<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th November 2025

જૂનાગઢની ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા અનોખી સિદ્ધિ : સવારે PHD પ્રવેશ પરીક્ષા યોજાઈ અને સાંજે જ પરિણામ જાહેર કરીને કિર્તીમાન સ્થાપિત

કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણના સક્ષમ નેતૃત્વ હેઠળ યુનિવર્સિટીની માઈક્રોપ્લાનિંગ ટીમ રંગ લાવી : સમગ્ર ગુજરાતમાંથી ૨૨ વિષયોમાં ૬૭૩ વિદ્યાર્થીઓ નોંધાયા, જેમાંથી ૫૨૫ પરીક્ષામાં હાજર રહ્યા : વિદ્યાર્થીઓને OMR શીટ પણ ઓનલાઈન જોઈ શકવાની નિષ્પક્ષ અને પારદર્શક વ્યવસ્થા

રાજકોટ : ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી (BKNMU), જૂનાગઢ દ્વારા આજે તા. ૩૦ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ પીએચ.ડી. પ્રવેશ પરીક્ષા (P.E.T. – 2025) સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવી હતી, અને યુનિવર્સિટીએ આ જ દિવસે સાંજે પ્રોવિઝનલ રિઝલ્ટ જાહેર કરીને એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. પરીક્ષાના દિવસે જ પરિણામ જાહેર થતાં સમગ્ર ગુજરાતમાંથી આવેલા વિદ્યાર્થીઓ ખુશખુશાલ થઈ ગયા હતા.
પારદર્શકતા અને વિદ્યાર્થીલક્ષી અભિગમ
યુનિવર્સિટી દ્વારા અપનાવવામાં આવેલી નિષ્પક્ષ અને પારદર્શક વ્યવસ્થાને કારણે વિદ્યાર્થીઓને તેમના જવાબોની OMR શીટ પણ સોફ્ટકોપીમાં ઓનલાઈન જોવાની સુવિધા પૂરી પાડવામાં આવી છે.
 * ગ્રીવન્સીઝનો સમય: પરિણામ બાબતે કોઈ વિદ્યાર્થીને વાંધા-તકરાર (ગ્રીવન્સીઝ) હોય તો તેના માટે રજૂઆત કરવા એક દિવસનો સમય આપવામાં આવ્યો છે. આવતીકાલે સાંજે ફાઇનલ રિઝલ્ટ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર મૂકી દેવામાં આવશે.
 * પરીક્ષાની વિગતો: સાયન્સ, કોમર્સ, આર્ટસ સહિતની ફેકલ્ટીનાં વિવિધ ૨૨ જેટલા વિષયોમાં સમગ્ર ગુજરાતમાંથી કુલ ૬૭૩ વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી ૫૨૫ વિદ્યાર્થીઓ સવારે ૧૧ વાગ્યાથી બપોરે ૧ વાગ્યા દરમ્યાન યોજાયેલી પરીક્ષામાં હાજર રહ્યા હતા.
કુલપતિના સક્ષમ નેતૃત્વની સફળતા
યુનિવર્સિટીના બાહોશ અને દીર્ધદ્રષ્ટા કુલપતિ પ્રો. (ડૉ.) પ્રતાપસિંહ ચૌહાણના માઇક્રો પ્લાનિંગ સાથેના સક્ષમ નેતૃત્વ હેઠળ આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. પ્રો. ચૌહાણે પરીક્ષા દરમિયાન દરેક વર્ગમાં રૂબરૂ મુલાકાત લઈને વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવીને સકારાત્મક માહોલ ઊભો કર્યો હતો અને ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રો. ચૌહાણે ત્રીજા કાયમી કુલપતિ તરીકે ચાર્જ સંભાળ્યાના માત્ર સાડા પાંચ મહિનાના ટૂંકાગાળામાં યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીલક્ષી, શિક્ષણલક્ષી, સમાજલક્ષી અને સંશોધનલક્ષી પ્રવૃત્તિઓને સતત વેગ મળી રહ્યો છે અને નવા-નવા કિર્તીમાનો સ્થાપિત થઈ રહ્યા છે. આ સફળતા પાછળ કુલસચિવ ડૉ. આર. જી. પરમાર, નાણાં અધિકારી ડૉ. કિર્તીબા વાઘેલા, પૂર્વ કુલપતિ પ્રો. ચેતન ત્રિવેદી, પરીક્ષા નિયામક ડૉ. ડી. એચ. સુખડીયા, આસીસ્ટન્ટ રજીસ્ટ્રાર ડૉ. મયંક સોની, પીએચ.ડી. પ્રવેશ પરીક્ષા કો-ઓર્ડિનેટર ડૉ. ઓમ જોષી સહિત સમગ્ર ટીમ બી.કે.એન.એમ.યુ.ની જહેમત રંગ લાવી છે.

 

(6:25 PM IST)