<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd December 2025

રાજકોટમાં રવિવારે એર-શોઃ સુર્યકિરણનું રિહર્સલ

અટલ સરોવર ખાતે મનપા દ્વારા ધણધણાટીભર્યુ આયોજનઃ લોકોને હવામાં હેરતભર્યા કરતબ જોવા મળશે

રાજકોટ તા.રઃ ભારતીય વાયુસેનાની પ્રખ્‍યાત ‘‘સૂર્યકિરણ'' એરોબેટિક ટીમ દ્વારા આયોજિત ભવ્‍ય એર શોની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં છે. આ કાર્યક્રમની ભવ્‍યતાનો અંદાજ આપતા આજે સૂર્યકિરણ ટીમનાં ૬ વિમાનો દ્વારા અટલ સરોવર ખાતે મીની રિહર્સલ કરવામાં આવ્‍યું હતું.

રિહર્સલ દરમિયાન આ વિમાનોએ રાજકોટના આકાશમાં દિલધડક કરતબોની પ્રેક્‍ટિસ કરી હતી જેણે આસપાસના લોકોમાં ભારે ઉત્‍સાહ જગાવ્‍યો હતો અને ૭ ડિસેમ્‍બર, રવિવારના મુખ્‍ય શો માટેની આતુરતા વધારી દીધી છે. રાજકોટ મહાનગર પાલિકા દ્વારા આયોજિત આ એર શો તાજેતરમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીની હાજરીમાં કેવડિયા ખાતે યોજાયેલા એર શો જેવો જ ભવ્‍ય હશે તેવી અપેક્ષા છે.

આ ઇવેન્‍ટનું મુખ્‍ય આકર્ષણ વાયુસેનાની ચોકસાઈ અને શિસ્‍ત હશે. આજે થયેલા મીની રિહર્સલે સ્‍પષ્ટ કરી દીધું છે કે, મુખ્‍ય શો કેટલો અદભૂત હશે. ૬ હોક વિમાનોએ એકસાથે ઉડાન ભરીને વિવિધ ફોર્મેશનની પ્રેક્‍ટિસ કરી, જેમાં તેમની ટીમ સ્‍પિરિટ અને પાયલટ્‍સની અસાધારણ કુશળતાનો પરિચય થયો હતો.

આ પ્રારંભિક પ્રેક્‍ટિસનો હેતુ ૭ ડિસેમ્‍બરના મુખ્‍ય કાર્યક્રમ માટે વાતાવરણ અને એરોબેટિક્‍સની ચોકસાઈ ચકાસવાનો હતો, જે સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવ્‍યો છે. રિહર્સલે અટલ સરોવર અને આસપાસના વિસ્‍તારમાં એક તહેવાર જેવો માહોલ ઊભો કર્યો હતો.

મુખ્‍ય કાર્યક્રમમાં સૂર્યકિરણ ટીમના ૯ હોક વિમાનો રાજકોટના આકાશમાં જોવા મળશે. આ પાયલટ્‍સ દ્વારા ૪૦ મિનિટ સુધી સતત હવાઈ કરતબો રજૂ કરવામાં આવશે, જે દર્શકોને મંત્રમુગ્‍ધ કરી દેશે. આ વિમાનો ૭ ડિસેમ્‍બરે સવારે ૧૦ વાગ્‍યે અટલ સરોવર ખાતે પોતાના કૌશલ્‍યનું પ્રદર્શન કરશે. દર્શકોને એર શોમાં વિમાનોના સિગ્નેચર ફોર્મેટ સ્‍ટંટ્‍સની ખાસ ઝલક જોવા મળશે, જે ભારતીય વાયુસેનાની તાકાતનું પ્રતીક છે.

આ એર શો માત્ર એક અદભૂત હવાઈ પ્રદર્શન નથી, પરંતુ તે દેશના યુવાનો માટે પ્રેરણાનોસ્ત્રોત પણ છે. આ મુખ્‍ય એર શોની સફળતા માટેની અંતિમ તૈયારીઓ તરીકે ૫ ડિસેમ્‍બરના રોજ ફાઈનલ રિહર્સલ માટે કવાયત હાથ ધરાઇ રહી છે. આ ફાઈનલ રિહર્સલ પણ મોટા શો જેવું જ મહત્‍વપૂર્ણ રહેશે, જે દર્શકો માટે મુખ્‍ય ઇવેન્‍ટ પહેલા એક સારો અનુભવ સાબિત થશે.

ઉપરાંત શનિવારે તા.૬ના રોજ મનપા દ્વારા કોલેજના વિદ્યાર્થીઓ માટે અલગથી સુર્યકિરણનો ખાસ એર-શો યોજવા પ્રયાસ હાથ ધરવામાં આવી રહયો છે.

સૂર્ય કિરણની ૧૯૯૬માં સ્‍થાપનાઃ ૯૦૦થી વધુ પ્રદર્શન

જ્‍યારે પણ વાયુસેના દેશમાં એર શોનું આયોજન કરે છે ત્‍યારે તેની જવાબદારી સૂર્યકિરણ એરોબેટિક ટીમની હોય છે. ૧૯૯૬માં ભારતીય વાયુસેનામાં એક એરોબેટિક્‍સ પ્રદર્શન ટીમની સ્‍થાપના થઈ અને એનું નામ સૂર્યકિરણ અપાયું. સૂર્યકિરણ ટીમે હિન્‍દુસ્‍તાન એરોનોટિક્‍સ લિમિટેડના HT-૧૬ કિરણ ફાઈટર જેટથી શરૂઆત કરી હતી. વર્ષ ૨૦૧૫માં હોક માર્ક M-૧૩૨ જેટ વિમાન સૂર્યકિરણ એરોબેટિક ટીમમાં જોડાયું હતું. સૂર્યકિરણ એરોબેટિક્‍સ ટીમ વાયુસેનાના ૫૨મી સ્‍ક્‍વોડ્રનનો ભાગ છે. આ ટીમે ૯૦૦થી વધુ વખત નવ-એરક્રાફટ ફોર્મેશનનું પ્રદર્શન કર્યું છે. આ ટીમ ફક્‍ત દેશમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ એર શોમાં ભાગ લે છે.

સૂર્યકિરણ ટીમના કુલ ૧૩ પાઇલટ્‍સમાંથી નવ ફાઇટર પાઇલટ્‍સ એકસાથે ઉડાન ભરે છે

સૂર્યકિરણ ટીમ માટે બેથી ત્રણ વર્ષના સમયગાળા માટે પાઇલટ્‍સની પસંદગી કરવામાં આવે છે. ટીમના બધા પાઇલટ્‍સ કિરણ વિમાન ચલાવવાનો અનુભવ ધરાવતા લાયક ઉડાન ઇન્‍સ્‍ટ્રક્‍ટર હોય છે. ટીમમાં કુલ ૧૩ પાઇલટસ હોય છે, જેમાંથી ૯ પાઇલટ્‍સ એક સાથે ઉડાન ભરે છે.

(3:43 PM IST)