News of Tuesday, 2nd December 2025
'ઘુસણખોરો માટે લાલ જાજમથી સ્વાગત કેમ?' સુપ્રીમ કોર્ટે રોહિંગ્યાઓની કાનૂની સ્થિતિ પર ઉઠાવ્યો તીક્ષ્ણ સવાલ; 'જ્યારે દેશના નાગરિકો ગરીબીમાં છે, ત્યારે તેમનો વિચાર કેમ ન કરવો?'
અરજદારે હેબિયસ કોર્પસ અરજી કરી: CJI એ પૂછ્યું, ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યા પછી 'ખાદ્ય, આશ્રય અને શિક્ષણના અધિકાર'ની માંગ કેટલી યોગ્ય? 16 ડિસેમ્બરના રોજ વધુ સુનાવણી

નવી દિલ્હી : ભારતમાં રહેતા રોહિંગ્યાઓની કાનૂની સ્થિતિ અંગે આજે સુપ્રીમ કોર્ટે ખૂબ જ તીક્ષ્ણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચીની બેન્ચે સ્પષ્ટપણે સવાલ કર્યો કે જ્યારે દેશના પોતાના નાગરિકો ગરીબી સાથે ઝઝૂમી રહ્યા છે, ત્યારે ગેરકાયદેસર રીતે સરહદ પાર કરનાર "ઘુસણખોરો"નું "લાલ જાજમમાં સ્વાગત" કરવું જોઈએ?
આ અવલોકનો અધિકાર કાર્યકર્તા રીટા મનચંદા દ્વારા દાખલ કરાયેલ હેબિયસ કોર્પસ અરજીની સુનાવણી દરમિયાન કરવામાં આવ્યા હતા, જેમાં કસ્ટડીમાંથી કેટલાક રોહિંગ્યાઓ ગાયબ થયા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
ગેરકાયદેસર પ્રવેશકર્તાઓને કાયદાકીય અધિકારો?
CJI સૂર્યકાંતે ટિપ્પણી કરી કે જો કોઈ ઘુસણખોર ગેરકાયદેસર રીતે સરહદ પાર કરીને આવે, તો "શું આપણે તેમનું લાલ જાજમ બિછાવીને સ્વાગત કરીએ છીએ કે અમે તમને બધી સુવિધાઓ આપવા માંગીએ છીએ?" તેમણે ભારપૂર્વક પૂછ્યું કે, "તેમને પાછા મોકલવામાં શું સમસ્યા છે?"
CJI એ કાયદાના વિસ્તરણ અંગે ગંભીર સવાલ ઉઠાવ્યો:
"તમે ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કર્યો છે. પછી તમે કહો છો કે, હવે જ્યારે હું પ્રવેશ કરી ચૂક્યો છું, તો તમારા કાયદા મારા પર લાગુ થવા જોઈએ અને કહે છે કે, હું ખોરાકનો હકદાર છું, હું આશ્રયનો હકદાર છું, મારા બાળકો શિક્ષણનો હકદાર છે. શું આપણે કાયદાને આ રીતે લંબાવવા માંગીએ છીએ?"
બેન્ચે કહ્યું કે, ભારત એક એવો દેશ છે જ્યાં ઘણા ગરીબ લોકો છે, જેઓ પોતે નાગરિક છે અને તેમ છતાં ચોક્કસ લાભોથી વંચિત છે, તેથી તેમના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
આગામી સુનાવણી માટે વ્યાપક મુદ્દાઓ
કેન્દ્ર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી કે અરજી કોઈ અસરગ્રસ્ત વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવી નથી.
કોર્ટે આ કેસની સુનાવણી 16 ડિસેમ્બર સુધી મુલતવી રાખી છે, પરંતુ સાથે જ રોહિંગ્યાઓના મુદ્દા સંબંધિત અનેક વ્યાપક કાયદાકીય મુદ્દાઓની નોંધ લીધી છે જેનું નિરાકરણ લાવવું જરૂરી છે:
1. શરણાર્થી કે ઘુસણખોર: શું રોહિંગ્યાઓ શરણાર્થી છે કે ગેરકાયદેસર પ્રવેશકર્તા?
2. અધિકારો: જો શરણાર્થી છે, તો તેઓ કયા રક્ષણ અને વિશેષાધિકારોના હકદાર છે?
3. દેશનિકાલ અને અટકાયત: જો ગેરકાયદેસર પ્રવેશકર્તા છે, તો શું તેમને અનિશ્ચિત સમય માટે અટકાયતમાં રાખી શકાય છે, અને શું સરકાર તેમને દેશનિકાલ કરવા માટે બંધાયેલી છે?
4. મૂળભૂત સુવિધાઓ: જે રોહિંગ્યાઓ શિબિરોમાં છે, શું તેમને પીવાનું પાણી, સ્વચ્છતા અને શિક્ષણ જેવી મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે?
(9:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
