હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬નું હોલિડે કેલેન્ડર જાહેર: દિવાળી, મહાશિવરાત્રી અને પરશુરામ જયંતિ સહિતના મોટા તહેવારો રવિવારે આવતા રજા બગડશે, પણ નોકરિયાતો માટે ૫ મિની વેકેશનની સુવર્ણ તક : ૧૫ ફેબ્રુઆરી રવિવારે મહાશિવરાત્રી: ચાર માર્ચ બુધવારે હોળી ધુળેટી: ૨૭ મે ના રોજ બકરી ઈદ: ૨૬ જૂન મહોરમ તાજીયા: ૨૮ ઓગસ્ટે રક્ષાબંધન: ૧૫ સપ્ટેમ્બર સોમવારે જૈન સંવત્સરી: ૨૦ ઓક્ટોબર મંગળવારે દશેરા: ૮ નવેમ્બર રવિવારે દિવાળી : જુઓ સંપુર્ણ યાદી
સરકારે સ્પષ્ટ ગાઈડલાઈન આપી છે કે જો કોઈ જાહેર રજા રવિવારના દિવસે આવે તો તેના બદલામાં અન્ય કોઈ રજા કે વળતર આપવામાં આવશે નહીં: જાન્યુઆરી, જૂન અને ડિસેમ્બર મહિનામાં કોઈપણ રજાનું સેટિંગ કર્યા વગર સીધા જ લોન્ગ વિકેન્ડ એટલે કે લાંબી રજાઓ મળી રહેશે

રાજકોટ: રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે આગામી વર્ષ ૨૦૨૬ માટે જાહેર રજાઓની યાદી પ્રસિદ્ધ કરી દીધી છે. નવા વર્ષમાં સરકારી કર્મચારીઓને કુલ ૨૩ જાહેર રજાઓ મળશે, પરંતુ દિવાળી અને મહાશિવરાત્રી જેવા મુખ્ય તહેવારો રવિવારે આવતા હોવાથી કર્મચારીઓને થોડી નિરાશા સાંપડશે. જોકે, આયોજનપૂર્વક રજાઓ લેનારાઓ માટે વર્ષ દરમિયાન ફરવા જવા માટે લોન્ગ વિકેન્ડના ઘણા વિકલ્પો ઉપલબ્ધ રહેશે.
ગુજરાત સરકારે જાહેર કરેલા નોટિફિકેશન અનુસાર વર્ષ ૨૦૨૬માં કુલ ૨૩ જાહેર રજાઓ રહેશે. આ ઉપરાંત કર્મચારીઓને ૩૩ મરજિયાત રજાઓનું લિસ્ટ આપવામાં આવ્યું છે, જેમાંથી તેઓ પોતાની પસંદગીની મહત્તમ ૩ રજાઓ ભોગવી શકશે. જ્યારે નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ બેંકના કર્મચારીઓ માટે ૧૮ રજાઓ જાહેર કરવામાં આવી છે.
વર્ષ ૨૦૨૬ના કેલેન્ડરમાં સરકારી બાબુઓ માટે એક માઠા સમાચાર એ છે કે ત્રણ મહત્વના તહેવારો રવિવારે આવી રહ્યા છે. હિન્દુ ધર્મના સૌથી મોટા તહેવાર ગણાતી દિવાળી, ઉપરાંત મહાશિવરાત્રી અને પરશુરામ જયંતિ રવિવારે છે. સરકારે સ્પષ્ટ ગાઈડલાઈન આપી છે કે જો કોઈ જાહેર રજા રવિવારના દિવસે આવે તો તેના બદલામાં અન્ય કોઈ રજા કે વળતર આપવામાં આવશે નહીં.
જોકે, પ્રવાસના શોખીન કર્મચારીઓ માટે આ કેલેન્ડર ખુશીના સમાચાર પણ લાવ્યું છે. જાન્યુઆરી, જૂન અને ડિસેમ્બર મહિનામાં કોઈપણ રજાનું સેટિંગ કર્યા વગર સીધા જ લોન્ગ વિકેન્ડ એટલે કે લાંબી રજાઓ મળી રહેશે.
આ સિવાય એપ્રિલથી ઓક્ટોબર મહિના દરમિયાન બે રજાઓની વચ્ચે જો એક રજા મૂકી દેવામાં આવે તો સળંગ રજાઓનો લાભ મળી શકે છે. સ્માર્ટ પ્લાનિંગ કરનારા કર્મચારીઓ વર્ષમાં ૫ વખત આવા મિની વેકેશનનો લાભ લઈ શકશે.
સામાન્ય વહીવટ વિભાગે રજાઓના નિયમો અંગે પણ સ્પષ્ટતા કરી છે. જે મુજબ કોઈ પણ કર્મચારી બે સળંગ મરજિયાત રજાઓ ભોગવી શકશે નહીં. આ ઉપરાંત જે કર્મચારીઓ અત્યાવશ્યક સેવાઓ (ઈમરજન્સી સર્વિસ) સાથે જોડાયેલા છે, તેઓને તાત્કાલિક અસરથી મરજિયાત રજાઓનો લાભ નહીં મળે. આમ, ૨૦૨૬નું વર્ષ રજાઓની દ્રષ્ટિએ મિશ્ર પ્રતિસાદ વાળું રહેશે.
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા વર્ષ ૨૦૨૬ના કેલેન્ડર મુજબ તારીખ અને વાર પ્રમાણે રજાઓની વિગતવાર માહિતી નીચે મુજબ છે.
વર્ષની શરૂઆતમાં જાન્યુઆરી માસમાં ૧૪મી તારીખે બુધવારે મકર સંક્રાંતિ અને ૨૬મી જાન્યુઆરીએ સોમવારે પ્રજાસત્તાક પર્વની રજા રહેશે. ફેબ્રુઆરી મહિનામાં મહાશિવરાત્રી ૧૫મી તારીખે છે પરંતુ તે દિવસે રવિવાર હોવાથી અલગથી રજા મળશે નહીં.
માર્ચ મહિનો રજાઓથી ભરપૂર રહેશે. જેમાં ૪ માર્ચે બુધવારે હોળી (ધૂળેટી), ૧૯મીએ ગુરુવારે ચેટીચંડ, ૨૧મીએ શનિવારે રમઝાન ઈદ (ઈદ-ઉલ-ફિત્ર), ૨૬મીએ ગુરુવારે રામનવમી અને ૩૧મી માર્ચે મંગળવારે મહાવીર જન્મ કલ્યાણકની રજા રહેશે. એપ્રિલ માસમાં ૩જી તારીખે શુક્રવારે ગુડ ફ્રાઈડે અને ૧૪મી એપ્રિલે મંગળવારે ડો. બાબાસાહેબ આંબેડકર જયંતિની રજા મળશે. જોકે, ભગવાન શ્રી પરશુરામ જયંતિ ૧૯ એપ્રિલે રવિવારે આવતી હોવાથી રજા બાદ થશે.
ઉનાળાના વેકેશનના સમયગાળા દરમિયાન મે મહિનામાં ૨૭મી તારીખે બુધવારે બકરી ઈદ (ઈદ-ઉલ-અદહા)ની રજા છે, જ્યારે જૂન માસમાં ૨૬મી તારીખે શુક્રવારે મહોરમ (તાજિયા)ની રજા રહેશે.
વર્ષના મધ્યમાં ઓગસ્ટ માસમાં ૧૫મી તારીખે શનિવારે સ્વાતંત્ર્ય દિવસ અને પતેતી (પારસી નૂતન વર્ષ) બંને તહેવારો એકસાથે છે. ત્યારબાદ ૨૬મીએ બુધવારે ઈદ-એ-મિલાદ અને ૨૮ ઓગસ્ટે શુક્રવારે રક્ષાબંધનની રજા જાહેર કરાઈ છે. સપ્ટેમ્બર મહિનામાં ૪થી તારીખે શુક્રવારે જન્માષ્ટમી અને ૧૫મી તારીખે સોમવારે જૈન સંવત્સરીની રજા રહેશે.
તહેવારોની સિઝન ગણાતા ઓક્ટોબરમાં ૨જી તારીખે શુક્રવારે ગાંધી જયંતિ, ૨૦મીએ મંગળવારે દશેરા (વિજયાદશમી) અને ૩૧મી ઓક્ટોબરે શનિવારે સરદાર પટેલ જયંતિની રજા રહેશે. નવેમ્બર મહિનામાં દિવાળી ૮મી તારીખે રવિવારે આવતી હોવાથી રજા ગુમાવવી પડશે, પરંતુ ત્યારબાદ ૧૦મી તારીખે મંગળવારે વિક્રમ સંવત નૂતન વર્ષ (બેસતું વર્ષ) અને ૧૧મીએ બુધવારે ભાઈબીજની રજા મળશે. આ ઉપરાંત ૨૪ નવેમ્બરે મંગળવારે ગુરુ નાનક જયંતિની રજા રહેશે.
વર્ષના અંતે ડિસેમ્બર માસમાં ૨૫મી તારીખે શુક્રવારે નાતાલની રજા રહેશે. આ ઉપરાંત બેંકો માટે ૧લી એપ્રિલ, ૨૦૨૬ ને બુધવારના રોજ વાર્ષિક હિસાબ ક્લોઝિંગને કારણે રજા રહેશે.










છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
