News of Sunday, 30th November 2025
શિવસેનાના કાર્યકર્તાઓ ઉપર ખોટી ફરિયાદ કે અન્યાય થયો તો અધિકારીઓએ સીધા મારી સામે આવવું પડશે: એકનાથ શિંદેની અધિકારીઓને ખુલ્લી ચેતવણી
શિંદેએ આક્રમક અંદાજમાં કહ્યું કે, "અધિકારીઓ કોઈ પણ ગેરકાયદેસર કામ ન કરે, ખોટી ફરિયાદો પર ધ્યાન ન આપે: જો કોઈ દબાણ લાવે તો ઝુકવાની જરૂર નથી: હું શાંત છું ત્યાં સુધી મને શાંત રહેવા દો: પણ જો કોઈ મને ઉશ્કેરશે તો હું તેને છોડીશ નહીં: દરેક ગતિવિધિ પર નજર રાખી રહ્યો છું

મુંબઈ: મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે ત્યારે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સાતારામાં એક જનસભાને સંબોધતા સરકારી અધિકારીઓને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો શિવસેનાના કાર્યકર્તાઓ વિરુદ્ધ ખોટી ફરિયાદો કે અન્યાય કરવામાં આવશે તો અધિકારીઓએ સીધો મારો સામનો કરવો પડશે. ભાજપ અને શિવસેના (શિંદે જૂથ) વચ્ચે ચાલી રહેલા આંતરિક ઘર્ષણ અને તાજેતરમાં નોંધાયેલા ગુનાઓને પગલે આ નિવેદન ખૂબ સૂચક માનવામાં આવે છે.
મહારાષ્ટ્રના સાતારા જિલ્લાના ફલટણમાં આયોજિત એક જાહેર સભામાં એકનાથ શિંદેએ આક્રમક અંદાજમાં અધિકારીઓને ટકોર કરી હતી. તેમણે કહ્યું હતું કે, "હું અધિકારીઓને કહેવા માંગુ છું કે કોઈ પણ ગેરકાયદેસર કામ ન કરે અને ખોટી ફરિયાદો પર ધ્યાન ન આપે. જો કોઈ તમારા પર દબાણ લાવે તો તેની સામે ઝુકવાની જરૂર નથી. હું શાંત છું ત્યાં સુધી મને શાંત રહેવા દો, હું કોઈને પજવતો નથી પણ જો કોઈ મને ઉશ્કેરશે તો હું તેને છોડીશ નહીં." શિંદેએ સ્પષ્ટ કર્યું કે તેઓ દરેક ગતિવિધિ પર નજર રાખી રહ્યા છે.
આ વિવાદનું મૂળ સિંધુદુર્ગની એક ઘટનામાં રહેલું છે. તાજેતરમાં શિંદે જૂથના ધારાસભ્ય નિલેશ રાણે વિરુદ્ધ પોલીસમાં ઘૂસણખોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રાણેએ એક ભાજપ સમર્થકના ઘરે 'દરોડો' પાડીને દાવો કર્યો હતો કે ત્યાં મતદારોને વહેંચવા માટે રોકડ ભરેલી થેલીઓ રાખવામાં આવી હતી.
આ ઘટના બાદ બંને પક્ષો વચ્ચે તણાવ વધ્યો છે. ખાસ કરીને થાણે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને બંને સહયોગી પક્ષો વચ્ચે અસંતોષની લાગણી જોવા મળી રહી છે, જે હવે જાહેરમાં આવી રહી છે.
(10:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
