<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th November 2025

ઉત્તર પ્રદેશમાં ચૂંટણી કામગીરીના 'ટાર્ગેટ'ના પ્રેશરમાં વધુ એક બીએલઓ શિક્ષકે જીવ દીધો: સુસાઈડ નોટમાં લખ્યું - 'સાહેબ, માફ કરજો... રાત-દિવસ મહેનત છતાં હું ટાર્ગેટ પૂરો ન કરી શક્યો'

ત્રણ પાનાની હચમચાવી દેતી સુસાઈડ નોટ: જેમાં અધિકારીઓના દબાણ અને રાત-દિવસની મહેનત છતાં કામ પૂરું ન થવાની લાચારી વ્યક્ત કરી: એક હસતા-રમતા શિક્ષક અને ૪ દીકરીઓના પિતાએ માત્ર 'કામના ભારણ'ને કારણે જીવ ગુમાવ્યો: આ ઘટનાએ સમાજને હચમચાવી દીધો

લોકશાહીના મહાપર્વ ગણાતી ચૂંટણીની કામગીરી પાછળ એક શિક્ષકની જિંદગી હોમાઈ ગઈ છે. ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં 'સ્પેશિયલ ઇલેકટોરલ રોલ રિવિઝન' (એસઆઈઆર)ની કામગીરીના અસહ્ય દબાણને કારણે ૪૫ વર્ષીય શિક્ષક અને બીએલઓ સર્વેશ સિંહે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. મૃતકે ત્રણ પાનાની હચમચાવી દેતી સુસાઈડ નોટ લખી છે જેમાં તેમણે અધિકારીઓના દબાણ અને રાત-દિવસની મહેનત છતાં કામ પૂરું ન થવાની લાચારી વ્યક્ત કરી છે. ચાર દીકરીઓના પિતાના આ પગલાંએ વહીવટી તંત્ર અને સરકાર સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.

ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેણે સરકારી તંત્રની કાર્યશૈલી અને કર્મચારીઓ પરના કામના ભારણને ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધું છે. અહીંના ભગતપુર બ્લોકની સેહલ જાહિદપુર કમ્પોઝિટ સ્કૂલમાં ફરજ બજાવતા સહાયક શિક્ષક સર્વેશ સિંહને ચૂંટણી પંચ દ્વારા બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) તરીકેની કામગીરી સોંપવામાં આવી હતી. રવિવારે સવારે તેમણે પોતાના ઘરમાં જ ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું.

પોલીસને મૃતક શિક્ષકના ખિસ્સામાંથી ત્રણ પાનાની અત્યંત ભાવુક સુસાઈડ નોટ મળી આવી છે. આ ચિઠ્ઠી તેમણે જિલ્લા બેઝિક શિક્ષણાધિકારી (બીએસએ) અને જિલ્લા ચૂંટણી અધિકારીને સંબોધીને લખી છે. સુસાઈડ નોટમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે, "હું માનસિક સંતુલન ગુમાવી બેઠો છું. રાત-દિવસ સખત મહેનત કરવા છતાં એસઆઈઆર (મતદાર યાદી સુધારણા)નો ટાર્ગેટ પૂરો કરી શકતો નથી. છેલ્લા ઘણા સમયથી રાત્રે માંડ 2 થી 3 કલાક જ ઊંઘી શકું છું. કામનું ટેન્શન અને અધિકારીઓનું દબાણ હવે સહન થતું નથી."

પોતાની મજબૂરી વર્ણવતા સર્વેશ સિંહે આગળ લખ્યું છે કે, "મારી ચાર દીકરીઓ છે, જેમાંથી બે નાની દીકરીઓ છેલ્લા ઘણા દિવસોથી બીમાર છે, છતાં હું તેમનું ધ્યાન રાખી શકતો નથી. હું ખૂબ જ પરેશાન છું અને એટલે જ આત્મઘાતી પગલું ભરવા મજબૂર બન્યો છું. મારા આ પગલાં માટે મારા પરિવારને કોઈ દોષ દેવો નહીં, તેમણે તો હંમેશા મારો હોંસલો વધાર્યો છે. સાહેબ, મને માફ કરજો અને મારા ગયા પછી મારા બાળકોને ખૂબ પ્રેમ આપજો."

આ ઘટના બાદ ઉત્તર પ્રદેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) અને સમાજવાદી પાર્ટીએ આ ઘટનાને લઈને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ટ્વીટ કરીને કહ્યું છે કે, "ચૂંટણી કામગીરીના નામે ભાજપ સરકારે શિક્ષકોને માનસિક રીતે ટોર્ચર કર્યા છે. આ આત્મહત્યા નથી પણ વહીવટી તંત્ર દ્વારા કરાયેલી હત્યા છે." વિપક્ષે મૃતક શિક્ષકના પરિવારને 1 કરોડ રૂપિયાનું વળતર અને પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાની માંગ કરી છે.

શિક્ષક સંઘોમાં પણ આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. શિક્ષકોનું કહેવું છે કે તેમની પાસે શિક્ષણ સિવાયના પણ અનેક સરકારી કામો કરાવવામાં આવે છે અને ઉપરથી અધિકારીઓ ટાર્ગેટ પૂરો કરવા માટે અપમાનિત કરે છે. સર્વેશ સિંહની વાત કરીએ તો તેઓ 7 ઓક્ટોબરથી બૂથ નંબર 406 પર બીએલઓ તરીકે નિમાયા હતા. વિસ્તાર મોટો હોવાને કારણે અને એપમાં ટેકનિકલ ખામીઓને કારણે તેઓ સમયસર ડેટા ફીડ કરી શકતા ન હતા, જેના કારણે તેમને સતત નોટિસ અને ઠપકાનો સામનો કરવો પડી રહ્યો હતો.

હાલમાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને સુસાઈડ નોટના આધારે તપાસ શરૂ કરી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ અનુજ કુમાર સિંહે જણાવ્યું હતું કે મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવશે. જોકે, એક હસતા-રમતા શિક્ષક અને ચાર દીકરીઓના પિતાએ માત્ર 'કામના ભારણ'ને કારણે જીવ ગુમાવવો પડ્યો, તે ઘટનાએ સમાજને હચમચાવી દીધો છે.

(3:34 PM IST)