<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th November 2025

ભારતમાં ઈલોન મસ્કની 'સ્ટારલિંક'ની એન્ટ્રીની તૈયારી: ૩૩,૦૦૦ રૂપિયામાં કિટ અને દર મહિને ૩,૦૦૦નું રિચાર્જ, ગામડાઓમાં હાઈસ્પીડ નેટ દોડશે: બે મહિનામાં સેવા શરૂ થવાની શક્યતા: ગ્રાહકોને ૧ મહિનો ફ્રી ટ્રાયલ મળશે

લાંબા સમયની રાહ જોયા બાદ આખરે ઈલોન મસ્કની કંપની સ્ટારલિંકને ભારત સરકારના ટેલિકોમ મંત્રાલય તરફથી લાયસન્સ મળી ગયું છે: સ્ટારલિંકનું ફોકસ ભારતના એવા દુર્ગમ અને ગ્રામીણ વિસ્તારો પર રહેશે જ્યાં પરંપરાગત બ્રોડબેન્ડ કે ફાઈબર લાઈન પહોંચવી મુશ્કેલ છે

વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્કની કંપની 'સ્ટારલિંક' ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા શરૂ કરવા જઈ રહી છે. કંપનીએ ભારતીય બજાર માટે ભાવ નક્કી કરી લીધા છે, જે મુજબ ગ્રાહકે ડીશ અને સાધનો માટે અંદાજે ૩૩,૦૦૦ રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે અનલિમિટેડ ડેટા માટે માસિક ૩,૦૦૦ રૂપિયાનો ખર્ચ થશે.

લાંબા સમયની રાહ જોયા બાદ આખરે ઈલોન મસ્કની કંપની સ્ટારલિંકને ભારત સરકારના ટેલિકોમ મંત્રાલય તરફથી લાયસન્સ મળી ગયું છે. કંપની આગામી ૨ મહિનામાં ભારતમાં પોતાની સેવાઓ શરૂ કરી શકે છે. સ્ટારલિંકનું ફોકસ ભારતના એવા દુર્ગમ અને ગ્રામીણ વિસ્તારો પર રહેશે જ્યાં પરંપરાગત બ્રોડબેન્ડ કે ફાઈબર લાઈન પહોંચવી મુશ્કેલ છે.

 

કંપનીએ જે ભાવ નક્કી કર્યા છે તે તેના પાડોશી દેશોની સ્ટ્રેટેજી મુજબ જ છે. બાંગ્લાદેશ અને ભૂતાનમાં પણ સ્ટારલિંક કિટની કિંમત ૩૩,૦૦૦ રૂપિયાની આસપાસ છે. ખાસ વાત એ છે કે, જે ગ્રાહકો આ કિટ ખરીદશે તેમને કંપની ૧ મહિનો મફત સેવા (ફ્રી ટ્રાયલ) આપશે, જેથી તેઓ સેવાની ગુણવત્તા ચકાસી શકે. 

 

ભારતમાં ડિજિટલ સેવાઓનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે સ્ટારલિંકનું આગમન ઈન્ટરનેટ ક્રાંતિમાં નવો અધ્યાય ઉમેરશે. ટ્રાઈ દ્વારા સેટેલાઇટ સ્પેક્ટ્રમ માટેના નિયમો ઘડાયા બાદ આ પ્રક્રિયા વેગીલી બની છે.

(5:30 PM IST)