હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વાવાઝોડું ‘દિત્વાહ’ અત્યારે રાત્રે ઢીલું પડ્યું: ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું: તમિલનાડુ અને પુડુચેરી પરથી મોટું સંકટ ટળ્યું, છતાં તિરુવલ્લુરમાં ભારે વરસાદ અને તોફાની પવનની આગાહી
સોમવાર સવાર સુધીમાં તોફાની પવનોનું જોર ધીમે ધીમે ઘટશે. પવનની ગતિ ૪૫ થી ૫૫ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે, જે વધીને મહત્તમ ૬૫ કિલોમીટર પ્રતિ કલાક સુધી ફૂંકાઈ શકે છે

બંગાળની ખાડીમાં ઉદભવેલું શક્તિશાળી ચક્રવાતી તોફાન ‘દિત્વાહ’ હવે નબળું પડીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે, જેના કારણે તમિલનાડુ અને પુડુચેરીના દરિયાકાંઠાના વિસ્તારો પર તોળાઈ રહેલું મોટું સંકટ મહદઅંશે ટળી ગયું છે.
અત્યારે રવિવારે મોડી રાત્રે આ સિસ્ટમ્સ ઉત્તર તરફ આગળ વધી હતી અને દરિયાકાંઠાથી માત્ર ૩૦ કિલોમીટરના અંતરે સ્થિર થઈ હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વાવાઝોડું નબળું પડ્યું હોવા છતાં કાલે સોમવારે તમિલનાડુના તિરુવલ્લુર જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે અન્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને વીજળીના કડાકા ભડાકા જોવા મળી શકે છે.
ચક્રવાતની વર્તમાન સ્થિતિ અને ગતિવિધિ
પ્રાદેશિક હવામાન કેન્દ્ર અને વિવિધ વેધર ચેનલોના સત્તાવાર અહેવાલો મુજબ, ‘દિત્વાહ’ વાવાઝોડું રવિવારે સવારે ૫ કિલોમીટર પ્રતિ કલાકની ધીમી ગતિએ આગળ વધી રહ્યું હતું. તે સમયે તેનું કેન્દ્ર કિનારાથી લગભગ ૮૦ કિલોમીટર દૂર હતું. જોકે, રવિવારે રાત્રે એટલે કે અત્યારે રાત્રે ૧૦.૩૦ વાગ્યે તે તમિલનાડુ અને પુડુચેરીના ઉત્તર કિનારાની સમાંતર આગળ વધીને વધુ નજીક એટલે કે કિનારાથી અંદાજે ૩૦ કિલોમીટરના અંતરે આવી પહોંચ્યું હતું. સદનસીબે, જમીન સાથે ટકરાતા પહેલા જ તેની તીવ્રતા ઘટી ગઈ હતી અને તે વાવાઝોડામાંથી નબળું પડીને ‘ડીપ ડિપ્રેશન’માં પરિવર્તિત થઈ ગયું હતું.
હવામાન વિભાગની આગાહી: ૧ ડિસેમ્બરની સ્થિતિ: હવામાન વિભાગના બુલેટિન અનુસાર, કાલે સોમવારે (૧ ડિસેમ્બર) વાતાવરણમાં નીચે મુજબના ફેરફારો જોવા મળશે:
વરસાદ: તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને તિરુવલ્લુર જિલ્લામાં ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેના પગલે સ્થાનિક તંત્રને સતર્ક રહેવા સૂચના અપાઈ છે.
પવનની ગતિ: સોમવાર સવાર સુધીમાં તોફાની પવનોનું જોર ધીમે ધીમે ઘટશે. પવનની ગતિ ૪૫ થી ૫૫ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે, જે વધીને મહત્તમ ૬૫ કિલોમીટર પ્રતિ કલાક સુધી ફૂંકાઈ શકે છે.
દરિયાઈ સ્થિતિ: દરિયાની સ્થિતિમાં પણ સુધારો થવાની શક્યતા છે. જોકે, સોમવાર સવાર સુધી દરિયો તોફાનીથી ખૂબ તોફાની રહી શકે છે, પરંતુ ત્યારબાદ પરિસ્થિતિ સામાન્ય થવા લાગશે.
ચેન્નાઈના દરિયાકાંઠે તોતિંગ મોજાં ઉછળ્યા: આજે રવિવારે વાવાઝોડાની અસરને કારણે ચેન્નાઈના કાશીમેડુ ફિશિંગ હાર્બર સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં સમુદ્રમાં પ્રચંડ કરંટ જોવા મળ્યો હતો. અહીં દરિયાના તોતિંગ મોજાં કિનારા સાથે અથડાતા જોવા મળ્યા હતા, જેની તસવીરો અને વીડિયો વિવિધ માધ્યમોમાં સામે આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા માછીમારોને જ્યાં સુધી દરિયો સંપૂર્ણ શાંત ન થાય ત્યાં સુધી દરિયામાં ન જવાની કડક સૂચના આપવામાં આવી છે.
આમ, ભલે ‘દિત્વાહ’ વાવાઝોડાએ તેનું રૌદ્ર સ્વરૂપ ગુમાવી દીધું હોય અને તે નબળું પડી ગયું હોય, પરંતુ દરિયાકાંઠાના રહીશો અને તંત્રને હજુ પણ આગામી ૨૪ કલાક સુધી સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.
અત્યારે રાત્રે ૧૦.૪૦ વાગે લેવામાં આવેલી લેટેસ્ટ ઇનસેટ તસવીરમાં પણ વાવાઝોડું નબળું પડી રહ્યાનું દેખાય છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
