<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th November 2025

ઉત્તર ભારત કાતિલ ઠંડીના સકંજામાં: કાશ્મીરમાં પારો ગગડીને માઈનસ -૬ ડિગ્રીએ પહોંચ્યો, હવામાન વિભાગનું 'કોલ્ડ વેવ' એલર્ટ

કાશ્મીરથી લઈને રાજસ્થાન સુધીના રાજ્યોમાં તાપમાન ઝડપથી નીચે ગયું પહાડો પરથી આવતા ઠંડા પવનોને કારણે પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનમાં કોલ્ડ વેવ

 આગાહી છે કે આગામી ૪ થી ૫ દિવસ સુધી ઉત્તર અને મધ્ય ભારતના રાજ્યોમાં તીવ્ર ઠંડીનું મોજું ફરી વળશે: સવારના સમયે ગાઢ ધુમ્મસ રહેવાની પણ શક્યતા

સમગ્ર ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. કાશ્મીર ખીણમાં તાપમાનનો પારો ગગડીને માઇનસ ૬ ડિગ્રી સુધી પહોંચી જતાં જનજીવન પ્રભાવિત થયું છે.

 

હવામાન વિભાગે આગામી દિવસોમાં ઠંડીનું જોર વધવાની અને ગાઢ ધુમ્મસ છવાવાની ચેતવણી આપી છે.

 

ડિસેમ્બરની શરૂઆત થતાની સાથે જ પહાડી વિસ્તારોમાં થયેલી હિમવર્ષાની સીધી અસર મેદાની પ્રદેશો પર જોવા મળી રહી છે. કાશ્મીરથી લઈને રાજસ્થાન સુધીના રાજ્યોમાં તાપમાન ઝડપથી નીચે ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કાશ્મીરમાં લઘુત્તમ તાપમાન -૬ ડિગ્રી નોંધાયું છે, જેના કારણે દલ સરોવર સહિતના જળાશયો થીજી જવાની શરૂઆત થઈ ગઈ છે. પહાડો પરથી આવતા ઠંડા પવનોને કારણે પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનમાં શીતલહેર (કોલ્ડ વેવ) ફરી વળી છે.

 

હવામાન વિભાગે (આઈ એમ ડી) આગાહી કરી છે કે આગામી ૪ થી ૫ દિવસ સુધી ઉત્તર અને મધ્ય ભારતના રાજ્યોમાં તીવ્ર ઠંડીનું મોજું ફરી વળશે. આ ઉપરાંત સવારના સમયે ગાઢ ધુમ્મસ રહેવાની પણ શક્યતા છે, જેના કારણે વાહન વ્યવહાર અને ટ્રેન વ્યવહાર પર અસર પડી શકે છે.

 

ઠંડીના કારણે લોકો દિવસે પણ તાપણાનો સહારો લેવા મજબૂર બન્યા છે. ગુજરાતમાં પણ આ શીતલહેરની અસર વર્તાવાની શરૂઆત થઈ ગઈ છે અને રાત્રિના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. તંત્ર દ્વારા લોકોને ઠંડીથી બચવા ગરમ કપડાં પહેરવા અને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.

(12:59 PM IST)