હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કમાન્ડરની હત્યા બાદ લેબનોનમાં યુદ્ધનો ભય: હિઝબુલ્લાહની ઇઝરાયલને ખુલ્લી ચેતવણી – "શસ્ત્રો નહીં છોડીએ, બદલો લઈશું!"
હિઝબુલ્લાહના નેતા નઈમ કાસેમનું સંબોધન: "બદલો લેવાનો અધિકાર અનામત છે, સમય અને પદ્ધતિ અમે નક્કી કરીશું," : ભવિષ્યમાં યુદ્ધ ફાટી નીકળવાની શક્યતા વ્યક્ત કરી

નવી દિલ્હી: ઇઝરાયલ દ્વારા હિઝબુલ્લાહના ટોચના લશ્કરી કમાન્ડર હૈથમ અલી તબતાબાઈની હત્યા બાદ લેબનોન અને ઇઝરાયલ વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. આ હત્યા બાદ લેબનોનમાં મોટા સંઘર્ષનો ભય ફેલાયો છે. હિઝબુલ્લાહના નેતા નઈમ કાસેમએ શુક્રવારે ટેલિવિઝન પર રાષ્ટ્રજોગ સંબોધન કરીને સ્પષ્ટ ચેતવણી આપી કે તેમનું સંગઠન ઇઝરાયલ પર બદલો લેવાનો અધિકાર અનામત રાખે છે અને ભવિષ્યમાં યુદ્ધ ફાટી નીકળવાની શક્યતા છે.
નઈમ કાસેમએ જણાવ્યું કે દક્ષિણ બેરૂતમાં થોડા દિવસો પહેલા ઇઝરાયલે તેમના ટોચના કમાન્ડર તબતાબાઈની હત્યા કરી હતી. લેબનોનમાં એવો ડર છે કે ઇઝરાયલ હિઝબુલ્લાહને શસ્ત્રો છોડવા માટે દબાણ કરવા માટે તેના હુમલાઓ વધારી શકે છે. જોકે, કાસેમએ ઇઝરાયલની મોટી લશ્કરી કાર્યવાહીની ધમકીઓને નકારી કાઢી અને સ્પષ્ટ કર્યું કે, "અમે અમારા શસ્ત્રો છોડીશું નહીં." તેમણે કહ્યું કે બદલો ક્યારે અને કેવી રીતે લેવો, તે ફક્ત હિઝબુલ્લાહ જ નક્કી કરશે.
કાસેમે ભવિષ્યમાં યુદ્ધ થવાની શક્યતા પર પણ નિખાલસતાથી વાત કરી. તેમણે કહ્યું, "શું ભવિષ્યમાં યુદ્ધ શક્ય છે? હા, તે એક શક્યતા છે, અને એ પણ શક્ય છે કે તે ન પણ હોય." જો નવો સંઘર્ષ થાય તો હિઝબુલ્લાહની વ્યૂહરચના વિશે તેમણે વિસ્તૃત માહિતી આપી ન હતી, પરંતુ લેબનોનના લોકોને ઇઝરાયલનો સામનો કરવા માટે દેશની સેના અને લોકોની એકતા પર વિશ્વાસ રાખવા માટે આહ્વાન કર્યું. કાસેમે પોપ લીઓની લેબનોનની મુલાકાત શાંતિ સ્થાપિત કરવામાં મદદરૂપ થશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી.
દરમિયાન, ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સ હિઝબુલ્લાહ અને અન્ય સશસ્ત્ર જૂથોને શક્ય તેટલી વહેલી તકે નિઃશસ્ત્ર કરવા માટે લેબનોન પર સતત દબાણ કરી રહ્યા છે. કાસેમના સંબોધન પછી તરત જ, ઇઝરાયલી સેનાના પ્રવક્તા અવિચાઈ આદ્રાઈએ આરોપ લગાવ્યો કે દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લાહના શસ્ત્રો જપ્ત કરવાના લેબનીઝ સેનાના પ્રયાસો અપૂરતા છે અને હિઝબુલ્લાહ ગુપ્ત રીતે પોતાના શસ્ત્રોનો ભંડાર જાળવી રહ્યું છે. આ આરોપ-પ્રત્યારોપ અને ટોચના કમાન્ડરની હત્યાએ મધ્ય પૂર્વમાં યુદ્ધના ભયને વધુ ઘેરો બનાવ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
