News of Tuesday, 2nd December 2025
ઈમરાન ખાનના રહસ્ય પરથી પડદો હટ્યો! જેલ બહાર ભારે વિરોધ બાદ બહેનને મળવાની મંજૂરી
૪ નવેમ્બરથી મુલાકાત પર પ્રતિબંધ બાદ PTI કાર્યકરો, નેતાઓ અને બહેનોએ ઇસ્લામાબાદ હાઇકોર્ટ અને અદિયાલા જેલ બહાર કર્યા જોરદાર ધરણાં: સ્વાસ્થ્ય અંગેનો સસ્પેન્સ સમાપ્ત

રાવલપિંડી: પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન અને પીટીઆઈના વડા ઈમરાન ખાનના સ્વાસ્થ્ય અને સ્થિતિને લઈને છેલ્લા ત્રણ અઠવાડિયાથી ચાલી રહેલું સસ્પેન્સ આખરે સમાપ્ત થયું છે. ૪ નવેમ્બરથી પરિવારના કોઈ સભ્ય કે વકીલને તેમને અદિયાલા જેલમાં મળવાની મંજૂરી ન મળતા, મંગળવારે તેમની બહેનો અને સમર્થકોએ ઇસ્લામાબાદ હાઇકોર્ટ અને જેલની બહાર ભારે વિરોધ પ્રદર્શનો કર્યા હતા.
સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, વિરોધ પ્રદર્શનોના દબાણ બાદ સત્તાવાળાઓએ આખરે ઈમરાન ખાનની એક બહેનને તેમને મળવાની મંજૂરી આપી છે. આનાથી તેમના સ્વાસ્થ્યને લગતી ચાલી રહેલી તમામ અનિશ્ચિતતાઓનો અંત આવ્યો છે, જે તેમના પુત્ર દ્વારા "પિતા સાથે કંઈક અફર થયું છે" તેવી ટિપ્પણી કર્યા પછી વધુ તીવ્ર બની હતી. ઈમરાન ખાનની ત્રણ બહેનો – અલીમા ખાન, નૂરીન ખાન અને આઝમી ખાન – જેલ બહારના ધરણાંમાં સામેલ થઈ હતી.
વિરોધ પ્રદર્શનમાં પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના કાર્યકરો, સાંસદો અને નેતાઓનો મોટો ટોળો એકઠો થયો હતો, જેમણે સરકાર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા અને ઈમરાન ખાનની તાત્કાલિક મુક્તિની માંગ કરી હતી. PTI ના એક પ્રદર્શનકારીએ ચેતવણી આપી હતી કે, "આ સરકાર હવે સૂઈ શકતી નથી. અમે ઈમરાન ખાનને મુક્ત કરાવીશું." ઈસ્લામાબાદ હાઇકોર્ટના આદેશો છતાં મુલાકાત ન મળવાથી વિરોધનો સૂર વધુ ઉગ્ર બન્યો હતો.
નોંધનીય છે કે, ઈમરાન ખાનની ધરપકડ બાદ તેમનું સમર્થન કરનાર ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી સુહેલ આફ્રિદીની સરકારને બરતરફ કરીને ત્યાં રાજ્યપાલ શાસન લાદવામાં આવે તેવી અટકળો પણ ચાલી રહી છે. આ રાજકીય તણાવની પૃષ્ઠભૂમિમાં, ઈમરાન ખાનની બહેનને મળવાની મંજૂરી આપવી એ પાકિસ્તાન સરકાર પરના વધતા દબાણનું પરિણામ માનવામાં આવે છે.
(8:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
