હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભારત-રશિયાની અડીખમ દોસ્તીઃ S-૪૦૦ને વધુ ઘાતક બનાવાશેઃ રૂ.૧૦,૦૦૦ કરોડના મિસાઈલ સોદાથી પાકિસ્તાનની ઊંઘ હરામ!
મોદી-પુતિન બેઠક પહેલા નવી દિલ્હીએ મોસ્કોને આપી ગિફ્ટ, ૩૦૦ અતિ-ઘાતક મિસાઈલોની તાત્કાલિક ખરીદીઃ ૫ વધુ S-૪૦૦ સ્ક્વોડ્રન અને પેન્ટસિર સિસ્ટમ ખરીદવા પર પણ વિચારણા

નવી દિલ્હી, તા.૨૮: ડિસેમ્બરમાં થનારી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ઐતિહાસિક બેઠક પૂર્વે, ભારતે રશિયા સાથેના સંરક્ષણ સંબંધોને એક નવી ઊંચાઈ આપી છે. સદીઓ જૂની આ મિત્રતા ૨૧મી સદીમાં પણ મજબૂત બની રહી છે, જેનો સૌથી મોટો આધાર સંરક્ષણ ક્ષેત્ર છે. ભારતીય વાયુ સંરક્ષણ પ્રણાલીને અજેય બનાવવા માટે કેન્દ્ર સરકારે એક મોટો અને તાત્કાલિક નિર્ણય લીધો છે. ભારતે રશિયન S-૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ માટે ૩૦૦ મિસાઈલો ખરીદવા માટે રૂ.૧૦,૦૦૦ કરોડથી વધુનો સંરક્ષણ સોદો કર્યો છે. આ સોદાને ફાસ્ટ-ટ્રેક પ્રક્રિયા હેઠળ પૂર્ણ કરવામાં આવી રહ્યો છે, જે ભારતીય સેનાની સુરક્ષાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
આ તાત્કાલિક ખરીદીનું મુખ્ય કારણ મે ૨૦૨૫માં થયેલું ઓપરેશન સિંદૂર છે, જે દરમિયાન S-૪૦૦ સિસ્ટમનો વ્યાપક ઉપયોગ થયો હતો. આ ઓપરેશનમાં S-૪૦૦ એ પાકિસ્તાનના ફાઈટર જેટ્સ, અર્લી ર્વોનિંગ એરક્રાફ્ટ અને સશષા ડ્રોનને નિશાન બનાવ્યા હતા, જેમાં એક પાકિસ્તાની વિમાનને તો પંજાબની અંદર ૩૧૪ કિમી દૂર તોડી પાડવામાં આવ્યું હતું. આ જોરદાર પ્રદર્શનને કારણે મિસાઈલોનો જે જથ્થો વપરાયો હતો, તેને યુદ્ધની તૈયારીના ભાગરૂપે તાત્કાલિક ફરી ભરવાની જરૂરિયાત ઊભી થઈ છે. સંરક્ષણ મંત્રાલયે આ માટે રશિયાની સરકારી કંપની રોસોબોરોનેક્સપોર્ટને વિનંતી માટે દરખાસ્ત મોકલવાની તૈયારી કરી લીધી છે અને આ ડીલ ચાલુ નાણાકીય વર્ષમાં જ પૂર્ણ થવાની સંભાવના છે, જે સુરક્ષા પરની કેબિનેટ સમિતિની મંજૂરીની રાહ જોઈ રહી છે.
વર્તમાન સોદા ઉપરાંત, ભારત રૂ.૫૬,૦૦૦ કરોડના ખર્ચે પાંચ વધુ S-૪૦૦ સ્ક્વોડ્રન ખરીદવા પર પણ સક્રિયપણે વિચારણા કરી રહ્યું છે. આ વધારાની સિસ્ટમ્સ દુશ્મન રોકેટ, મિસાઈલ અને એરક્રાફ્ટ સામે ભારતની સુરક્ષા કવચને વધુ અભેદ્ય બનાવશે. એટલું જ નહીં, ભારતીય સૈન્ય આત્મઘાતી (કામિકાઝ) ડ્રોન અને સશષા ડ્રોનનો સામનો કરવા માટે રશિયાની અત્યંત અસરકારક પેન્ટસિર મિસાઇલ સિસ્ટમ પણ ખરીદવાનું વિચારી રહ્યું છે. S-૪૦૦ અને પેન્ટસિરનું સંયોજન કરીને ભારત આકાશમાં એક બે-સ્તરીય, મજબૂત એર ડિફેન્સ વ્યવસ્થા સ્થાપિત કરવાની યોજના ધરાવે છે.
સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા તરફ પણ ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે. રૂ.૨૦,૦૦૦ કરોડના મીડિયમ એલ્ટિટયુડ લોંગ એન્ડ્યુરન્સ ડ્રોન પ્રોજેક્ટમાં ૨૦ થી વધુ ભારતીય ખાનગી કંપનીઓએ રસ દાખવ્યો છે. ઇઝરાયલની એલ્બિટ, અમેરિકાની જનરલ એટોમિક્સ અને બેલ જેવી વૈશ્વિક દિગ્ગજ કંપનીઓ ભારતીય કંપનીઓ સાથે મળીને ભારતમાં જ ડ્રોન બનાવવાનો પ્રસ્તાવ મૂકી ચૂકી છે. ભલે ૫ ડિસેમ્બરની મોદી-પુતિન બેઠકમાં કોઈ મોટા સંરક્ષણ સોદાની જાહેરાત થવાની શકયતા ઓછી હોય, પરંતુ રૂ.૧૦,૦૦૦ કરોડના મિસાઈલ સોદાથી ભારત અને રશિયાએ વિશ્વને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે તેમની વ્યૂહાત્મક ભાગીદારી અતૂટ અને સમયની કસોટી પર ખરી ઉતરેલી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
