<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

દહેજને કારણે ‘‘વેપાર''જેવું બન્‍યું છે લગ્ન જેવું પવિત્ર બંધન

સુપ્રિમ કોર્ટની મહત્‍વની ટિપ્‍પણીઃ દહેજ કુપ્રથા છેઃ કોર્ટે દહેજ હત્‍યાને ફકત વ્‍યકિતગત અપરાધ ગણતા તેને સમાજ વિરૂધ્‍ધ ગંભીર અપરાધ ગણાવ્‍યા

નવી દિલ્‍હી તા.૨૯: સુપ્રીમ કોર્ટે જણાવ્‍યું હતું કે લગ્ન એક પવિત્ર સંસ્‍થા છે, પરંતુ દહેજની દુષ્ટ પ્રથાએ તેને વ્‍યાપારી વ્‍યવહારમાં પરિવર્તિત કરી દીધી છે. કોર્ટે દહેજ મૃત્‍યુને ફક્‍ત વ્‍યક્‍તિગત ગુનાઓ જ નહીં પરંતુ સમાજ સામેના ગંભીર ગુનાઓ ગણાવ્‍યા હતા.સુપ્રીમ કોર્ટે  જણાવ્‍યું હતું કે લગ્ન એ પરસ્‍પર વિશ્વાસ, સાથીદારી અને આદર પર આધારિત એક પવિત્ર અને ઉમદા સંસ્‍થા છે. કમનસીબે, દહેજની દુષ્ટ પ્રથાએ આ પવિત્ર બંધનને વ્‍યાપારી વ્‍યવહારમાં ફેરવી નાખ્‍યું છે. સર્વોચ્‍ચ અદાલતે એમ પણ કહ્યું હતું કે દહેજ મૃત્‍યુ ફક્‍ત વ્‍યક્‍તિ સામેનો ગુનો નથી, પરંતુ સમગ્ર સમાજ સામેનો ગુનો છે. ન્‍યાયાધીશ બી.વી. નાગરત્‍ના અને આર. મહાદેવનની બેન્‍ચે આ અવલોકન કર્યું હતું. બેન્‍ચે દહેજ માટે લગ્નના ચાર મહિના પછી જ તેની પત્‍નીને ઝેર આપવાના આરોપી પુરુષના જામીન રદ કર્યા હતા.

બેન્‍ચે કહ્યું હતું કે, આપણે એ હકીકતને અવગણી શકીએ નહીં કે લગ્ન તેના ખરા અર્થમાં એક પવિત્ર સંસ્‍થા છે. પરંતુ તાજેતરના સમયમાં, આ પવિત્ર બંધન ફક્‍ત એક વ્‍યવસાયિક વ્‍યવહાર બની ગયું છે. દહેજની દુષ્ટ પ્રથા સામાજિક દરજ્‍જો દર્શાવવા અને લોભ સંતોષવાનું એક સાધન બની ગઈ છે, જે ઘણીવાર ભેટ અથવા સ્‍વૈચ્‍છિક દાન તરીકે છુપાયેલી હોય છે.

સુપ્રીમ કોર્ટે જણાવ્‍યું હતું કે હાઈકોર્ટ દ્વારા આરોપીને જામીન આપવાનો નિર્ણય ખોટો હતો કારણ કે તેણે ગુનાની ગંભીરતા, પીડિતાના મિશ્ર નિવેદનો અને દહેજ મૃત્‍યુને નિયંત્રિત કરતી કાનૂની જોગવાઈઓને અવગણી હતી. કોર્ટે જણાવ્‍યું હતું કે દહેજનું સામાજિક દુષ્ટૅ માત્ર લગ્નની પવિત્રતાને નષ્ટ કરતું નથી પરંતુ મહિલાઓ પર ચાલી રહેલા જુલમ અને દમનને પણ પ્રોત્‍સાહન આપે છે.

કોર્ટે જણાવ્‍યું હતું કે જ્‍યારે દહેજની માંગણીઓ મર્યાદા ઓળંગે છે અને ક્રૂરતા અથવા યુવાન કન્‍યાના મૃત્‍યુ તરફ દોરી જાય છે, ત્‍યારે ગુનો એક પરિવાર પૂરતો મર્યાદિત નથી રહેતો પરંતુ ગંભીર સામાજિક ગુનો બની જાય છે. બેન્‍ચે અવલોકન કર્યું હતું કે દહેજ મૃત્‍યુના વધતા જતા કિસ્‍સાઓ ગંભીર ચિતાનો વિષય છે. આ એક જઘન્‍ય સામાજિક રોગ છે જેમાં એક યુવતીનું જીવન તેના સાસરિયાના ઘરમાં ફક્‍ત એટલા માટે બરબાદ થઈ જાય છે કારણ કે અન્‍ય લોકો પોતાના લોભને સંતોષવા માંગતા હતા.

સુપ્રીમ કોર્ટે જણાવ્‍યું હતું કે આવા ગુનાઓ માનવ ગૌરવના મૂળને ઠેસ પહોંચાડે છે અને બંધારણના સમાનતા અને ગૌરવના અધિકારનું ઉલ્‍લંઘન કરે છે (કલમ ૧૪ અને ૨૧). કોર્ટે એમ પણ કહ્યું હતું કે આવા કેસોમાં અદાલતોની ઉદારતા અથવા મૌન ગુનેગારોને વધુ પ્રોત્‍સાહન આપશે અને ન્‍યાય પ્રણાલીમાં જાહેર વિશ્વાસને ઓછો કરશે. બેન્‍ચે જણાવ્‍યું હતું કે કાયદાની ગરિમા જાળવવા અને સ્‍પષ્ટ સંદેશ આપવા માટે કડક અને પ્રતિબંધિત ન્‍યાયિક પ્રક્રિયા જરૂરી છે કે કાયદો અને સમાજ કોઈપણ સંજોગોમાં દહેજને કારણે થતી બર્બરતાને સહન નહીં કરે.

(9:54 AM IST)