<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th November 2025

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવાર પર કાયદાકીય સકંજો કસયો: સોનિયા અને રાહુલ ગાંધી સામે ગુનાહિત કાવતરાની નવી એફઆઇઆર દાખલ

દિલ્હી પોલીસની ઈકોનોમિક ઓફેન્સીસ વિંગે નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિત કુલ ૮ લોકો સામે ગુનાહિત કાવતરાનો નવો કેસ નોંધ્યો:યંગ ઈન્ડિયન દ્વારા એસોસિયેટ જર્નલ્સ લિમિટેડના અધિગ્રહણમાં છેતરપિંડી આચર્યાનો અને કરોડોની સંપત્તિ હડપ કરવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે: રાજકીય વર્તુળોમાં ગરમાવો

નવી દિલ્હી: કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મુશ્કેલીઓમાં આજે મોટો વધારો થયો છે. ચકચાર જગાડનારા નેશનલ હેરાલ્ડ કેસમાં દિલ્હી પોલીસની આર્થિક ગુના નિવારણ શાખા (ઈઓડબલયુ) એ એક મોટી કાર્યવાહી કરતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ નવી એફ આઈ આર દાખલ કરી છે. આ ફરિયાદમાં તેમની સાથે સમ પિત્રોડા સહિત અન્ય ૬ લોકોના નામ પણ સામેલ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આ તમામ આરોપીઓ પર ગુનાહિત કાવતરું ઘડવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે.

આ સમગ્ર મામલો નેશનલ હેરાલ્ડ અખબારની માલિકી ધરાવતી કંપની 'એસોસિયેટ જર્નલ્સ લિમિટેડ' ના અધિગ્રહણ સાથે જોડાયેલો છે. 

પોલીસ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, આરોપીઓએ એક સુનિયોજિત કાવતરાના ભાગરૂપે યંગ ઈન્ડિયન પ્રાઈવેટ લિમિટેડ મારફતે એસોસિયેટ જર્નલ્સ લિમિટેડનું અધિગ્રહણ કર્યું હતું. આરોપ છે કે આ પ્રક્રિયામાં છેતરપિંડી આચરવામાં આવી હતી અને નિયમોનું ઉલ્લંઘન કરીને સંપત્તિ ટ્રાન્સફર કરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ, યંગ ઈન્ડિયન કંપનીમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સંયુક્ત રીતે ૭૬% હિસ્સેદારી ધરાવે છે. તપાસ એજન્સીઓનું માનવું છે કે હવે બંધ થઈ ગયેલા નેશનલ હેરાલ્ડ અખબારની કરોડો રૂપિયાની કિંમતી જમીન અને મિલકતો પર કબજો મેળવવા માટે આ કંપનીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અગાઉ પણ આ કેસમાં ઈડી દ્વારા તપાસ કરવામાં આવી હતી અને પૂછપરછનો લાંબો દોર ચાલ્યો હતો, પરંતુ હવે દિલ્હી પોલીસે ફોજદારી રાહે નવી ફરિયાદ નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ કેસમાં કોંગ્રેસ નેતૃત્વ હંમેશા દાવો કરતું આવ્યું છે કે આ રાજકીય કિન્નાખોરીનો ભાગ છે, પરંતુ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી આ નવી એફઆઇઆર એ સ્પષ્ટ સંકેત આપે છે કે આગામી દિવસોમાં ગાંધી પરિવાર માટે કાનૂની લડાઈ વધુ મુશ્કેલ બની શકે છે. 

દિલ્હી પોલીસ હવે આ કેસમાં આગળની તપાસ હાથ ધરશે અને ટૂંક સમયમાં આરોપીઓને પૂછપરછ માટે સમન્સ પાઠવે તેવી શક્યતા છે.

 

(10:33 AM IST)