડી રાત્રે ફાટી નીકળેલા આ હિંસા દરમિયાન એક બસ, બે ફોર વ્હીલ વાહનો, એક એમ્બ્યુલન્સ, છાત્રાલયની બારીના કાચ, એક આરો પ્લાન્ટ અને કેમ્પસના અન્ય ભાગોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર, લગભગ ૩,૦૦૦ થી ૪,૦૦૦ વિદ્યાર્થીઓએ સિહોર કેમ્પસમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ઘટનાની જાણ થતાં જ આષ્ટાના પોલીસના ઉપ-વિભાગીય અધિકારી અને અનેક પોલીસ મથકોના સુરક્ષા કર્મચારીઓ કેમ્પસ ખાતે દોડી ગયા હતા.
પોલીસ અધિકારીઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે વિસ્તૃત ચર્ચા થઈ હતી અને સમસ્યાઓના નિરાકરણ માટે ખાતરી આપવામાં આવી હતી.
પોલીસ અધિકારી આકાશ અમલકરે જણાવ્યું કે હાલમાં કેમ્પસ અને છાત્રાલયમાં સ્થિતિ નિયંત્રણમાં છે અને પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
(11:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
