<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th November 2025

દિલ્હી બ્લાસ્ટના તાર ઉત્તરાખંડ સુધી પહોંચ્યા: મધરાતે હલ્દવાનીથી બિલાલી મસ્જિદના ઈમામની અટકાયત: પૂછપરછ માટે પોલીસ તેને દિલ્હી લઈ ગઈ

દિલ્હી બ્લાસ્ટ કેસની તપાસ કરી રહેલી ટીમને આતંકવાદી ઉમર સાથે જોડાયેલા મોબાઈલ નંબરની કોલ ડિટેલ્સ તપાસતા હલ્દવાનીનું કનેક્શન મળ્યું હતું

દિલ્હી: લાલ કિલ્લા પાસે ૧૦ નવેમ્બરના રોજ થયેલા ભીષણ કાર બોમ્બ બ્લાસ્ટની તપાસ હવે ઉત્તરાખંડ સુધી લંબાઈ છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે શુક્રવારે મધરાતે હલ્દવાનીના અત્યંત સંવેદનશીલ ગણાતા બનભૂલપુરા વિસ્તારમાં દરોડા પાડીને બિલાલી મસ્જિદના ઈમામને અટકાયતમાં લીધેલ છે. આતંકવાદી ઉમર સાથેના મોબાઈલ કોલ ડિટેલ્સના કનેક્શનને આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે.

મળતી વિગતો મુજબ, દિલ્હી બ્લાસ્ટ કેસની તપાસ કરી રહેલી ટીમને આતંકવાદી ઉમર સાથે જોડાયેલા મોબાઈલ નંબરની કોલ ડિટેલ્સ તપાસતા હલ્દવાનીનું કનેક્શન મળ્યું હતું. જેના આધારે દિલ્હી પોલીસ અને સ્થાનિક એલઆઈયુની ટીમે શુક્રવારે રાત્રે ૨:૩૦ વાગ્યે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. વિસ્તારની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને એસપી સિટી મનોજ કુમાર અને અન્ય ઉચ્ચ અધિકારીઓ સહિત લાલકુઆં, કાલાઢૂંગી, હલ્દવાની અને મુખાની પોલીસ સ્ટેશનનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. અચાનક પોલીસનો કાફલો જોઈને સ્થાનિકોમાં પણ ફફડાટ ફેલાયો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ૧૦ નવેમ્બરના રોજ દિલ્હીમાં થયેલા આ આતંકી હુમલામાં ૧૩ લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. એનઆઈએ દ્વારા ધરપકડ કરાયેલા મુખ્ય આરોપી આમિર રાશિદ અલીની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે તેણે આત્મઘાતી હુમલાખોર ડો. ઉમર નબીને આશરો આપ્યો હતો અને લોજિસ્ટિક મદદ પૂરી પાડી હતી. 

હવે હલ્દવાનીથી અટકાયતમાં લેવાયેલા ઈમામની પૂછપરછ માટે પોલીસ તેને દિલ્હી લઈ ગઈ છે, જ્યાં આ ષડયંત્રના વધુ તાર ખૂલવાની શક્યતા છે.

(10:13 AM IST)