<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th November 2025

આ કેવા પ્રકારના લોકો છે? તમે ક્યાંથી આવો છો : પાપારાઝી કલ્ચર પર જયા બચ્ચનએ ભડાશ કાઢી

અભિનેત્રીએ કેટલાક પાપારાઝીઓના દેખાવ અને વર્તનની ટીકા કરી, તેમના પોશાક અને વર્તનનો ઉલ્લેખ કર્યો

મુંબઈ : પીઢ અભિનેત્રી જયા બચ્ચન ઘણીવાર પાપારાઝી પર આકરા પ્રહારો કરે છે. હવે, ફરી એકવાર અભિનેત્રીએ પાપારાઝીની ભૂમિકા અને વ્યાવસાયિકતા પર શંકા વ્યક્ત કરી છે. તાજેતરના એક કાર્યક્રમ દરમિયાન, તેમણે તાલીમ પામેલા પત્રકારો પ્રત્યે આદર અને સેલિબ્રિટી ઇવેન્ટ્સમાં પાપારાઝી પ્રત્યેની પોતાની અગવડતા વ્યક્ત કરી હતી.

સોશિયલ મીડિયા પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડિયોમાં જયા બચ્ચને એક કાર્યક્રમ દરમિયાન પાપારાઝી વિશે વાત કરી હતી. કાર્યક્રમ દરમિયાન, જયા બચ્ચને કહ્યું- હું મીડિયાનું ઉપજ છું, પણ મારો પાપારાઝી સાથે કોઈ સંબંધ નથી. આ લોકો કોણ છે? શું તેઓ આ દેશના લોકોનું પ્રતિનિધિત્વ કરવા માટે તાલીમ પામેલા છે? તમે તેમને મીડિયા કહો છો? હું મીડિયામાંથી આવું છું. મારા પિતા પત્રકાર હતા. મને આવા લોકો માટે ખૂબ માન છે.

અભિનેત્રીએ કેટલાક પાપારાઝીઓના દેખાવ અને વર્તનની ટીકા કરી, તેમના પોશાક અને વર્તનનો ઉલ્લેખ કર્યો. જયા બચ્ચને કહ્યું કે બહારના આ લોકો ચુસ્ત, ગંદા કપડાં પહેરે છે અને હાથમાં મોબાઇલ ફોન ધરાવે છે. તેઓ વિચારે છે કે ફક્ત મોબાઇલ હોવાને કારણે તેઓ તમારો ફોટો ખેંચી શકે છે અને જે ઇચ્છે તે બોલી શકે છે. જયાએ પાપારાઝી તરીકે કામ કરતા લોકોના શિક્ષણ પર પણ સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે આ કેવા પ્રકારના લોકો છે? તમે ક્યાંથી આવો છો, તમારું શિક્ષણ શું છે, તમારું બેકગ્રાઉન્ડ શું છે ?

આ જ કાર્યક્રમનો બીજો એક વિડિયો સામે આવ્યો છે જેમાં જયા બચ્ચન પાપારાઝી માટે પોઝ આપવાનું ટાળતાં જોવા મળે છે. તેમણે રેડ કાર્પેટ પર આવવાનો પણ ઇનકાર કરી દીધો હતો.

વર્કફ્રંટની વાત કરીએ જયા બચ્ચન છેલ્લે 2023માં રિલીઝ થયેલી ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં જોવા મળ્યાં હતાં. આ ફિલ્મમાં તેઓ ગ્રે શેડમાં જોવા મળ્યાં હતાં.

 

(11:34 PM IST)