<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

ટ્રમ્પનો જોરદાર વળતો પ્રહાર: જો બાઈડને ‘ઓટો-પેન મશીન’થી સહી કરેલા તમામ દસ્તાવેજો રદ કરવાનો આદેશ

આ આદેશ હેઠળ બાઈડન વહીવટીતંત્રના ક્લાયમેટ ચેન્જ, ઇમિગ્રેશન અને હેલ્થકેર સંબંધિત અનેક મહત્ત્વના કારોબારી આદેશો રદ થઈ શકે છે

અમેરિકાના બીજી વખત ચૂંટાયેલા પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળતાની સાથે જ પૂર્વ પ્રેસિડેન્ટ જો બાઈડન દ્વારા લેવાયેલા કેટલાક મહત્ત્વના નિર્ણયોને પલટાવવાની તૈયારી કરી લીધી છે. ટ્રમ્પે આદેશ આપ્યો છે કે બાઈડને ઓટો-પેન મશીનનો ઉપયોગ કરીને સહી કરેલા તમામ દસ્તાવેજોની સમીક્ષા કરવામાં આવશે અને તેમાંથી મોટા ભાગનાને રદ કરવામાં આવશે.

 

ટ્રમ્પના વહીવટીતંત્રના સૂત્રોના જણાવ્યા અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પ માને છે કે જો બાઈડને ઓટોમેટિક સિગ્નેચર મશીન (ઓટો-પેન) દ્વારા ઘણા નિર્ણયો પર હસ્તાક્ષર કર્યા હતા, જે રાષ્ટ્રપતિના હસ્તાક્ષરની પવિત્રતા અને બંધારણીય અધિકારનું ઉલ્લંઘન છે.

 

ટ્રમ્પનું માનવું છે કે રાષ્ટ્રપતિએ વ્યક્તિગત રીતે દસ્તાવેજોની સમીક્ષા કરીને હસ્તાક્ષર કરવા જોઈએ. આ આદેશ હેઠળ બાઈડન વહીવટીતંત્રના ક્લાયમેટ ચેન્જ, ઇમિગ્રેશન અને હેલ્થકેર સંબંધિત અનેક મહત્ત્વના કારોબારી આદેશો રદ થઈ શકે છે, જેનાથી અમેરિકન નીતિઓમાં મોટા પાયે ફેરફાર જોવા મળશે.

(5:19 PM IST)