<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th November 2025

ગાઝાની ગંભીર કરુણાંતિકા: ૧૦,૦૦૦ જેટલા લોકો હજુ પણ જમીનદોસ્ત થયેલી ઈમારતો નીચે દબાયેલા હોવાની ભીતિ વચ્ચે ૫૯૬ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા: કાટમાળ હટાવવાની કામગીરીમાં મહિનાઓ કે વર્ષોનો સમય લાગી જશે: અસલી તબાહીનો ચિતાર કાટમાળ હટ્યા બાદ જ સ્પષ્ટ થશે

હજારો ટન કાટમાળ નીચે દબાયેલા માનવ મૃતદેહોને કારણે રોગચાળો ફેલાવાનો ભય: ઉત્તરીય ગાઝાની સ્થિતિ વધુ વિકટ છે: ઘણા કિસ્સાઓમાં આખા પરિવારો કાટમાળ નીચે દટાઈ ગયા છે: મૃતદેહોની ઓળખ કરવી એ એક મોટો પડકાર: જે મૃતદેહો મળી આવ્યા છે તેમાં મોટી સંખ્યામાં બાળકો અને મહિલાઓ

ગાઝા પટ્ટીમાં અમલમાં આવેલા યુદ્ધવિરામ બાદ રાહત અને બચાવ કામગીરી દરમિયાન હૃદયને હચમચાવી દેતી વિગતો સામે આવી છે. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ, કાટમાળ હટાવવાની કામગીરી દરમિયાન અત્યાર સુધીમાં ૫૯૬ મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે અંદાજે ૧૦,૦૦૦ જેટલા લોકો હજુ પણ જમીનદોસ્ત થયેલી ઈમારતો નીચે દબાયેલા હોવાની ભીતિ સેવાઈ રહી છે.

 

ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષ અને તે બાદ લાગુ કરાયેલા કામચલાઉ યુદ્ધવિરામ દરમિયાન સિવિલ ડિફેન્સ અને રેસ્ક્યુ ટીમો દ્વારા કાટમાળ નીચે દબાયેલા લોકોને શોધવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. તાજેતરમાં સામે આવેલા અહેવાલો અને તસવીરો યુદ્ધની ભયાનકતાની સાક્ષી પૂરે છે. 

 

ગાઝા સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, યુદ્ધવિરામ સમજૂતી શરૂ થયા બાદ બચાવ ટુકડીઓએ ભારે જહેમત ઉઠાવીને ધ્વસ્ત થયેલી ઈમારતોના કાટમાળમાંથી ૫૯૬ પેલેસ્ટિનિયનોના મૃતદેહો બહાર કાઢ્યા છે. આ મૃતદેહોને પ્લાસ્ટિકની બેગમાં લપેટીને તેના પર મૃતકોના નામ અને વિગતો લખવામાં આવી છે, જે દ્રશ્યો અત્યંત કરુણ છે.

 

સત્તાવાર અંદાજ મુજબ ગાઝામાં ઈઝરાયેલી હવાઈ હુમલાઓને કારણે તૂટી પડેલી ગગનચુંબી ઈમારતો અને મકાનોના કાટમાળ નીચે હજુ પણ ૧૦,૦૦૦ જેટલા લોકો લાપતા છે. આ લોકો કાં તો ગંભીર રીતે ઘાયલ છે અથવા મૃત્યુ પામ્યા છે, પરંતુ કાટમાળ એટલો જંગી માત્રામાં પકડ્યો છે કે તેમને બહાર કાઢવા મુશ્કેલ બની રહ્યા છે. સ્થાનિક બચાવ ટુકડીઓ પાસે પૂરતા સાધનો અને મશીનરીના અભાવે બચાવ કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે. અનેક પરિવારો પોતાના સ્વજનોના મૃતદેહો મેળવવા માટે દિવસોથી રાહ જોઈ રહ્યા છે.

 

આંકડાઓ પર નજર કરીએ તો સ્થિતિ અત્યંત ગંભીર છે. પેલેસ્ટિનિયન સિવિલ ડિફેન્સના જણાવ્યા અનુસાર, હજારો ટન કાટમાળ નીચે દબાયેલા માનવ મૃતદેહોને કારણે રોગચાળો ફેલાવાનો ભય પણ તોળાઈ રહ્યો છે. ઉત્તરીય ગાઝા અને અન્ય અસરગ્રસ્ત વિસ્તારોમાં જ્યાં સૌથી વધુ વિનાશ થયો છે, ત્યાંની સ્થિતિ વધુ વિકટ છે. ઘણા કિસ્સાઓમાં આખા પરિવારો કાટમાળ નીચે દટાઈ ગયા છે. મૃતદેહોની ઓળખ કરવી પણ એક મોટો પડકાર બની રહ્યો છે. જે મૃતદેહો મળી આવ્યા છે તેમાં મોટી સંખ્યામાં બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે.

 

આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંસ્થાઓ અને વિવિધ મીડિયા રિપોર્ટ્સ પણ પુષ્ટિ કરે છે કે લાપતા લોકોનો આંકડો સતત વધી રહ્યો છે. યુદ્ધવિરામનો સમયગાળો પૂરો થવાની અણી પર હોય કે ચાલુ હોય, કાટમાળ હટાવવાની કામગીરીમાં મહિનાઓ કે વર્ષોનો સમય લાગી શકે તેમ છે. આ દરમિયાન મળી આવેલા ૫૯૬ મૃતદેહો તો માત્ર એક શરૂઆત છે, અસલી તબાહીનો ચિતાર કાટમાળ હટ્યા બાદ જ સ્પષ્ટ થશે.

 

(10:30 PM IST)