<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th November 2025

જાપાનના બંધારણ મુજબ લગ્ન માત્ર સ્ત્રી અને પુરુષ વચ્ચે જ શક્ય: જાપાનની કોર્ટનો સમલૈંગિક - "ગે" લગ્નને માન્યતા આપવાનો ઈનકાર

જાપાન જી-૭ દેશોના સમૂહમાં એકમાત્ર એવો દેશ છે કે જેણે હજુ સુધી સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપી નથી

જાપાનની એક અદાલતે સમલૈંગિક લગ્નને કાયદેસરની માન્યતા આપવાની માંગ કરતા યુગલોને મોટો આંચકો આપ્યો છે. કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે દેશના બંધારણ મુજબ લગ્ન એ માત્ર વિજાતીય એટલે કે સ્ત્રી અને પુરુષ વચ્ચેનું જ જોડાણ છે, જેના કારણે સમલૈંગિક લગ્નને બંધારણીય અધિકાર તરીકે સ્વીકારી શકાય નહીં.

 

ટોક્યો હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા આ ચુકાદાએ જાપાનમાં સમાનતાના અધિકારો માટે લડતા કાર્યકરોને નિરાશ કર્યા છે. અરજદારોની દલીલ હતી કે લગ્ન માટે લિંગભેદ રાખવો એ માનવ અધિકારોનું ઉલ્લંઘન છે.

 

જોકે, કોર્ટે બંધારણની કલમ ૨૪ નો હવાલો આપ્યો હતો, જે સ્પષ્ટ કરે છે કે લગ્ન માટે બંને લિંગની પરસ્પર સંમતિ જરૂરી છે.

 

નોંધનીય છે કે જાપાન જી-૭ દેશોના સમૂહમાં એકમાત્ર એવો દેશ છે કે જેણે હજુ સુધી સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપી નથી. જોકે, તાજેતરના વર્ષોમાં ત્યાંની કેટલીક સ્થાનિક અદાલતોએ આ પ્રતિબંધને ગેરબંધારણીય ગણાવ્યો હતો, પરંતુ હાઈકોર્ટના આ તાજા વલણને કારણે આ મુદ્દો ફરી કાયદાકીય ગૂંચવાડામાં ફસાયો છે.

(12:55 PM IST)