<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th November 2025

લખનૌના જનેશ્વર મિશ્રા પાર્કનું કોમર્શિયલ કરણ થઈ રહ્યું હોવાનો અખિલેશ યાદવનો ગંભીર આરોપ: પાર્કમાં મોટા પાયે ખાનગી લગ્નો અને ઇવેન્ટ્સ યોજવાની મંજૂરી

નિર્ણય તાત્કાલિક પાછો ખેંચવા અને જો તેમ નહીં થાય તો આંદોલનની ચીમકી

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશ સરકાર પર લખનૌના પ્રખ્યાત જનેશ્વર મિશ્રા પાર્કનું વ્યાપારીકરણ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. 
તેમણે દાવો કર્યો છે કે સત્તાવાળાઓ ૧૫ જાન્યુઆરી, ૨૦૨૬થી આ પાર્કમાં મોટા પાયે ખાનગી લગ્નો અને ઇવેન્ટ્સ યોજવાની મંજૂરી આપીને તેને સંપૂર્ણપણે કોમર્શિયલ બનાવી રહ્યા છે.
એક નિવેદનમાં અખિલેશ યાદવે જણાવ્યું હતું કે, જનેશ્વર મિશ્રા પાર્ક સામાન્ય જનતા માટે હરવા-ફરવાનું અને પર્યાવરણની દ્રષ્ટિએ મહત્વનું સ્થળ છે. સમાજવાદી પાર્ટીની સરકારે આ પાર્કનું નિર્માણ લોકોની સુખાકારી માટે કર્યું હતું, પરંતુ વર્તમાન ભાજપ સરકાર હવે તેમાંથી નફો કમાવવાની યોજના બનાવી રહી છે. 
અખિલેશે આરોપ લગાવ્યો કે ૧૫ જાન્યુઆરીથી અહીં ખાનગી કાર્યક્રમો માટે બુકિંગ શરૂ કરવામાં આવી રહ્યું છે, જેનાથી પાર્કની શાંતિ અને સુંદરતા જોખમાશે.
યાદવે વધુમાં જણાવ્યું હતું કે, જો પાર્કમાં લગ્નો અને મોટી ઇવેન્ટ્સ યોજાશે તો ત્યાં ગંદકી ફેલાશે અને સામાન્ય નાગરિકો, ખાસ કરીને મોર્નિંગ વોકર્સ અને બાળકો માટે પાર્કમાં પ્રવેશવું મુશ્કેલ બની જશે. 
તેમણે ચેતવણી આપી હતી કે જાહેર સંપત્તિનો ઉપયોગ ખાનગી નફા માટે કરવો તે જનતા સાથે અન્યાય છે. સપા પ્રમુખે સરકારને આ નિર્ણય તાત્કાલિક પાછો ખેંચવા અનુરોધ કર્યો છે અને જો તેમ નહીં થાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.

 

(11:39 PM IST)