<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th November 2025

સુપ્રીમ કોર્ટમાં વર્ષો જૂની ‘વીઆઈપી કલ્ચર’ પર સર્જીકલ સ્ટ્રાઈક: ક્રાંતિકારી ફેરફારો: સીજેઆઇ સૂર્યકાંતનો ઐતિહાસિક નિર્ણય: ૧ ડિસેમ્બરથી સીનિયર વકીલો કેસ મેન્શન નહીં કરી શકે: જામીન માટે હવે લાઈનમાં ઊભા રહેવું નહીં પડે

સામાન્ય અરજદારો માટે ન્યાયના દ્વાર વિસ્તૃત કર્યા: ૧ ડિસેમ્બર ૨૦૨૫થી લાગુ પડતા નવા ૪ પરિપત્રો મુજબ સુપ્રીમ કોર્ટમાંથી ‘તારીખ પે તારીખ’ અને મોટા વકીલોના પ્રભાવવાળી ‘વીઆઈપી સંસ્કૃતિ’નો અંત લાવવામાં આવ્યો: હવે જામીન, તોડફોડ કે વ્યક્તિગત સ્વતંત્રતાના કેસોમાં વકીલોએ કોર્ટમાં વિનંતી કરવી નહીં પડે: સીજેઆઈના આ નિર્ણયથી હવે સુપ્રીમ કોર્ટમાં સીનિયર અને જ્યુનિયર વકીલો સમાન સ્તરે આવી ગયા: ન્યાયાધીશોની નિમણૂક કરતી ‘કોલેજિયમ સિસ્ટમ્સ’ બદલવાના પણ સંકેત: રાષ્ટ્રીય ન્યાયિક નિમણૂક આયોગ (એનજેએસી) ને ફરીથી લાગુ કરવા અને ૨૦૧૫ ના ચુકાદા પર ફેરવિચારણા કરવાન સંકેત આપ્યા

નવી દિલ્હી: ભારતના મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ) સૂર્યકાંતે સુપ્રીમ કોર્ટની વર્ષો જૂની પરંપરામાં ક્રાંતિકારી ફેરફારો કરીને સામાન્ય અરજદારો માટે ન્યાયના દ્વાર પહોળા કર્યા છે. ૧ ડિસેમ્બર ૨૦૨૫થી લાગુ પડતા નવા ૪ પરિપત્રો મુજબ સુપ્રીમ કોર્ટમાંથી ‘તારીખ પે તારીખ’ અને મોટા વકીલોના પ્રભાવવાળી ‘વીઆઈપી સંસ્કૃતિ’નો અંત લાવવામાં આવ્યો છે. હવે જામીન, તોડફોડ કે વ્યક્તિગત સ્વતંત્રતાના કેસોમાં વકીલોએ કોર્ટમાં વિનંતી કરવી નહીં પડે, આવા કેસો ખામીઓ દૂર થયાના ૨ દિવસમાં આપોઆપ સુનાવણી માટે લિસ્ટ થઈ જશે. સીજેઆઈના આ નિર્ણયથી હવે સુપ્રીમ કોર્ટમાં સીનિયર અને જ્યુનિયર વકીલો સમાન સ્તરે આવી ગયા છે.
દેશની સર્વોચ્ચ અદાલતમાં ન્યાય પ્રક્રિયાને ઝડપી અને પારદર્શક બનાવવા માટે ચીફ જસ્ટિસ સૂર્યકાંતે જે નવી વ્યવસ્થા ગોઠવી છે, તે ભારતીય ન્યાયતંત્રના ઈતિહાસમાં એક સીમાચિહ્નરૂપ ઘટના છે. આ નવા નિયમોનો મુખ્ય ઉદ્દેશ્ય કોર્ટમાં લાગતી લાંબી કતારો ઘટાડવાનો અને વગદાર લોકો જે ‘ઓરલ મેન્શનિંગ’ (મૌખિક રજૂઆત) દ્વારા પોતાના કેસની સુનાવણી વહેલી કરાવતા હતા, તે પ્રથાને સંપૂર્ણપણે બંધ કરવાનો છે.
નાગરિકોની સ્વતંત્રતાને સર્વોચ્ચ અગ્રતા: ૨ દિવસમાં ઓટોમેટિક સુનાવણી: સૌથી મહત્વનો નિર્ણય સામાન્ય નાગરિકોની સ્વતંત્રતાને લગતો છે. અત્યાર સુધી જામીન અરજીઓ, આગોતરા જામીન, હેબિયસ કોર્પસ (બંદી પ્રત્યક્ષીકરણ), મકાન ખાલી કરાવવા કે તોડફોડ (ડિમોલિશન) અટકાવવા જેવા તાત્કાલિક કેસોમાં વકીલોએ ચીફ જસ્ટિસ સમક્ષ વહેલી સુનાવણી માટે ખાસ વિનંતી કરવી પડતી હતી. હવે ૧ ડિસેમ્બરથી નવી સિસ્ટમ મુજબ, આવા કેસોમાં રજિસ્ટ્રીમાં રહેલી ખામીઓ દૂર થયાના માત્ર ૨ કામકાજના દિવસોમાં જ કેસ આપોઆપ સુનાવણી માટે લિસ્ટ થઈ જશે. આ માટે કોઈએ કોઈની ભલામણ કે મૌખિક રજૂઆત કરવાની જરૂર રહેશે નહીં.
સીનિયર વકીલો હવે ‘કતાર તોડીને’ આગળ નહીં આવી શકે: સુપ્રીમ કોર્ટમાં અત્યાર સુધી એક એવી પ્રથા હતી કે મોટા અને નામી સીનિયર વકીલો સવારે કોર્ટ શરૂ થાય ત્યારે ચીફ જસ્ટિસ સમક્ષ હાજર થઈને પોતાના અસીલના કેસને તાત્કાલિક સાંભળવા માટે ‘મેન્શનિંગ’ કરતા હતા. આને કારણે ઘણીવાર સામાન્ય વકીલોના કેસો પાછળ રહી જતા હતા. સીજેઆઈ સૂર્યકાંતે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે હવે કોઈપણ સીનિયર એડવોકેટને કેસ મેન્શન કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ કામ હવે માત્ર જ્યુનિયર વકીલો જ કરી શકશે. આ નિર્ણયથી નવા અને યુવા વકીલોને પ્રોત્સાહન મળશે અને ‘ફેસ વેલ્યુ’ પર ચાલતી પ્રથા બંધ થશે.
અતિ ગંભીર કેસો માટે સવારે ૩૦ મિનિટનો સમય: જો કોઈ બાબત અત્યંત તાત્કાલિક હોય, જેમ કે ફાંસીની સજાનો અમલ અટકાવવો કે તાત્કાલિક ધરપકડનો ડર હોય, તો તેવા અપવાદરૂપ કિસ્સાઓ માટે સવારે ૧૦થી ૧૦:૩૦ વાગ્યા સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે. આ માટે પણ વકીલે એક નિર્ધારિત ફોર્મ ભરીને અને અરજન્સી (તાકીદ)નું કારણ દર્શાવતો પત્ર આપીને ‘મેન્શનિંગ ઓફિસર’નો સંપર્ક કરવાનો રહેશે. કોર્ટમાં અંધાધૂંધી ન થાય તે માટે આ વ્યવસ્થિત માળખું ઘડવામાં આવ્યું છે.
બહાનાબાજી બંધ: મુદત માંગવી હવે મુશ્કેલ: સુપ્રીમ કોર્ટમાં કેસ લંબાવવા માટે વકીલો દ્વારા વારંવાર મુદત (એડજર્નમેન્ટ) માંગવામાં આવતી હતી, જેના પર હવે કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે.
 * જૂના કેસોમાં હવે મુદત માંગતા પત્રો સ્વીકારવામાં આવશે નહીં.
 * જો કોઈ પક્ષકારને મુદત જોઈતી હોય, તો તેણે સામેના પક્ષની લેખિત સંમતિ લેવી પડશે.
 * માત્ર ગંભીર માંદગી અથવા પરિવારમાં મૃત્યુ જેવા અનિવાર્ય સંજોગોમાં જ કેસ મુલતવી રાખવામાં આવશે.
ન્યાયાધીશોની નિમણૂક પ્રક્રિયામાં પણ મોટા ફેરફારના સંકેત (એનજેએસી ની વાપસી?) એક તરફ કેસ લિસ્ટિંગમાં સુધારા થઈ રહ્યા છે, તો બીજી તરફ ચીફ જસ્ટિસ સૂર્યકાંતે ન્યાયાધીશોની નિમણૂક કરતી ‘કોલેજિયમ સિસ્ટમ’ને બદલવાના પણ સંકેત આપ્યા છે. બંધારણ દિવસના કાર્યક્રમ બાદ, જ્યારે એક વકીલે રાષ્ટ્રીય ન્યાયિક નિમણૂક આયોગ (એનજેએસી) ને ફરીથી લાગુ કરવા અને ૨૦૧૫ ના ચુકાદા પર ફેરવિચારણા કરવાની માંગ કરી, ત્યારે સીજેઆઈએ સકારાત્મક વલણ દાખવતા કહ્યું હતું કે, "હા, અમે તે બાબત જોઈશું." આ ટિપ્પણી ભવિષ્યમાં ન્યાયતંત્ર અને સરકાર વચ્ચેના સંબંધો અને જજોની નિમણૂક પ્રક્રિયામાં મોટા ફેરફારોનો નિર્દેશ કરે છે.
આમ, સીજેઆઈ સૂર્યકાંતના નેતૃત્વમાં સુપ્રીમ કોર્ટ હવે ‘તારીખ’ આપવાને બદલે ‘ન્યાય’ આપવાની દિશામાં ઝડપી પગલાં લઈ રહી છે. ૧ ડિસેમ્બરથી શરૂ થતી આ નવી વ્યવસ્થા લાખો પેન્ડિંગ કેસોના નિકાલમાં વેગ લાવશે તેવી આશા છે

(12:30 AM IST)