હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગાઝા બાદ હવે સીરિયા પર ઇઝરાયલનો મોટો હુમલો: દક્ષિણ સીરિયાના ગામમાં ૧૩ લોકોના મોત, હમાસ અને હુથીઓ સાથે જોડાયેલા આતંકવાદીઓ પકડાયાનો દાવો!
રાતના અંધારામાં સર્ચ ઓપરેશન અને હવાઈ હુમલા: સીરિયાએ ઇઝરાયલી કાર્યવાહીને 'યુદ્ધ અપરાધ' ગણાવી

નવી દિલ્હી:મધ્ય પૂર્વમાં તણાવ સતત વધી રહ્યો છે. ગાઝામાં કાર્યવાહી ચાલુ છે ત્યારે ઇઝરાયલે હવે બીજા મુસ્લિમ દેશ સીરિયાના દક્ષિણ વિસ્તારને નિશાન બનાવ્યો છે. રાતના અંધારામાં દક્ષિણ સીરિયાના એક ગામમાં ઇઝરાયલી સેના (IDF) દ્વારા સર્ચ ઓપરેશન અને ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં ઓછામાં ઓછા ૧૩ લોકો માર્યા ગયા હોવાની પુષ્ટિ સીરિયન સમાચાર એજન્સી SANA દ્વારા કરવામાં આવી છે.
સીરિયન વિદેશ મંત્રાલયે ઇઝરાયલની આ કાર્યવાહીને 'યુદ્ધ અપરાધ' ગણાવી છે અને આક્ષેપ કર્યો છે કે ઇઝરાયલ ફરી એકવાર આ ક્ષેત્રને અસ્થિર કરવા અને હિંસા ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
આઇડીએફનો 'ખતરનાક આતંકવાદીઓ' પકડવાનો દાવો: ઇઝરાયલી સેના (IDF) એ આ હુમલાનું સમર્થન કરતા દાવો કર્યો છે કે, તેમણે ગામમાં છુપાયેલા 'જમાહ ઇસ્લામિયા' જૂથના ખતરનાક આતંકવાદીઓને પકડ્યા છે. IDFના જણાવ્યા અનુસાર, આ ઇસ્લામિક સંગઠન હમાસ અને હુથીઓ સાથે મળીને ઇઝરાયલ વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યું હતું. સેનાએ દાવો કર્યો છે કે કાર્યવાહીમાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા છે અને તેના છ સૈનિકો પણ ઘાયલ થયા છે. સ્થાનિકોના મતે, ગામલોકો પણ ઇઝરાયલી સૈનિકોનો સામનો કરવા માટે સશસ્ત્ર બહાર આવ્યા હતા, જેમાંથી ઘણા માર્યા ગયા હતા.
'ભયાનક હત્યાકાંડ' અને તણાવપૂર્ણ સંબંધો: સીરિયન વિદેશ મંત્રાલયે ઇઝરાયલી હુમલાને 'ભયાનક હત્યાકાંડ' ગણાવ્યો છે અને મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થતો હોવાનો દાવો કર્યો છે. બીજી તરફ, સ્થાનિક અધિકારી વાલિદ ઓકાશાએ જણાવ્યું હતું કે માર્યા ગયેલા લોકો નાગરિકો હતા.
નોંધનીય છે કે બશર અલ-અસદની સરકારના પતન અને ત્યારબાદ નવી ઇસ્લામિક સરકારની રચના પછી ઇઝરાયલે સીરિયામાં સેંકડો હુમલા કર્યા છે. ઇઝરાયલ સીરિયન ગોલાન હાઇટ્સ પર પણ કબજો ધરાવે છે. ભલે બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો ન હોય, પરંતુ તણાવ ઘટાડવા માટે સંભવિત સુરક્ષા કરાર પર વાટાઘાટો ચાલી રહી છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
