News of Thursday, 27th November 2025
દર સાત દિવસે ક્રેડિટ સ્કોર થશે અપડેટ : લોન લેનારાઓને ફાયદો
ગ્રાહકોના હિતમાં RBIએ કર્યો મોટો નિર્ણય

નવી દિલ્હી, તા.૨૭: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ દેશના ધિરાણ માળખાને વધુ મજબૂત બનાવવા અને ગ્રાહક-કેન્દ્રિત બનાવવા માટે ૨૬ નવેમ્બરના રોજ ડ્રાફ્ટ માર્ગદર્શિકા જાહેર કરી છે. આ નવા નિયમો ૧ એપ્રિલ ૨૦૨૬ થી લાગુ થશે. આ ફેરફારો લોન લેનારાઓ માટે સીધો અને મોટો ફાયદો લાવશે, કારણ કે હવે ક્રેડિટ સ્કોર અપડેટ થવા માટે લાંબી રાહ જોવી પડશે નહીં. તમામ ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીઓ (CICs)ને હવે દર ૧૫ દિવસને બદલે દર ૭ દિવસે ક્રેડિટ સ્કોર અપડેટ કરવો પડશે, જેનાથી લોન લેવાની પ્રક્રિયા વધુ ઝડપી અને પારદર્શક બનશે.
નવી માર્ગદર્શિકા મુજબ, CICsને દર મહિનાની ૭, ૧૪, ૨૧ અને ૨૮ તારીખે તેમજ મહિનાના છેલ્લા દિવસ સુધીનો ડેટા અપડેટ રાખવો પડશે. આ માટે બેંકો અને NBFCs દર મહિનાની ૩જી તારીખ સુધીમાં પોતાનો ડેટા મોકલશે. આ ચાર નિર્ધારિત તારીખો પર ઇન્ક્રીમેન્ટલ ડેટા મોકલવામાં આવશે, જેમાં એકાઉન્ટ ખોલવું કે બંધ કરવું, લોન સ્ટેટસમાં ફેરફાર અથવા ક્રેડિટ સ્કોરને અસર કરતો કોઈપણ અન્ય ફેરફાર જેવી માહિતી સામેલ હશે. આનાથી ગ્રાહક દ્વારા લોન કે ક્રેડિટ કાર્ડ ક્લોઝરની જાણ બેંક દ્વારા તે જ દિવસે CICsને કરવાની ફરજ પડશે, જેથી ગ્રાહકનો ક્રેડિટ સ્કોર તરત જ સુધરી શકે અને લોન મેળવવામાં થતી મુશ્કેલીઓ દૂર થાય.
ક્રેડિટ સ્કોર, જે સામાન્ય રીતે ૩૦૦ થી ૯૦૦ની વચ્ચે ગણાય છે. જ્યાં ૭૦૦ થી ૯૦૦ ખૂબ સારો મનાય છે, તે વ્યક્તિના ધિરાણ રેકોર્ડ ક્રેડિટ કાર્ડ અને લોન એકાઉન્ટની માહિતી, EMI અને બિલની સમયસર ચુકવણી, નાદારી વગેરેનો સારાંશ છે. તે દર્શાવે છે કે તમે લોન પાત્રતા માટે કેટલા વિશ્વસનીય છો.
કોઈપણ વ્યક્તિનો ક્રેડિટ સ્કોર મુખ્યત્વે નીચેની બાબતો પર આધાર રાખે છે
૩૦% : સમયસર લોન ચુકવણી
૨૫% :સિકયોર્ડ કે અનસિકયોર્ડ લોનનો ગુણોત્તર.
૨૫%: ક્રેડિટ એક્સપોઝર.
૨૦% : લોનનો ઉપયોગ.
ભારતમાં લાઇસન્સ પ્રાપ્ત CICs (જેમ કે CIBIL) દ્વારા ક્રેડિટ રિપોર્ટ જારી કરવામાં આવે છે, જે તેમની સત્તાવાર વેબસાઇટ પરથી વર્ષમાં એકવાર મફતમાં અને ત્યારબાદ સબ્સ્ક્રિપ્શન પ્લાન દ્વારા જોઈ શકાય છે. RBIના નવા નિયમો આ સમગ્ર પ્રક્રિયાને વધુ પારદર્શક અને ગ્રાહક-લક્ષી બનાવશે.
(3:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
