News of Tuesday, 2nd December 2025
ભારે કરી! પહેલા VVIP નંબર લેવા ૧.૧૭ કરોડની બોલી લગાવી, પૈસા જમા કરાવવાનો વારો આવતા હાથ ઊંચા કરી દીધા

ચરખી દાદરી તા.૨: હરિયાણામાં હાલમાં જ વીઆઈપી નંબર માટે ઓનલાઈન ૧ કરોડ ૧૭ લાખ રૂપિયાની બોલી લગાવી હતી. આ બોલીની ચર્ચા આખા દેશમાં થઈ હતી. જોકે હવે આ ડીલ ફેલ થઈ ગઈ છે. કારણ કે બોલી લગાવનારે પૈસા જમા નથી કરાવ્યા.
પ્રાપ્ત જાણકારી અનુસાર, ચરખી દાદરીના બાઢડા ઉપમંડળની પ્લેટ ‘HR88B8888' નંબર માટે ઓનલાઈન હરાજી થઈ હતી. આ નંબરની હરાજી ૧ કરોડ ૧૭ લાખ રૂપિયા સુધીમાં થઈ હતી. હિસારના વેપારી સુધીરે આ બોલી લગાવી હતી પણ હવે આજે બોલીના પૈસા જમા કરાવવાનો છેલ્લો દિવસ હતો અને તેમણે પૈસા જમા નથી કરાવ્યા.
એવું જાણવા મળ્યું છે કે હિસારના ટ્રાન્સપોર્ટર સુધીર કુમારે શનિવાર રાતે બે વાર પૈસા જમા કરવાની કોશિશ કરી, પણ પોર્ટલમાં ટેકનિકલ ખરાબીના કારણે પેમેન્ટ થઈ શક્યું નહીં. તેમણે એવું પણ કહ્યું કે પરિવારના લોકો આ બોલી વિરુદ્ધ હતા અને આટલી મોટી રકમ ખર્ચ કરવાનું તેમને યોગ્ય નથી લાગતું.
રોમૂલસ સોલ્યુશન્સ પ્રાઈવેટ લિમિટેડના ડાયરેક્ટર સુધીર કુમારે ૧.૧૭ કરોડ રૂપિયાની બોલી લગાવી હતી અને તેની બેઝ પ્રાઈઝ ખાલી ૫૦,૦૦૦ રૂપિયા હતા.
અહીં ઉલ્લેખનીય છે કે બોલી માટે ૧૧ હજાર રૂપિયા પહેલા જમા કરાવ્યા હતા અને હવે ફુલ પેમેન્ટ ન કરતા તે રકમ જપ્ત થઈ જશે અને ફરી વાર ઓક્શન થશે. અહીં ઉલ્લેખનીય છે કે હરિયાણામાં ટ્રાન્સપોર્ટ વિભાગ ગાડીઓને વીઆઈપી નંબરની બોલી કરાવે છે. આવી જ રીતે પંજાબ અને હરિયાણા ઉપરાંત હિમાચલમાં પણ થાય છે. હાલમાં જ હરાજીમાં HR22W2222 નંબરની ઓનલાઈન હરાજીમાં ૩૭.૯૧ લાખ રૂપિયાની બોલી લાગી હતી.
હિમાચલ પ્રદેશના શિમલામાં થોડા સમય પહેલા એક નંબર માટે બોલી એક કરોડ ૭ લાખ રૂપિયા સુધી ગઈ હતી. પણ બોલી લગાવનારે કોઈ પૈસા જમા કર્યા નહોતા. બાદમાં કોટખાઈનો વીવીઆઈપી નંબર ‘HP99-9999' એક સ્કૂટીના માલિકે ખરીદ્યો હતો.
(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
