<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd December 2025

અભિષેક બેનર્જીની મુખ્ય ચૂંટણી કમિશનરને ખુલ્લી ચેલેન્જ: 'જો દાવો સાચો હોય તો પુરાવા લઈને આવો, નહીં તો કોર્ટમાં ખેંચી જઈશું!'

TMC નેતાએ SIR ને લઈને 40 મૃત્યુ માટે ભાજપને જવાબદાર ઠેરવ્યું: 'બીજેપીએ એક કરોડ મતદારોના નામ કાપવાની બ્રીફિંગ આપી હતી.'

કોલકાતા, તા.02 : તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીએ મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) મુદ્દે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) ને આજે ખુલ્લી ચેલેન્જ આપી છે. CEC દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે TMC દ્વારા ઉઠાવવામાં આવેલા તમામ સવાલોના જવાબો ગયા અઠવાડિયાની મીટિંગમાં આપી દેવામાં આવ્યા હતા, જેના જવાબમાં અભિષેક બેનર્જીએ કહ્યું, "જો આ સાચું હોય તો પુરાવા લઈને આવો, નહીં તો અમે કોર્ટ લઈ જઈશું."
"SIR ની ખરાબ યોજનાથી 40 લોકોના મોત"
અભિષેક બેનર્જીએ SIR ની ખરાબ યોજના અને તેના કારણે થયેલા 40 લોકોના મૃત્યુ માટે સીધી રીતે ભાજપને જવાબદાર ઠેરવ્યું છે. તેમણે ભાજપ પર મોટો આરોપ લગાવતા કહ્યું કે, "બીજેપીને લાગ્યું હતું કે SIR કરાવીને બંગાળ આસાનીથી જીતી લેશે. તેમણે ચૂંટણી પંચને બ્રીફિંગ આપી હતી કે એક કરોડ વોટરોના નામ કાપી નાખો."
તેમણે ઉમેર્યું કે સૌથી પહેલા ભાજપના નેતાઓએ જ જાહેરમાં કહ્યું હતું કે એક કરોડ નામ કપાશે અને તેમના ડરાવવાના કારણે જ માહોલ બન્યો અને SIR દરમિયાન લોકોના મોત થયા. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી કે "બંગાળના લોકો પર હુમલો કરવાનું બંધ કરો. TMC થી લડવું હોય તો સીધી રીતે અમારી સાથે લડો, જનતાને ડરાવવાની જરૂર નથી."
સરકારની જવાબદેહી પર સવાલ
અભિષેક બેનર્જીએ પુનરોચ્ચાર કર્યો કે TMC SIR ની પ્રક્રિયાની વિરુદ્ધ નથી, પરંતુ "તેના ખોટા અમલ" ની વિરુદ્ધ છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે SIR ની ખરાબ પ્લાનિંગથી 40 લોકોના મોત થયા હોવા છતાં સરકારની જવાબદેહી ક્યાં છે? તેમણે નોટબંધીનો ઉલ્લેખ કરીને કહ્યું કે ત્યારે પણ લોકો લાઈનમાં મર્યા હતા અને આજે પણ એ જ થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે BLO ને પૂરતી તાલીમ આપવામાં આવી નથી, ગડબડી દૂર કરવામાં આવી નથી, અને જ્યારે સવાલ કરવામાં આવે છે, ત્યારે PM મોદી તેને 'ડ્રામા' ગણાવે છે.

 

(1:30 PM IST)