<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th November 2025

કાયદાકીય દાવપેચ: સલમાન ખાનનો કોર્ટમાં મોટો બચાવ, "મેં પાનમસાલા નહીં, માત્ર સિલ્વર-કોટેડ ઇલાયચીનું પ્રમોશન કર્યું છે"

કોટાના BJP નેતાની ફરિયાદ પર વિવાદ વકર્યો; સલમાનના વકીલની દલીલ - અભિનેતા ઉત્પાદક કે સેવા પ્રદાતા નથી, ફરિયાદ માત્ર 'બિનજરૂરી સતામણી'.

કોટા : બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાન સામે પાનમસાલા કંપનીની જાહેરાત કરવા બદલ કોટાના એક વકીલ અને ભારતીય જનતા પક્ષ (BJP)ના નેતા દ્વારા કરાયેલી ફરિયાદ પર ચાલી રહેલી કાનૂની લડાઈમાં હવે એક મોટો વળાંક આવ્યો છે. ફરિયાદીએ દાવો કર્યો હતો કે સલમાન દ્વારા પ્રમોટ કરાયેલી પ્રોડક્ટમાં રૂ.5ના પાઉચમાં અસલી કેસર હોવાનો દાવો ભ્રામક છે. આ વિવાદના જવાબમાં, સલમાન ખાને કોર્ટમાં પોતાનો મજબૂત બચાવ રજૂ કર્યો છે. સલમાનના વકીલે કોર્ટમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે, સલમાને ક્યારેય પાનમસાલાની જાહેરાત કરી નથી, તેણે માત્ર "સિલ્વર-કોટેડ ઇલાયચી" નું પ્રમોશન જ કર્યું છે.

સલમાનના વકીલે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે સિલ્વર-કોટેડ ઇલાયચી કાનૂની રીતે પાનમસાલાની શ્રેણીમાં આવતું નથી, જેના કારણે અભિનેતા પર લગાવવામાં આવેલા આરોપો પાયા વગરના છે. વકીલે આ ફરિયાદને 'બિનજરૂરી સતામણી' ગણાવી હતી, જે માત્ર પ્રચાર મેળવવાના હેતુથી કરવામાં આવી છે. આ કાયદાકીય દાવપેચ દ્વારા સલમાન ખાનની કાનૂની ટીમ જાહેરાતની વસ્તુની કેટેગરી બદલીને સમગ્ર મામલાને ગ્રાહક કમિશનના અધિકારક્ષેત્રમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છે.

વકીલે એવી પણ મહત્ત્વની દલીલ રજૂ કરી હતી કે કન્ઝ્યુમર કમિશન પાસે આ મામલે કાર્યવાહી કરવાનો અધિકાર જ નથી. તેમના જણાવ્યા મુજબ, સલમાન ખાન ન તો આ ઉત્પાદનનો ઉત્પાદક છે કે ન તો તે કોઈ સેવા પ્રદાન કરે છે, તેથી તેને આ કેસમાં 'પાર્ટી' બનાવવા માટે કોઈ કાનૂની આધાર રહેતો નથી. આ દલીલ કાયદાકીય રીતે સલમાનને આ વિવાદમાંથી દૂર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. વકીલના મતે, કન્ઝ્રૂ.યુમર કમિશન તરફથી લેવાયેલું પગલું તેમના કાનૂની અધિકારક્ષેત્રની બહાર છે.

હવે કોર્ટમાં સલમાન ખાનના વકીલ દ્વારા રજૂ કરાયેલી આ દલીલ કે તેમણે માત્ર ઇલાયચીનું જ પ્રમોશન કર્યું છે, તે કેસની દિશા બદલી શકે છે. આ મામલે હવે કન્ઝ્યુમર કમિશનનો નિર્ણય શું આવે છે, તેના પર સૌની નજર ટકેલી છે. આ સમગ્ર ઘટના કલાકારો દ્વારા કરવામાં આવતી જાહેરાતોની નૈતિકતા અને કાનૂની જવાબદારીઓ પર ફરી એકવાર ગંભીર સવાલો ઊભા કરે છે.

(3:30 PM IST)