<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th November 2025

મહારાષ્‍ટ્રઃ સત્તા સંઘર્ષમાં નવો વળાંકઃ ‘અહંકારી રાવણ' V/S ‘જયશ્રી રામ'નો વળતો પ્રહાર

ભાજપ-શિવસેના વચ્‍ચે આંતરિક તિરાડ હવે ખુલ્લી પડીઃ રાજકારણમાં ગરમાવો શિંદેના લંકાવાળા નિવેદન સામે ફડણવીસનો વળતો જવાબ

પાલઘર, તા.૨૭:  મહારાષ્‍ટ્રની સત્તામાં ભાગીદાર ભાજપ અને શિવસેના વચ્‍ચેનો ખટરાગ હવે બંધ બારણાને બદલે ખુલ્લી જાહેર સભાઓમાં આક્રમક નિવેદનબાજી સાથે સામે આવી રહ્યો છે. ગઠબંધનના બે મુખ્‍ય સાથી પક્ષો વચ્‍ચેની આ તિરાડનું તાત્‍કાલિક કારણ પાલઘર જિલ્લામાં નગર પંચાયતની ચૂંટણી પ્રચાર રેલી દરમિયાન શિવસેનાના નાયબ મુખ્‍યમંત્રી એકનાથ શિંદેનું નિવેદન હતું. ભાજપ દ્વારા શિવસેનાના કોર્પોરેટરોને પોતાની પાર્ટીમાં ભેળવી દેવામાં આવતા નારાજ થયેલા શિંદેએ ભાજપનું નામ લીધા વિના કટાક્ષ કર્યો હતો કે, રાવણ પણ અહંકારી હતો અને તેની લંકા પણ બળી ગઈ હતી. તમારે પણ ૨ ડિસેમ્‍બરે (ચૂંટણીના દિવસે) એવું જ કરવાનું છે. શિંદેના આ આકરા પ્રહારે ગઠબંધનમાં આગ ચાંપી દીધી હતી.

સામાન્‍ય રીતે ગઠબંધનના આંતરિક વિવાદો પર મૌન રહેતા દેવેન્‍દ્ર ફડણવીસે આ વખતે મૌન તોડીને જબરદસ્‍ત વળતો પ્રહાર કર્યો, જેણે વિવાદને એક નવો અને વધુ ધાર્મિક-ભાવનાત્‍મક વળાંક આપ્‍યો છે. ફડણવીસે શિંદેના લંકાના નિવેદનનો જવાબ આપતા સ્‍પષ્ટતા કરી કે, અમે લંકામાં નથી રહેતા. અમે ભગવાન રામના અનુયાયી છીએ, રાવણના નહીં! ફડણવીસે હિન્‍દુત્‍વની વિચારધારા પર પોતાનો દાવો વધુ મજબૂત કરતા કહ્યું કે, અમે જય શ્રી રામ બોલનારા લોકો છીએ. અમે તો કાલે જ રામ મંદિર પર ધર્મધ્‍વજા લહેરાવી છે. અમે ભગવાન રામની પૂજા કરનારી પાર્ટીના લોકો છીએ... લંકા તો અમે જ બાળીશું! આ વળતા પ્રહારથી સ્‍પષ્ટ થઈ ગયું છે કે ભાજપ હવે નીચલા સ્‍તરે તેના સંગઠનને નબળું પાડવાના શિવસેનાના ડરનો ફાયદો ઉઠાવવા માટે કોઈ દબાણમાં આવવા તૈયાર નથી.આ સમગ્ર વાકયુદ્ધનું મૂળ કારણ સ્‍થાનિક સ્‍તરે નેતાઓની ખેંચતાણ અને શિવસેનાનું સંગઠન નબળું પાડવાનો ડર છે. શિવસેનાના કોર્પોરેટરોને તોડવાના વિરોધમાં તાજેતરમાં શિવસેનાના મંત્રીઓએ કેબિનેટની બેઠકમાંથી પણ ગેરહાજરી નોંધાવી હતી. મામલો જ્‍યારે ગંભીર બન્‍યો ત્‍યારે એકનાથ શિંદેએ દિલ્‍હી દોડીને કેન્‍દ્રીય નેતળત્‍વ, ખાસ કરીને અમિત શાહ સાથે મુલાકાત પણ કરી હતી. જોકે, એવી સમજૂતી થઈ હોવા છતાં કે બંને પક્ષો નીચલા સ્‍તરે નેતાઓને નહીં તોડે, દેખીતી રીતે તે સમજૂતી નિષ્‍ફળ ગઈ છે, જેના કારણે શિંદેએ જાહેરમાં પોતાનો ગુસ્‍સો વ્‍યક્‍ત કરવો પડ્‍યો છે.ગઠબંધનના નેતાઓ ભલે મીડિયા સામે આ વાતોને ચૂંટણી પ્રચારના નિવેદનો ગણાવીને દિલ પર ન લેવાની સલાહ આપતા હોય, પરંતુ આ કાદવ ઉછાળથી સ્‍પષ્ટ થાય છે કે બંને પક્ષો વચ્‍ચેનો સત્તા સંઘર્ષ અને અવિશ્વાસ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. જો આ આંતરિક સંઘર્ષને ટોચના નેતળત્‍વ દ્વારા તરત જ શાંત કરવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં સ્‍થાનિક ચૂંટણીઓ અને કદાચ રાજ્‍યની સરકાર માટે પણ આ તિરાડ મોટો ખતરો બની શકે છે, જ્‍યાં હિન્‍દુત્‍વની વિચારધારાના બે મુખ્‍ય દાવાકર્તાઓ જ એકબીજા પર શાબ્‍દિક પ્રહાર કરી રહ્યા છે.

(3:44 PM IST)