ડ્રેગન પર સંકટ: ચીનની ફેક્ટરી પ્રવૃત્તિ સતત ૮મા મહિને ધીમી! સરકાર શું પગલાં લેશે?: ચીન માટે આ આર્થિક સંકટ બહુવિધ પરિબળોને કારણે વધુ જટિલ બન્યું
PMI ડેટા ૫૦થી નીચે રહેતાં મેન્યુફેક્ચરિંગમાં સંકોચન, સેવા ક્ષેત્ર પણ મંદીમાં: વૈશ્વિક મંદી, રિયલ એસ્ટેટ સંકટ અને યુએસ-ચીન તણાવે ચિંતા વધારી

બેઇજિંગ: વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ચીન માટે ચિંતાજનક સમાચાર છે. દેશમાં ફેક્ટરી પ્રવૃત્તિ સતત આઠમા મહિને ધીમી પડી છે, જે ચીનના રાષ્ટ્રીય આંકડા બ્યુરોના દ્વારા જાહેર કરાયેલા PMI ડેટામાં જોવા મળે છે. નવેમ્બરમાં મેન્યુફેક્ચરિંગ PMI ઓક્ટોબરમાં ૪૯.૦ થી વધીને ૪૯.૨ થયો હોવા છતાં, તે હજુ પણ ૫૦ ની નીચે રહ્યો છે, જે ક્ષેત્રીય પ્રવૃત્તિમાં સંકોચન દર્શાવે છે (૫૦ થી ઉપરનો આંકડો વૃદ્ધિ સૂચવે છે. આ મંદીમાં હવે ચીનનું સેવા ક્ષેત્ર પણ જોડાયું હોવાનું જાણવા મળ્યું છે.
ચીન માટે આ આર્થિક સંકટ બહુવિધ પરિબળોને કારણે વધુ જટિલ બની ગયું છે. વૈશ્વિક મંદી, ચીનમાં લાંબા સમયથી ચાલી રહેલું રિયલ એસ્ટેટ સંકટ અને સ્થાનિક સરકારો પર વધતો દેવાનો બોજ મુખ્ય કારણો છે, જેના કારણે સ્થાનિક માંગને વેગ આપવાનું મુશ્કેલ બની રહ્યું છે. આ ઉપરાંત, યુનાઇટેડ સ્ટેટ્સ સાથેના સતત વેપાર તણાવ અને વ્યવસાયો પર વધતા દબાણને કારણે COVID-19 પછીની આર્થિક પુનઃપ્રાપ્તિ ટકાવી રાખવામાં નીતિ નિર્માતાઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
નવીનતમ PMI ડેટાએ ચીનના નીતિ નિર્માતાઓ સમક્ષ એક મોટી મૂંઝવણ ઊભી કરી છે: શું તેમણે અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે સખત માળખાકીય સુધારાઓ કરવા જોઈએ, કે પછી સ્થાનિક માંગ વધારવા માટે વધુ નાણાકીય પ્રોત્સાહનો આપવા જોઈએ. જોકે નવેમ્બરમાં ઉત્પાદન ક્ષેત્ર મંદીમાં રહ્યું, ગ્લોબલ બ્રોકરેજ ગોલ્ડમેન સૅક્સના અર્થશાસ્ત્રીઓએ સંકેત આપ્યો છે કે શી જિનપિંગ સરકાર કદાચ પ્રથમ ત્રિમાસિક ગાળા સુધી મુખ્ય નીતિ સહાયને રોકી શકે છે. આનું કારણ એ છે કે ચીની સરકારે ૨૦૨૫ માટે લગભગ ૫% વૃદ્ધિ લક્ષ્ય નક્કી કર્યું છે, જે વર્તમાન સંજોગોમાં પ્રાપ્ત કરી શકાય તેવું લાગે છે.
આ આંકડાઓ પુષ્ટિ કરે છે કે ચીનનું અર્થતંત્ર ધીમું પડી રહ્યું છે, અને નીતિ નિર્માતાઓએ આર્થિક સુધારાની જરૂરિયાત પર નવું ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. નાની ઉત્પાદન કંપનીઓ માટે PMI માં થોડો વધારો જોવા મળ્યો છે (૪૯.૧), જે છ મહિનાની ઊંચી સપાટી છે, પરંતુ એકંદરે ચિત્ર સંકોચનનું જ છે. હવે જોવાનું એ રહે છે કે ચીનની સરકાર સ્થાનિક માંગ વધારવા અને વૈશ્વિક માંગના ઘટાડાની અસરોને દૂર કરવા માટે કેવા કડક નિર્ણયો લે છે, જેથી વૈશ્વિક અર્થતંત્ર પર તેની નકારાત્મક અસર ઓછી થઈ શકે.?









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
