News of Monday, 1st December 2025
આર્થિક મંદી નહીં, પણ 'નિષ્ક્રિયતા'નું કારણ: છેલ્લા ૫ વર્ષમાં ૨.૦૪ લાખ ખાનગી કંપનીઓ બંધ!
મોટો ખુલાસો સંસદમાં: કોર્પોરેટ બાબતોના મંત્રાલયે 'મર્જર' અને 'સ્વૈચ્છિક બંધ'ને મુખ્ય કારણ ગણાવ્યા: ૨૦૨૨-૨૩માં સૌથી વધુ ૮૩,૪૫૨ કંપનીઓ રેકોર્ડમાંથી દૂર

નવી દિલ્હી: ભારતીય કોર્પોરેટ સેક્ટરને લઈને સંસદમાં એક ચોંકાવનારો આંકડો રજૂ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે લોકસભામાં માહિતી આપી છે કે છેલ્લા પાંચ નાણાકીય વર્ષોમાં કુલ ૨,૦૪,૨૬૮ ખાનગી કંપનીઓ બંધ થઈ ગઈ છે અથવા તેમને રેકોર્ડમાંથી દૂર કરવામાં આવી છે. કોર્પોરેટ બાબતોના રાજ્યમંત્રી હર્ષ મલ્હોત્રાએ સ્પષ્ટતા કરી હતી કે આ મોટો આંકડો હોવા છતાં, તેનું મુખ્ય કારણ આર્થિક મંદી કે ઉદ્યોગ સંકટ નથી.
મંત્રીએ લેખિત જવાબમાં જણાવ્યું હતું કે બંધ થયેલી કંપનીઓમાંથી મોટાભાગની કંપનીઓને મર્જર, અન્ય કંપનીમાં રૂપાંતરણ, સ્વૈચ્છિક બંધ અથવા કંપની અધિનિયમ, ૨૦૧૩ હેઠળ લાંબા સમય સુધી નિષ્ક્રિયતાને કારણે દૂર કરવામાં આવી છે. આમાં સૌથી મોટો ઉછાળો નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માં જોવા મળ્યો હતો, જ્યારે સરકારે લાંબા સમયથી નિષ્ક્રિય રહેલી કંપનીઓને દૂર કરવા માટે એક વિશેષ ઝુંબેશ ચલાવી હતી, જેના કારણે તે વર્ષે ૮૩,૪૫૨ કંપનીઓ બંધ થઈ હતી.
સંસદમાં શેલ કંપનીઓ અને મની લોન્ડરિંગના ઉપયોગ અંગેના પ્રશ્નોના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે કંપની અધિનિયમમાં 'શેલ કંપની'ની કોઈ સત્તાવાર વ્યાખ્યા નથી. જોકે, જ્યારે પણ કોઈ કંપની પર શંકાસ્પદ પ્રવૃત્તિઓની શંકા જાય છે, ત્યારે તે માહિતી ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ), આવકવેરા વિભાગ અને અન્ય એજન્સીઓ સાથે વહેંચવામાં આવે છે. આનાથી સ્પષ્ટ થાય છે કે સરકાર અનિયમિતતા સામે સતર્ક છે, પરંતુ બંધ થવાનું મુખ્ય કારણ નિયમનકારી પાલન ન કરવું અથવા વ્યવસાયની ઇચ્છાનો અભાવ રહ્યો છે.
સરકારે ગ્રામીણ વિસ્તારોમાં ઉદ્યોગો સ્થાપવા માટે ખાસ કર મુક્તિ આપવાની યોજનાને ફગાવી દીધી છે. મંત્રીએ કહ્યું કે સરકારની નીતિ દેશમાં એકસમાન, પારદર્શક અને સ્થિર કર વ્યવસ્થા બનાવવા માટે કર પ્રોત્સાહનો ઘટાડવા અને કર દરોને સરળ બનાવવાની છે. તેમણે ઉમેર્યું કે કોર્પોરેટ કરમાં કાપ જેવા મોટા સુધારા પહેલેથી જ લાગુ છે, જે ઉદ્યોગને પ્રોત્સાહન આપી રહ્યા છે.
(9:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
