હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દિલ્હી આતંકવાદી હુમલાના તાર ઉત્તરાખંડના હલ્દવાની સુધી: NIA દ્વારા બિલાલી મસ્જિદના ઇમામની ધરપકડ
મુખ્ય આરોપી ઉમરના ફોન રેકોર્ડ્સના આધારે કાર્યવાહી: બાનભુલપુરા વિસ્તારમાં સુરક્ષા કડક, આતંકવાદી નેટવર્કના મોટા ખુલાસાની શક્યતા.

હલ્દવાની: નવેમ્બરના રોજ દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા ભયાનક કાર બોમ્બ વિસ્ફોટના આતંકવાદી હુમલાના તાર હવે ઉત્તરાખંડના હલ્દવાની શહેર સાથે જોડાયા છે. આ લિંક્સના આધારે, રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA), દિલ્હી પોલીસની વિશેષ ટીમ અને ઉત્તરાખંડ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF)ની સંયુક્ત ટીમે હલ્દવાનીના બાનભુલપુરા વિસ્તારમાં દરોડા પાડ્યા હતા.
આ કાર્યવાહીમાં, બિલાલી મસ્જિદના ઇમામ, મૌલાના મોહમ્મદ અસીમની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે. એજન્સીઓનું માનવું છે કે આ ધરપકડ દિલ્હી વિસ્ફોટોના મુખ્ય આરોપી, આત્મઘાતી હુમલાખોર ડૉ. ઉમર ઉન-નબીના ફોન રેકોર્ડ્સ સાથે જોડાયેલા નેટવર્કનો મહત્ત્વનો ભાગ છે.
રામપુરના મૌલાનાની દિલ્હીમાં પૂછપરછ: મૌલાના મોહમ્મદ અસીમ મૂળ ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લાના દડિયાલ ગામના છે અને છેલ્લા ચાર વર્ષથી તેઓ આ મસ્જિદમાં નમાજ અદા કરાવતા અને સ્થાનિક બાળકોને ઉર્દૂ શીખવતા હતા. NIA અને દિલ્હી પોલીસની ટીમો તેમને વધુ પૂછપરછ અને સંભવિત આતંકવાદી નેટવર્ક સાથેના સંબંધોની તપાસ માટે દિલ્હી લઈ ગઈ છે. આ ઉપરાંત, એક અન્ય શંકાસ્પદ વ્યક્તિની પણ આ ઓપરેશન દરમિયાન ધરપકડ કરવામાં આવી છે.
એજન્સીઓ માને છે કે આ ધરપકડો દિલ્હી વિસ્ફોટો પાછળના મોટા અને શિક્ષિત આતંકવાદી મોડ્યુલને જોડતી કડીઓ પૂરી પાડી શકે છે, જેમાં અગાઉ સરકારી ડૉક્ટરો (ડૉ. આદિલ અહેમદ, ડૉ. શાહીન સઈદ, ડૉ. મુઝમ્મિલ શકીલ) અને યુનિવર્સિટી ફેકલ્ટીના સભ્યોની ધરપકડ કરવામાં આવી છે.
હલ્દવાનીમાં સુરક્ષા કડક: આ કાર્યવાહીને પગલે, હલ્દવાની વહીવટીતંત્ર તરત જ એલર્ટ પર આવી ગયું છે. બાનભુલપુરા અને શહેરના અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. બિલાલી મસ્જિદ અને મૌલાનાના નિવાસસ્થાનની આસપાસ મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. શહેરભરમાં ચેકિંગ કામગીરી તેજ કરવામાં આવી છે, અને સ્થાનિક રહેવાસીઓને શાંતિ જાળવવા વિનંતી કરવામાં આવી છે.
નોંધનીય છે કે ૧૦ નવેમ્બરના વિસ્ફોટમાં ૧૫ લોકોના મોત થયા હતા અને ડઝનબંધ ઘાયલ થયા હતા. આ કેસમાં ધરપકડ કરાયેલા ડૉ. મુઝમ્મિલ, ડૉ. શાહીન સઈદ, મુફ્તી ઈરફાન અહેમદ અને ડૉ. આદિલ અહેમદના NIA રિમાન્ડ પટિયાલા હાઉસ કોર્ટે વધુ ૧૦ દિવસ માટે લંબાવ્યા છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
