હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગાઝામાં માનવ સંકટ યથાવત્: 70 હજારથી વધુ મોત છતાં ઇઝરાયલના હુમલા ચાલુ, શું યુદ્ધવિરામ તૂટશે?
10મી ઓક્ટોબરથી લાગુ થયેલા શાંતિ કરાર પર ગંભીર સવાલ; રફાહમાં 9 હમાસ લડાકુઓ ઠાર, કાટમાળ નીચેથી મૃતદેહો મળવાનો સિલસિલો ચાલુ.

ગાઝા પટ્ટી / રફાહ: ગાઝા પટ્ટીમાં 10મી ઓક્ટોબરથી યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની શાંતિ યોજના હેઠળ ભલે યુદ્ધવિરામ અમલમાં હોય, પરંતુ જમીની સ્તરે પેલેસ્ટિનિયનોના મોતનો સિલસિલો યથાવત્ રહ્યો છે, જેના કારણે માનવતાવાદી સંકટ વધુ ઘેરાયું છે. ગાઝા આરોગ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલા નિવેદન મુજબ, યુદ્ધમાં મૃત્યુઆંક હવે ભયાનક સ્તરે પહોંચીને 70,100 થઈ ગયો છે. યુદ્ધવિરામ લાગુ થયા બાદ પણ ઇઝરાયલી કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 354 પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે, જે યુદ્ધવિરામની અસરકારકતા પર ગંભીર સવાલો ઊભા કરે છે.
શનિવારે (29મી નવેમ્બર) રફાહ વિસ્તારમાં થયેલી કાર્યવાહીમાં ઇઝરાયલની સેનાએ હમાસના નવ લડાકુઓને ઠાર માર્યા હતા, જ્યારે અન્ય સ્થળોએ થયેલા ગોળીબારમાં નિર્દોષ બે બાળકો પણ માર્યા ગયા હતા. આ ઉપરાંત, બોમ્બથી નષ્ટ થયેલી ઇમારતોના કાટમાળમાંથી પણ અનેક મૃતદેહો મળી આવ્યા છે. છેલ્લા 48 કલાકમાં ગાઝા પટ્ટીની હોસ્પિટલોમાં બે મૃતદેહો આવ્યા છે, જેમાંથી એક કાટમાળ નીચેથી મળી આવ્યો છે. યુદ્ધવિરામ હોવા છતાં, કાટમાળ નીચેથી મૃતદેહોની શોધ ચાલુ છે અને પેલેસ્ટિનિયનમાં માનવતાવાદી સંકટ ઊભું થયું છે.
આ યુદ્ધની શરૂઆત 7મી ઓક્ટોબર, 2023ના રોજ હમાસે ઇઝરાયલ પર કરેલા હુમલાથી થઈ હતી, જેમાં 1,221 ઇઝરાયલી નાગરિકો માર્યા ગયા હતા. ત્યારથી લઈને અત્યાર સુધીમાં બંધકોની મુક્તિ માટે યુદ્ધવિરામનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હમાસે અત્યાર સુધીમાં તમામ જીવિત બંધકોને મુક્ત કર્યા છે અને 26 મૃત બંધકોના અવશેષો પરત કર્યા છે. બદલામાં, ઇઝરાયલે તેની કસ્ટડીમાં રહેલા આશરે 2,000 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કર્યા છે.
જોકે, વર્તમાન પરિસ્થિતિ જોતાં, જ્યાં નાગરિકોના મોતનો સિલસિલો યથાવત્ છે, ત્યાં 10મી ઓક્ટોબરના રોજ લાગુ કરવામાં આવેલો આ યુદ્ધવિરામ કેટલો સમય ટકશે તે એક મોટો પ્રશ્ન બની ગયો છે. આંતરરાષ્ટ્રીય સમુદાય અને યુનાઇટેડ સ્ટેટ્સની ભૂમિકા આ યુદ્ધવિરામને જાળવી રાખવા અને ગાઝામાં શાંતિ સ્થાપવા માટે હવે નિર્ણાયક બની રહેશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
