<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st December 2025

સિગારેટ અને પાન મસાલા પર નવો સેસ આવશે

સરકાર સંસદમાં રજૂ કરશે ૨ મોટા બિલ!

નવી દિલ્‍હી,તા.૦૧: સંસદ સત્રમાં સરકાર એક મોટો ટેક્‍સ ફેરફાર રજૂ કરવા જઈ રહી છે, જે ડાયરેક્‍ટ સિગારેટ, પાન મસાલા અને ગુટખા જેવી પ્રોડક્‍ટ્‍સ સાથે જોડાયેલો હશે. સરકાર તરફથી નાણામંત્રી નિર્મલા સીતારમણ આવતીકાલે લોકસભામાં બે મહત્‍વના બિલ રજૂ કરશે. નાણામંત્રી હેલ્‍થ સિક્‍યોરિટી એન્‍ડ નેશનલ સિક્‍યોરિટી સેસ બિલ, ૨૦૨૫ અને સેન્‍ટ્રલ એક્‍સાઇઝ એક્‍ટ સુધારા બિલ રજૂ કરશે. જેના હેઠળ વર્તમાન GST કમ્‍પનસેશન સેસ ને બદલીને નવી સિસ્‍ટમ લાગુ કરવામાં આવશે.

સરકારે સ્‍પષ્ટ કર્યું છે કે, સેસના દરોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં. હાલમાં GST હેઠળ આ પ્રોડક્‍ટ્‍સ પર જેટલો સેસ લગાવવામાં આવે છે, તે જ સેસ હવે નવી જોગવાઈઓ હેઠળ પણ લાગશે. એટલે કે, GST હેઠળ સિગારેટ, પાન મસાલા અને ગુટખા પર લાગતા હાલના સેસને હવે આ નવા સેસ દ્વારા બદલવામાં આવશે (રિપ્‍લેસ કરવામાં આવશે).

સરકાર આ પ્રોડક્‍ટ પર લાગતા GSTવાળા જૂના સેસને રિપ્‍લેસ કરી રહી છે, જેથી ટેક્‍સ કલેક્‍શનને વધુ સરળ બનાવી શકાય. વર્તમાન સમયમાં સિગારેટ, પાન મસાલા અને ગુટખા પર GST ઉપરાંત Compensation Cess પણ લાગે છે, જેની મુદત પૂરી થઈ રહી છે. સરકાર તે જ સ્‍ટ્રક્‍ચરને નવા નામ અને નવા કાયદા હેઠળ આગળ ધપાવવા માંગે છે, જેથી આવકમાં કોઈ ગેપ ન આવે.

આ ફેરફારથી દરોમાં કોઈ વધારો થવાનો નથી. એટલે કે હાલ પૂરતી સામાન્‍ય લોકો માટે કિમતો પર સીધી અસર જોવા નહીં મળે. પરંતુ ટેક્‍સ સિસ્‍ટમ બદલાવાથી કંપનીઓ માટે રિપોર્ટિગ અને કમ્‍પ્‍લાયન્‍સમાં ફેરફાર આવશે. ખાસ કરીને સિગારેટ સેક્‍ટર તો પહેલેથી જ સખત ટેક્‍સ માહોલમાં કામ કરે છે, એટલે નવો કાયદો તેમની સામે નવા અનુપાલન નિયમો લાવી શકે છે.

સિગારેટ પર સેસ લગાવવા માટે તેને GSTમાંથી હટાવીને સેન્‍ટ્રલ એક્‍સાઇઝ એક્‍ટ (Central Excise Act) હેઠળ લાવવામાં આવશે. આવું એટલા માટે કરવામાં આવી રહ્યું છે કે સરકાર પાસે આ પ્રોડક્‍ટ્‍સની ટેક્‍સ મોનિટરિગ પર વધુ કંટ્રોલ રહે. એક્‍સાઇઝ સ્‍ટ્રક્‍ચર દ્વારા ટ્રેકિગ સરળ બને છે અને ટેક્‍સ ચોરીના કેસ પણ ઘટે છે.

આ પગલાને સ્‍વાસ્‍થ્‍ય આધારિત ટેક્‍સેશન સ્‍ટ્રૈટેજીનો ભાગ માનવામાં આવે છે. પાન મસાલા, ગુટખા અને તમાકુ આધારિત પ્રોડક્‍ટ્‍સ પર વધુ ટેક્‍સ લગાવીને સરકાર માત્ર આવક જ નથી વધારતી, પરંતુ આવી પ્રોડક્‍ટ્‍સનો ઉપયોગ ઘટાડવાનો પણ પ્રયાસ કરે છે. નેશનલ સિક્‍યોરિટી અને હેલ્‍થ સિક્‍યોરિટી બંનેને ધ્‍યાનમાં રાખીને સરકારે આ નવા સેસને એક વિશાળ નામ આપ્‍યું છે.

હાલ દરો બદલાશે નહીં, પરંતુ એક્‍સાઇઝ હેઠળ આવ્‍યા પછી ભવિષ્‍યમાં ટેક્‍સ વધારવો સરકાર માટે સરળ બની જશે. એટલે આગળ કિમતો વધવાની સંભાવનાને નકારી શકાય નહીં. આ નિર્ણય આવનારા બજેટ કે આરોગ્‍ય નીતિઓ (હેલ્‍થ પોલિસી) પર નિર્ભર રહેશે.

(10:37 AM IST)